શરીર પર શું-શું અચૂક ધારણ કરવું જોઈએ?

18 January, 2026 02:57 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

જો તાંબાનું કડું પહેરવું ન હોય તો સોના કે ચાંદીનું કડું પણ પહેરી શકાય પણ શક્ય હોય ત્યાં સુધી લોખંડ કે સ્ટીલનું કડું પહેરવાનું ટાળવું અને કાં તો એ માટે વ્યક્તિગત રીતે આ વિષયના જાણકારની સલાહ લઈ લેવી.

પ્રતિકાત્મક તસવીર

એક સમય હતો જ્યારે લોકો શરીર પર અનેક પ્રકારની ચીજવસ્તુ કે આભૂષણો પહેરતાં પણ આજકાલ ફૅશન ચાલી છે કે શરીર પર જૂજ અલંકાર કે ચીજવસ્તુ પહેરવામાં આવે, જે ગેરવાજબી છે. શાસ્ત્રોમાં કેટલીક ચીજવસ્તુઓ પહેરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. જો એ પહેરવામાં આવે તો વ્યક્તિને સફળતા મળવાની સાથોસાથ, તેની જીવનની તકલીફો પણ દૂર થાય છે. શરીર પર શું-શું ધારણ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે એ જોઈએ.

કાંડામાં કડું

આજે તો હવે ભાગ્યે જ લોકોના હાથમાં કડું જોવા મળે છે, પણ તમે સિખ ભાઈઓને જોશો તો તેમના હાથમાં કડું જોવા મળશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પુરુષોએ જમણા હાથમાં અચૂક કડું પહેરવું જોઈએ જે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. જો જમણા હાથમાં તાંબાનું કડું પહેરવામાં આવે તો એ સૂર્ય અને મંગળ ગ્રહને બળવાન બનાવે છે. પરિણામે વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે. આ ઉપરાંત સાયન્ટિકલી પણ પુરવાર થયું છે કે તાંબાનું કડું પહેરવાથી લોહીનું પરિભ્રમણ પણ સારું રહે છે. 
જો તાંબાનું કડું પહેરવું ન હોય તો સોના કે ચાંદીનું કડું પણ પહેરી શકાય પણ શક્ય હોય ત્યાં સુધી લોખંડ કે સ્ટીલનું કડું પહેરવાનું ટાળવું અને કાં તો એ માટે વ્યક્તિગત રીતે આ વિષયના જાણકારની સલાહ લઈ લેવી.

આંગળીમાં વીંટી

જ્યોતિષશાસ્ત્રમાં તો દરેક આંગળીને જુદી-જુદી અગત્ય આપવામાં આવી છે પણ જો તમે એ બધામાં ઊંડા ઊતરવા ન માગતા હો તો તમારે અનામિકા એટલે કે રિંગ ફિંગર (ટચલી આંગળીની આગળની ફિંગર)માં ગોલ્ડ કે તાંબાની રિંગ પહેરવી જોઈએ. આ ફિંગર સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે, રિંગ પહેરવાથી સમાજમાં માન-સન્માન અને જ્યાં જશ મળવો જોઈએ ત્યાં જશ મળવાનું શરૂ થાય છે અને સાથોસાથ આત્મવિશ્વાસ પણ વધે છે.
સૂર્ય ઉપરાંત અનામિકા ગુરુનું પણ પ્રતિનિધિત્વ કરે છે, જેને લીધે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ખીલે છે.

શરીર પર રુદ્રાક્ષ

રુદ્રાક્ષને શાસ્ત્રોમાં શિવનો અંશ કહેવામાં આવે છે. શરીર પર અને ખાસ તો ગળામાં ધારણ કરેલો રુદ્રાક્ષ હૃદય અને મન પર નિયંત્રણ રાખવાનું કામ કરે છે તો સાથોસાથ રુદ્રાક્ષ નકારાત્મકતાને પણ દૂર રાખે છે. વિજ્ઞાનમાં પુરવાર થયું છે કે રુદ્રાક્ષ બ્લડપ્રેશર જેવી તકલીફમાં પણ રાહત આપવાનું કામ કરે છે.
રુદ્રાક્ષ ધારણ કરનારી વ્યક્તિને ખોટ કે નુકસાની ખાસ અસર કરતી નથી કારણ કે શિવજીના જીવનમાં ખોટ અને નુકસાની જેવું કશું હોતું નથી. એ અલગારી જીવ છે અને અલગારી જીવ દુન્યવી તકલીફોથી પર હોય છે.

કપાળ પર તિલક

પુરુષોમાં તો આ લગભગ નહીંવત્ બની ગયું છે પણ આજ્ઞાચક્ર એટલે કે બે ભ્રમરની વચ્ચે ચંદન, કેસર કે કુમકુમનું તિલક કરવું જોઈએ. એ એકાગ્રતા વધારવાની સાથોસાથ મનને શાંત રાખવાનું કામ પણ કરે છે તો ભાગ્યોદયનું પણ પ્રતીક બને છે. આપણે ત્યાં કહેવત છે, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે તિલક કરવા ન જવાય. આ કહેવત પાછળનો એક ભાવ એવો પણ છે કે કપાળે તિલક કરીને જ રહેવું જોઈએ, જેથી લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે જવું ન પડે.
જો આ ત્રણ તિલકમાંથી કયું તિલક કરું એવું મનમાં આવે તો એ અવઢવને દૂર કરીને ઘરમાં જે સગવડ અને સુવિધા હોય એ મુજબ તિલક કરવાનું રાખો. ધારો કે ચંદન કે કેસરનું તિલક કરવું હોય તો એ બનાવવાની પ્રક્ર‌િયા જાતે કરવાનું રાખવું. એક વખત તૈયાર કરેલું એ દ્રવ્ય એક વીક સુધી વાપરી શકાય છે.

શરીર પર સુરક્ષા કવચ 

જનોઈ જ્ઞાન અને સ્વાસ્થ્યનું સુરક્ષા કવચ છે પણ જનોઈ માત્ર બ્રાહ્મણ ધારણ કરતા હોય છે. જોકે કહેવાનું કે એક સમય હતો કે જનોઈ સમાજનો મોટા ભાગનો વર્ગ ધારણ કરતો અને શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ પણ છે. જોકે હવે ધારણ નથી કરતા એ પણ હકીકત છે, પણ ક્યારેય ભૂલવું નહીં કે બ્રાહ્મણ હો તો જનોઈ અવશ્ય ધારણ કરવી.
અન્ય સમાજના લોકોએ સુરક્ષા કવચ તરીકે પોતાના ડાબા હાથ કે પગમાં કાળો દોરો બાંધવો જોઈએ. આ દોરો જો માતા દ્વારા બાંધવામાં આવે તો અતિ ઉત્તમ, અન્યથા એ પરિવારની કોઈ મહિલા બાંધે એવું કરવું જોઈએ. શરીર પર બંધાયેલું આ સુરક્ષા કવચ નકારાત્મક ઊર્જા સામે પ્રોટેક્શનનું કામ કરે છે.
સર્કલઃ મહિલાઓએ પગમાં હંમેશાં ચાંદી પહેરવી, સોનું ક્યારેય ન પહેરવું. ચાંદી પૃથ્વીની ઊર્જાને શરીરમાં ખેંચે છે, જે સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ છે.

astrology lifestyle news hinduism gujarati mid day columnists