Bhai Dooj 2024: ભાઈબીજ ઉજવવા બેસ્ટ ચોઘડિયું કયું? ભાઈને કપાળે તિલક કરવાની સાચી રીત જાણો

03 November, 2024 07:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bhai Dooj 2024: આજના દિવસે બહેન પોતાના ભાઈને ચાંદલો કરીને મીઠાઇ ખવડાવે છે આ સાથે જ તેના સારાં સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

દિવાળી અને ગઇકાલે અન્નકૂટ ઉત્સવ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. હવે આજે 3જી નવેમ્બરના રોજ ઠેર ઠેર ભાઈબીજ (Bhai Dooj 2024)ની ઉજવણી કરવામાં આવશે. ભાઈ બહેનના પવિત્ર સંબંધને વધવતો આ તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ તો આજના દિવસે બહેન પોતાના ભાઈને ચાંદલો કરીને મીઠાઇ ખવડાવે છે આ સાથે જ તેના સારાં સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરે છે.

સવારે 11.39 વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે 

આવો, આજે ભાઈબીજ (Bhai Dooj 2024) ઉજવવાનું સાચું મુહૂર્ત શું છે અને તેણી યોગ્ય વિધિ શું છે તે જાણીએ. તમને જણાવી દઈએ કે આ વર્ષે ભાઈબીજના દિવસે સવારે 11.39 વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે. કારણકે ત્યારબાદ શોભન યોગ શરૂ થવા જઈ રહ્યો છે. આમ તો તિથિ અનુસાર જોવામાં આવે તો કારતક માસની દ્વિતિયા તિથિ 2 નવેમ્બર 2024ના રોજ રાત્રે 8.22 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. અને તે તિથિ 3 નવેમ્બરે રાત્રે 10:06 વાગ્યા સુધી રહેશે.

આ સમય દરમિયાન અનુરાધા નક્ષત્ર અને બાલવ અને કૌલવનો પણ સંયોગ થવાનો છે. વળી, એવું માનવામાં આવે છે કે આ સંયોગમાં ભાઈને જો તિલક કરવામાં આવે તો ભાઈ બહેનો વચ્ચે મધુરતા અને વિશ્વાસ જળવાઈ રહે છે.

ભાઈના કપાળ પર તિલક કરવાનું શુભ ચોઘડિયું કયું?

આજના ભાઈબીજ (Bhai Dooj 2024)ના દિવસે આમ તો આખો દિવસ ભાઈના કપાળે તિલક કરવા માટે શુભ જ માનવામાં આવે છે. પણ દ્વિતિયા તિથિ 3જી નવેમ્બરે સૂર્યોદયથી શરૂ થવાની છે. અને ભાઈના કપાળે તિલક કરવા શુભ સમય વહેલી સવારથી જ શરૂ થશે. પંચાંગ અનુસાર તિલક કરવા પ્રથમ મુહૂર્ત સવારના ચાર ચોઘડિયામાં સવારે 7:57થી 9:19 વચ્ચે શુભ છે. જો આટલું વહેલું ન થઈ શકે તો આ પછી લાભ બીજા ચોઘડિયામાં પણ કરી શકાય. સવારે 9:20થી 10:41 વચ્ચે શુભ ચોઘડિયું છે. અમૃત ચોઘડિયુ પણ શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે અને અમૃત ચોઘડિયામાં સવારે 10:41થી બપોરે 12 વાગ્યાની વચ્ચે પણ તિલક કરી શકાય છે. વળી, સાંજે 6થી 9 દરમિયાન પણ તિલક વિધિ કરી શકાય છે.
ખૂબ સરલ છે ભાઈ બીજની વિધિ, જાણો અહીં 

Bhai Dooj 2024: જે બહેનો પોતાના ભાઈને આજે આશિષ આપવા માંગે છે તેઓએ સૌ પ્રથમ ભાઈના જમણા હાથની ટચલી આંગળી પર તિલક કરવું જોઈએ. ચંદન, હળદર, દહીં અને કુમકુમથી ભાઈનું તિલક કરવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ભાઈને સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય મળશે. યાદ રહે કે કોઈ દિવસ તિલક કર્યા બાદ ખંડિત થયેલા એટલે કે તૂટેલા અક્ષતનો ઉપયોગ ન કરવો જોઈએ.

astrology culture news bhai dooj diwali festivals hinduism