25 October, 2024 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિવાળી (પ્રતીકાત્મક તસવીર)
હિન્દુ માન્યતા પ્રમાણે દિવાળી આમ તો રમા એકાદશીથી દેવદિવાળી સુધીનો પર્વ છે પણ મૂળ આપણે ખાસ આ પાંચ દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રમા એકાદશીથી શરૂ થતાં આ પર્વમાં ધનતેરસથી માંડીને ભાઈબીજ સુધીના તહેવારો ખાસ રીતે ઉજવાય છે તો જાણો આ તહેવારોમાં કઈ વસ્તુનું સેવન કરવાથી કેવા લાભ થઈ શકે છે.
દિવાળી એ માત્ર ખુશીઓ, ફટાકડાં અને પ્રકાશનો જ પર્વ નથી, દિવાળી એ સ્વાદની સોડમનો ઉત્સવ પણ છે. પાંચ દિવસ ચાલતાં આ તહેવારમાં એકથી એક ચડિયાતા મેવા અને મિષ્ઠાનોની મિજબાની તો આપણે માણીએ જ છીએ પણ શું તમને ખબર છે, "દિવાળીમાં કયા દિવસે કઈ વસ્તુ ખાવાથી થશે ફાયદો?" અને મા લક્ષ્મી પણ પ્રસન્ન થઈ સદા માટે તમારા ઘરમાં નિવાસ કરે છે.
1 ધનતેરસ
ધનતેરસના દિવસે દહીં ખાવું જોઇયે, નાના બાળકોને દહીં પતાસા, અને મોટા લોકો મસાલેદાર દહીં ખાઇ શકે છે. ધનતેરસને તહેવારોની શરૂવાત ગણવામાં આવે છે તેથી આ દિવસે દહીં કે તેમાંથી બનેલી વાનગી ખાવી શુભ ગણવામાં આવે છે. ઉત્તર ભારતમાં પણ આજના દિવસે દહીં ખાવાની વિશેષ પરંપરા છે.
2 કાળી ચૌદસ
કાળી ચૌદસના દિવસે હનુમાનજીની આરાધના કરવામાં આવે છે. ગુજરાતી ઘરોમાં આ દિવસે વડાં અને ભજીયાં બનાવવાનો ખાસ રિવાજ છે. પણ જો આ દિવસે બુંદીના લાડુ બનાવીને અથવા તો બજારમાંથી લાવીને હનુમાનજીને તેનો ભોગ ધરીને પ્રસાદ લેવાથી આખું વર્ષ સંકટમુક્ત જાય છે.
3 દિવાળી
ચૌદ વર્ષના વનવાસ અને રાવણના વધ પછી શ્રીરામના અયોધ્યા પાછાં આવવાની ખુશીમાં દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે પંચામૃત એટલે કે, દુધ, દહીં, ઘી, મધ અને ખાંડમાંથી બનાવવામાં આવેલ એક ખૂબ જ પ્રાચીન અને પવિત્ર વાનગી, જેને આ દિવસે ચોપડાપૂજનમાં શ્રી લક્ષ્મી, શ્રી સરસ્વતી અને શ્રી ગણેશને ધરીને લેવામાં આવે તો આખું વર્ષ ખૂબ જ ખુશાલી અને નોકરી ધંધામાં અભિવૃદ્ધિ લાવે એવી માન્યતા છે.
4 બેસતું વર્ષ
આ દિવસ એટલે દરેક ગુજરાતીઓનું નવુ વર્ષ. આ દિવસે સવારે જમવામાં વિશેષ ચોળીના શાકનું મહત્વ છે. ચોળીને શુભ માનવમાં આવે છે. પણ સાથે સાથે ઉત્તરભારતમાં આ દિવસે ગોવર્ધનપૂજા થાય છે. જેમાં માલપુવા ખાવાનો વિશેષ રિવાજ છે. વળી આ દિવસ ઋતુ પરિવર્તનનું પણ સૂચન કરે છે, જેથી આ દિવસે ચોળીનું શાક અને માલપુવાથી વર્ષની શરૂઆત ખૂબ જ સકારાત્મક અને શુભ થાય છે.
5 ભાઈબીજ
ભાઇબીજ એ ભાઈ-બહેનના હેતનું પર્વ છે. આ દિવસે ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે. આ તહેવાર યમરાજા અને યમુનાજીની પૌરાણિક કથાને આધારે મનાવવામાં આવે છે. કહેવાય છે કે ચોખા એટલે ભાઈ અને દાળ એટલે બહેન એટલે કે આ દિવસે દાળ અને ચોખામાંથી બનતી વાનગીઓ ખાવાથી પરિવારમાં સંપ અને સુખ જળવાયેલા રહે છે.