03 August, 2026 02:24 PM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને સુખ, સમૃદ્ધિ, વૈભવ, સૌંદર્ય, પ્રેમ અને દામ્પત્યજીવનનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે. કુંડળીમાં શુક્ર ગમે એટલો મજબૂત હોય પણ જો વ્યક્તિ કેટલાક પ્રકારની ખોટી અને ખરાબ આદતો ધરાવતી હોય તો એને લીધે શુક્ર ગ્રહ દૂષિત થાય છે અને એ પોતાનું શુભ ફળ આપવાનું બંધ કરે છે તો સાથોસાથ એ વિપરીત પરિણામ આપવાનું પણ શરૂ કરે છે. ઘરમાં સુખસુવિધાઓ અને પૈસાની બચત ન થવી કે બચત થયેલો પૈસો જતો રહેવો, પતિ-પત્ની વચ્ચે કે જેમની સાથે લાગણીના સંબંધો હોય તેમની સાથે કારણ વગર ક્લેશ અને મતભેદો થવા જેવા પ્રશ્નો ઊભા થાય છે. આ ઉપરાંત દૂષિત શુક્ર થકી અંગત પણ નુકસાન થાય છે. વ્યક્તિના દેખાવથી લઈને તેના પ્રત્યે જે આકર્ષણ જન્મતું હોય એમાં ઓટ આવે છે તો વ્યક્તિગત રીતે આત્મવિશ્વાસમાં ઘટાડો પણ શુક્ર દૂષિત થતાં જોવા મળે છે. ઘણી વખત દૂષિત શુક્ર વ્યક્તિને સ્કિન-રિલેટેડ સમસ્યા આપે છે તો ગુપ્ત રોગ આપવાનું પણ કામ કરે છે.
આ બધી તકલીફો જે કારણસર આવે છે એ કારણો કયાં છે અને એમાં સુધારો લાવવાથી શું ફરક પડે છે એ જાણવા જેવું છે.
અસ્વચ્છતા શુક્રનો દુશ્મન
ફાટેલાં કે મેલાં કપડાં પહેરવાં; ગંદાં, ઇસ્ત્રી વગરનાં, કરચલીવાળાં કપડાં પહેરવાં અને નિયમિત એ પ્રકારે રહેવાથી શુક્ર સૌથી ઝડપથી દૂષિત થાય છે તો શરીરની સ્વચ્છતા પર ધ્યાન ન આપવું, દાંત અને નખ ગંદા રાખવા, વાળ અસ્તવ્યસ્ત રાખવા અને પર્સનલ હાઇજીન એટલે કે શરીરની સફાઈની ઉપેક્ષા કરવાથી પણ શુક્ર નબળો પડે છે. આ જ કારણોસર શાસ્ત્રોમાં કહેવાયું છે કે રજાના દિવસે પણ અંગત સ્વચ્છતાને માન આપીને પહેલું કામ એ કરવું. ઘણી મહિલાઓને આદત હોય છે કે તે મોટા ભાગે બધાં કામ પૂરાં કરીને બપોર પછી સ્નાન-ઇત્યાદિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ખોટી અને ખરાબ આદત છે જે શુક્રને અસ્ત કરવાનું કામ કરે છે.
શુક્રને સુગંધ ખૂબ પ્રિય છે. જો નિયમિત સ્પ્રે, પરફ્યુમ કે અત્તર લગાડવામાં આવે તો શુક્ર દૂષિત થતો અટકે છે. ગુલાબજળથી નિયમિત નાહવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે.
ઘર અને ઘરની સફાઈ
ઘર અસ્તવ્યસ્ત રાખવું, ઘરમાં કપડાં આડેધડ રખડતાં હોવાં, પલંગ પર ચાદર અસ્તવ્યસ્ત હોવી અને ઘરમાં સફાઈનો અભાવ હોવો શુક્રને નારાજ કરે છે. ખાસ કરીને શુક્ર એવા સમયે વધારે દૂષિત થાય છે જે સમયે લોકો પોતાના બેડરૂમ પર ધ્યાન નથી આપતા અને બેડરૂમને અસ્તવ્યસ્ત રાખે છે. આ ઉપરાંત ઘરના મુખ્ય દરવાજે કે રૂમમાં જૂતાં-ચંપલ ઊંધાં કે આડેધડ રાખવાની આદતથી પણ શુક્ર દૂષિત થાય છે.
દુર્ગંધયુક્ત વાતાવરણ શુક્રદોષ જન્માવે છે એટલે ઘરમાં દુર્ગંધ આવતી હોય તો નિયમિત ઘરમાં સુગંધિત વાતાવરણ રહે એવો પ્રયત્ન કરવો જોઈએ.
સ્ત્રીઓનું અપમાન કે ઉપેક્ષા
એક વાત ખાસ યાદ રાખજો કે શુક્રનું પ્રતિનિધિત્વ મહિલાઓના હાથમાં છે એટલે પત્ની, ગર્લફ્રેન્ડ કે લાઇફ-પાર્ટનરનું દિલ દૂભવવું, તેમની સાથે કડવાશભર્યું વર્તન કરવું, તેમને માન-સન્માન ન આપવું કે તેમની નાની-નાની વાતોમાં ખામીઓ કાઢવી શુક્રને ભારે દૂષિત કરે છે. એટલું જ નહીં, બહારની અન્ય મહિલાઓ જેવી કે પાડોશી, સહકર્મચારી કે અન્ય કોઈ પ્રકારે સંબંધોથી જોડાયેલી હોય એવી મહિલાઓ સાથે અનાદર દર્શાવવાથી કે તેમના વિશે ખરાબ વિચારો રાખવાથી શુક્રનો અશુભ પ્રભાવ વધે છે.
મહિલાઓ સાથેનો દુર્વ્યવહાર પણ શુક્રને નુકસાન પહોંચાડે છે તો મહિલાઓ માટે ખરાબ વાત કરવાથી પણ શુક્રને નકારાત્મક અસર પહોંચે છે.
સંબંધોમાં અપ્રામાણિકતા
પોતાના જીવનસાથીને દગો આપવો, ચરિત્રહીનતા દર્શાવવી કે પછી છાના ખૂણે અનૈતિક સંબંધો રાખવાથી શુક્ર સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે, જેનાથી ભૌતિક સુખો છીનવાઈ જાય છે. જન્મકુંડળીમાં શુક્ર ગ્રહ બળવાન હોય તો પરસ્ત્રીનો સંપર્ક વધી શકે છે, પણ એને લીધે જીવનસાથી સાથે દગો કરવો એ શુક્રને છેતરવા સમાન છે એટલે એવું ધારવું નહીં કે એવી સંગત શુક્રને કારણે મળે છે.
જીવનસાથી પર ખોટી શંકા કરવાથી પણ શુક્રને નુકસાન પહોંચે છે અને એવી શંકાઓને લીધે જીવનસાથી સાથે ઝઘડો કે કજિયો કરવાથી પણ શુક્ર દૂષિત થાય છે.