24 September, 2026 03:30 PM IST | Mumbai | Vikkramm Chandirramani
સામૂહિક રીતે આ ત્રણેય નક્ષત્રો જ્ઞાન, અનુકૂલનક્ષમતા અને વિશાળ જગત સાથેના આપણા સંબંધોનું ગહન મહત્ત્વ સમજાવે છે.
નક્ષત્રોની આપણી યાત્રાને આગળ વધારતાં હવે આપણે મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરીએ છીએ, જ્યાં જ્ઞાન, સિદ્ધિ, સમાજ અને ઉપચારના વિષયો વધુ વિસ્તરે છે. શ્રવણ, ધનિષ્ઠા અને શતભિષા, આ ત્રણ નક્ષત્રો દર્શાવે છે કે વ્યક્તિ કઈ રીતે પોતાની આસપાસના વિશ્વમાંથી શીખે છે, પોતાની ક્ષમતાઓને સિદ્ધિમાં રૂપાંતરિત કરે છે અને આખરે વ્યક્તિગત દાયરાથી આગળ વધીને વ્યાપક સામાજિક હિત તરફ દૃષ્ટિ કરે છે. શ્રવણ સાંભળવા, શીખવા અને જ્ઞાનના પ્રસારનું પ્રતિનિધિત્વ કરે છે. ધનિષ્ઠા મહત્ત્વાકાંક્ષાને લય, સમૃદ્ધિ અને સામાજિક ભાગીદારી સાથે જોડે છે, જ્યારે શતભિષા ઉપચાર, સંશોધન અને અદૃશ્ય રહસ્યોની શોધ તરફ દોરી જાય છે. સામૂહિક રીતે આ ત્રણેય નક્ષત્રો જ્ઞાન, અનુકૂલનક્ષમતા અને વિશાળ જગત સાથેના આપણા સંબંધોનું ગહન મહત્ત્વ સમજાવે છે.
વિસ્તાર: 10°00`થી 23°20` મકર | રાશિ: મકર | સ્વામી ગ્રહ: ચંદ્ર | અધિષ્ઠાત્રી દેવતા: વિષ્ણુ | પ્રતીક: કાન અથવા ત્રણ પગલાં (Ear or Three Footprints) | ગણ: દેવ
‘શ્રવણ’ નામ સંસ્કૃતના મૂળ શબ્દ પરથી આવ્યું છે, જેનો સીધો સંબંધ સાંભળવાની ક્રિયા સાથે છે. આ નક્ષત્રના કેન્દ્રમાં સંચાર, અધ્યયન અને જ્ઞાનનું આદાનપ્રદાન રહેલું છે. તેનું મુખ્ય પ્રતીક ‘કાન’ છે, જે કોઈ પણ બાબતે ઉતાવળી પ્રતિક્રિયા આપતાં પહેલાં માહિતીને ઊંડાણપૂર્વક આત્મસાત કરવાના મહત્ત્વ પર ભાર મૂકે છે. તેનું બીજું પરંપરાગત પ્રતીક ‘ત્રણ પગલાં’ છે, જે ભગવાન વિષ્ણુએ સમગ્ર બ્રહ્માંડને માપવા માટે ભરેલાં ત્રણ વિરાટ પગલાં સાથે જોડાયેલું છે.
અધિષ્ઠાત્રી દેવતા વિષ્ણુ સંરક્ષણ, વ્યવસ્થા અને સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે. મકર રાશિના શિસ્તબદ્ધ અને વ્યવહારુ સ્વભાવ સાથે મળીને આ ઊર્જા શ્રવણના જાતકોને વ્યવસ્થિત રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાની અને તેનો ઉત્પાદક ઉપયોગ કરવાની ઉત્તમ ક્ષમતા બક્ષે છે. શ્રવણ નક્ષત્રમાં જન્મેલા લોકો સામાન્ય રીતે ઉત્તમ નિરીક્ષક, વિચારશીલ અને નવી માહિતી ગ્રહણ કરવા માટે હંમેશાં તત્પર હોય છે. તેઓ સાંભળીને ઝડપથી શીખે છે અને પ્રભાવશાળી સંચારકૌશલ્ય ધરાવે છે. આ નક્ષત્રના ઘણા લોકો શિક્ષણ, લેખન, મીડિયા, ભાષા, કાઉન્સેલિંગ, વહીવટ અથવા એવા ક્ષેત્રો તરફ આકર્ષાય છે, જ્યાં માહિતી એકત્રિત કરીને તેને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવી જરૂરી હોય.
શ્રવણનો સ્વામી ગ્રહ ચંદ્ર આ નક્ષત્રમાં સંવેદનશીલતા અને તીવ્ર આંતરસૂઝ ઉમેરે છે. આ જાતકો લોકો શું કહી રહ્યા છે એ સાંભળવાની સાથે તેમના શબ્દો પાછળ છુપાયેલી લાગણીઓને પણ પારખી શકે છે. જોકે, અન્ય લોકોના અભિપ્રાયોથી વધુ પડતા પ્રભાવિત થવું અથવા પોતાની સામાજિક પ્રતિષ્ઠા વિશે અતિશય ચિંતા કરવી તેમના માટે પડકાર બની શકે છે. શ્રવણ આપણને શીખવે છે કે સાંભળવું એ કોઈ નિષ્ક્રિય પ્રક્રિયા નથી. બોલતાં પહેલાં કોઈ વાતને ઊંડાણપૂર્વક સમજવાની ક્ષમતા શાણપણ અને પ્રભાવનો પ્રબળ સ્ત્રોત બની શકે છે.
વિસ્તાર: 23°20` મકરથી 6°40` કુંભ | રાશિ: મકર અને કુંભ | સ્વામી ગ્રહ: મંગળ | અધિષ્ઠાત્રી દેવતા: અષ્ટ વસુ | પ્રતીક: મૃદંગ, ઢોલક અથવા વાંસળી (Drum or Flute) | ગણ: રાક્ષસ
ધનિષ્ઠા સમૃદ્ધિ, સિદ્ધિ, લય અને વ્યાપક સમાજમાં સક્રિય ભાગીદારી સાથે સંકળાયેલું નક્ષત્ર છે. તેનું નામ સામાન્ય રીતે સંપત્તિ અથવા વિપુલતા સાથે જોડવામાં આવે છે, જોકે તેનો અર્થ માત્ર ભૌતિક સમૃદ્ધિ પૂરતો મર્યાદિત નથી. તેનું મુખ્ય પ્રતીક મૃદંગ અથવા ઢોલક છે, જે જીવનના લય અને યોગ્ય સમયનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે, કોઈ કાર્ય કરવા માટે સંજોગો ક્યારે અનુકૂળ છે એ પારખી લેવાની અંતર્જ્ઞાનાત્મક ક્ષમતા. ધનિષ્ઠાના અધિષ્ઠાત્રી દેવતા ‘અષ્ટ વસુ’ છે, જે પ્રકૃતિમાં રહેલી વિપુલતાનાં વિવિધ સ્વરૂપો અને દૈવી શક્તિઓનું પ્રતીક છે. સ્વામી ગ્રહ મંગળ આ નક્ષત્રને પ્રચંડ ઊર્જા, મહત્ત્વાકાંક્ષા અને નક્કર પરિણામ મેળવવાનો દૃઢ સંકલ્પ આપે છે. આ સંયોજન એવા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે, જે અત્યંત પ્રેરિત હોય અને ઉપલબ્ધ તકોને વાસ્તવિક સિદ્ધિઓમાં ફેરવવાની કુશળતા ધરાવતું હોય.
ધનિષ્ઠાના જાતકો સામાન્ય રીતે મહત્ત્વાકાંક્ષી, ઊર્જાવાન અને સામાજિક રીતે જાગૃત હોય છે. તેમનામાં ઉત્તમ સંગઠનાત્મક ક્ષમતા હોય છે અને તેઓ જૂથો, સંસ્થાઓ કે મોટી કંપનીઓમાં અસરકારક રીતે કામ કરી શકે છે. આ નક્ષત્રનું મકર રાશિમાંથી કુંભ રાશિ તરફ થતું પ્રયાણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. મકર રાશિ વ્યક્તિગત સિદ્ધિ અને માળખા પર ભાર મૂકે છે, જ્યારે કુંભ રાશિ દૃષ્ટિકોણને નેટવર્ક, સમુદાય અને સામૂહિક ઉદ્દેશો તરફ વિસ્તારે છે. સંગીત અને લય પણ ધનિષ્ઠાના પ્રતીકવાદમાં કેન્દ્રસ્થાને છે. તેથી આ નક્ષત્રના કેટલાક જાતકો સંગીતની સ્વાભાવિક પ્રતિભા અથવા સમયની ઉત્તમ સૂઝ ધરાવતા હોય છે. અન્ય લોકો વ્યવસાય કે નેતૃત્વના ક્ષેત્રમાં આ ગુણ વ્યક્ત કરીને યોગ્ય સમયે યોગ્ય પગલું ભરવાનું કૌશલ્ય દાખવી શકે છે. ટૂંકમાં, ધનિષ્ઠા શીખવે છે કે સમૃદ્ધિનો અર્થ માત્ર ભૌતિક વસ્તુઓ એકત્રિત કરવાનો નથી. વ્યક્તિગત સિદ્ધિઓ સમાજના કોઈ વિશાળ ધ્યેયને ઉપયોગી બને ત્યારે જ સફળતા ખરા અર્થમાં સાર્થક બને છે.
24. શતભિષા
વિસ્તાર: 6°40`થી 20°00` કુંભ | રાશિ: કુંભ | સ્વામી ગ્રહ: રાહુ | અધિષ્ઠાત્રી દેવતા: વરુણ | પ્રતીક: ખાલી વર્તુળ (Empty Circle) | નામનો અર્થ: સો વૈદ્યો અથવા સો ઉપચારકો (Hundred Healers) | ગણ: રાક્ષસ
શતભિષા ઉપચાર, સંશોધન અને ગૂઢ જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરતું નક્ષત્ર છે. તેના નામનો અર્થ પરંપરાગત રીતે ‘સો ઉપચારકો’ અથવા ‘સો વૈદ્યો’ કરવામાં આવે છે, જે ઔષધશાસ્ત્ર, રોગનિવારણ અને સ્વાસ્થ્ય માટેના સચોટ ઉપાયોની શોધ સાથેના તેના પ્રાચીન જોડાણને ઉજાગર કરે છે. તેનું પ્રતીક ‘ખાલી વર્તુળ’ છે, જે સીમાઓ, રહસ્ય અને સામાન્ય નજરે ન દેખાતા વિશ્વની ઊંડી શોધનું સૂચન કરે છે. અધિષ્ઠાત્રી દેવતા વરુણ બ્રહ્માંડીય જળ, પ્રાકૃતિક અને નૈતિક વ્યવસ્થા તથા અસ્તિત્વનું સંચાલન કરતી અદૃશ્ય શક્તિઓ સાથે જોડાયેલા છે. સ્વામી ગ્રહ રાહુ આ નક્ષત્રમાં બિનપરંપરાગત વિચારસરણી, તીવ્ર જિજ્ઞાસા અને સ્થાપિત સીમાઓની બહારના વિષયો પ્રત્યેનું આકર્ષણ પ્રગટ કરે છે. શતભિષા નક્ષત્રમાં જન્મેલા લોકો સામાન્ય રીતે સ્વતંત્ર, વિશ્લેષણાત્મક અને બૌદ્ધિક રીતે અત્યંત જિજ્ઞાસુ હોય છે. તેઓ આયુર્વેદ, આધુનિક તબીબી વિજ્ઞાન, ટેક્નોલૉજી, મનોવિજ્ઞાન, વૈજ્ઞાનિક સંશોધન, જ્યોતિષ અથવા પ્રકૃતિમાં છુપાયેલી ભાત શોધવા જેવા વિષયો તરફ સહજપણે આકર્ષાય છે. અહીં કુંભ રાશિની હાજરી નવીનતા અને વ્યાપક સામાજિક કલ્યાણ પ્રત્યેની ચિંતામાં વધારો કરે છે. પરિણામે, આ નક્ષત્રના કેટલાક જાતકો મોટા સમૂહોના ઉત્થાન માટે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવા પ્રેરાય છે.
શતભિષાના જાતકોને પોતાના વિચારો વ્યવસ્થિત કરવા અને માનસિક ઊર્જા ફરી પ્રાપ્ત કરવા માટે ઘણી વાર એકાંતની જરૂર પડે છે. તેમની આત્મનિર્ભરતા તેમની સૌથી મોટી શક્તિ સાબિત થઈ શકે છે. જોકે, તેમની અતિશય અલિપ્તતા ક્યારેક અન્ય લોકો માટે તેમને સંપૂર્ણપણે સમજવાનું મુશ્કેલ બનાવી શકે છે. આ નક્ષત્ર આપણને સુંદર સંદેશ આપે છે કે સાચી પ્રગતિની શરૂઆત ઘણી વાર એવા પ્રશ્નોથી થાય છે, જેના સંતોષકારક જવાબ પરંપરાગત જ્ઞાન કે મર્યાદિત દાયરામાંથી મળતા નથી. પોતાના સર્વોચ્ચ સ્વરૂપમાં શતભિષા વિજ્ઞાન અને સંશોધનને ઉપચાર સાથે જોડે છે. તે એવા સચોટ ઉકેલો શોધવા માટે જ્ઞાન અને નવીનતાનો ઉપયોગ કરે છે, જે અંતે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.