ભસ્મનો સંકેત છે કે સૃષ્ટિ નશ્વર છે અને નશ્વરને માત્ર મહાદેવ સ્વીકારે છે

02 September, 2021 05:57 PM IST  |  Mumbai | Aacharya Devvrat Jani

શાસ્ત્રો કહે છે કે ભસ્મ આરતીનાં દર્શનના લાભ જીવનનાં તમામ કષ્ટ હરી લે છે અને શ્રાવણ મહિનામાં જો આ લાભ મળે તો શત્રુવિજયથી માંડીને શારીરિક વ્યાધિ ‌સુધ્ધાં એ હણી લે છે.

ભસ્મનો સંકેત છે કે સૃષ્ટિ નશ્વર છે અને નશ્વરને માત્ર મહાદેવ સ્વીકારે છે

શિવજીની વાત ચાલતી હોય અને જો ભસ્મ આરતીની વાત ન કરીએ તો શ્રાવણ મહિનામાં મહાદેવની ગાથા અધૂરી રહી ગઈ ગણાય. ભસ્મને મહાદેવનાં વસ્ત્રો માનવામાં આવે છે. જો મહાદેવની અલૌકિક અને અદ્ભુત કહેવાય એવી ભસ્મ આરતીનાં દર્શન કરવાં હોય તો ઉજ્જૈનના મહાકાલ મંદિરની ભસ્મ આરતીની સૌથી પહેલી યાદ કરવી પડે. તમામ કાળના કાળ એવા મહાકાળની ભસ્મ આરતીનો લાભ લેવો, એ આરતીને નજરે નિહાળવી અને એ આરતીનાં દર્શન કરવાં એ જીવનને ધન્યતા આપવાનું કામ કરે છે. શાસ્ત્રો કહે છે કે ભસ્મ આરતીનાં દર્શનના લાભ જીવનનાં તમામ કષ્ટ હરી લે છે અને શ્રાવણ મહિનામાં જો આ લાભ મળે તો શત્રુવિજયથી માંડીને શારીરિક વ્યાધિ ‌સુધ્ધાં એ હણી લે છે.
ભસ્મની એક ખાસિયત છે. એ સજીવમાં પણ છે અને નિર્જીવમાં પણ છે. તમે કંઈ પણ સળગાવો તો એનું અંતિમ રૂપ ભસ્મ જ આવતું હોય છે. જુઓ તમે અને જો તમને હજી પણ શંકા હોય તો તમે એનો અખતરો પણ કરી શકો છો. ભસ્મ અંતિમ છે અને એ આ જ અંતિમ પરમ સત્ય છે. લાકડાંથી માંડીને ચીજવસ્તુ અને કહ્યું એમ સજીવ સુધ્ધાં પણ બળીને તો ભસ્મ જ થાય છે. માટીને પણ સળગાવશો તો એનું અંતિમ રૂપ પણ ભસ્મ જ થાય છે. ભસ્મ એ વાતનો સંકેત આપે છે કે સૃષ્ટિ નશ્વર છે અને નશ્વર અવસ્થાને માત્ર મહાદેવનો જ સ્વીકાર છે. કોઈ પણ સ્વરૂપ અંતે તો નિરાકાર છે અને એ નિરાકાર દેહને સ્વીકારવાની ક્ષમતા પણ તમામ દેવોમાં મહાદેવ એકની જ દર્શાવવામાં આવી છે અને એટલે જ મહાદેવ ભસ્મ ધારણ કરે છે.
હવે વાત કરીએ મહાકાલની ભસ્મ આરતીની. આ આરતીની અનેક વિશેષતાઓ છે અને એ વિશેષતાઓનું પઠન કરવું એ શ્રાવણના પ્રસાદ સમાન છે.
દિવસ દરમ્યાન મહાકાલની છ આરતી થાય છે પણ એ છ આરતીમાં ભસ્મ આરતી સવિશેષ મહત્ત્વની માનવામાં આવી છે. છ આરતી પૈકી પહેલી આરતી આ ભસ્મ આરતી છે તો બીજી આરતીમાં મહાદેવને ઘટાટોપ સ્વરૂપમાં દેખાડવામાં અવો છે. ત્રીજી આરતીમાં મહાકાલના શિવલિંગને હનુમાનજીના રૂપમાં દર્શાવવામાં આવે છે તો ચોથી આરતીમાં ભગવાન શિવના શેષનાગ સ્વરૂપને દર્શાવવામાં આવે છે. જ્યારે પાંચમી આરતીમાં મહાદેવ વરરાજાના સ્વરૂપમાં હોય છે અને અંતિમ એટલે કે છઠ્ઠી આરતીમાં મહાદેવ પોતાના ખુદના સ્વરૂપમાં દર્શન આપે છે.
તમામ આરતીમાં પહેલા ક્રમ પર આવતી ભસ્મ આરતી સવારના પ્રાતઃકાળમાં એટલે કે ચાર વાગ્યે કરવામાં આવે છે. આ આરતીની ખાસિયત એ છે કે એમાં સ્મશાનની ભસ્મનો જ વપરાશ કરવામાં આવે છે અને એ ભસ્મથી મહાકાલને શણગાર કરવામાં આવે છે. આ આરતીમાં સીધું જ જઈ નથી શકાતું. આ આરતી માટે મંદિરમાં બુકિંગ કરાવવું પડે છે, બુકિંગ સમયે તમામ પ્રકારની આચારસંહિતાની જાણ કરવામાં આવે છે. હા, આચારસંહિતા. શાસ્ત્રોમાં ભસ્મ આરતી માટેના નિયમો બનાવવામાં આવ્યા છે, એ નિયમોનું પાલન કરવું ‌અનિવાર્ય છે.
સદીઓ પહેલાં તો ભસ્મ આરતીમાં મહિલાઓને પ્રવેશબંધી હતી પણ સમય જતાં એ બંધી હટાવી દેવામાં આવી અને ભસ્મ આરતીનો લાભ મહિલાઓ પણ લેતી થઈ. જોકે ભસ્મ આરતીમાં ભાગ લેનારી મહિલાએ સાડી પહેરવી ફરજિયાત છે અને જે સમયે ભસ્મનો શણગાર શિવલિંગને થતો હોય છે એ સમયે મહિલાઓએ ચહેરાને આડશ આપતો દોઢ ફુટ લાંબો ઘૂંઘટ કરી નાખવાનો હોય છે. એવું માનવામાં આવે છે કે એ સમયે ભગવાન શિવ નિરાકાર સ્વરૂપમાં હોય છે, જે સ્વરૂપ મહિલાઓ માટે જોવું વર્જ્ય છે. 
ભસ્મ આરતી સમયે પુરુષો પણ બંધાયેલું વસ્ત્ર એટલે કે જેનું સિલાઈકામ થયું હોય એવું વસ્ત્ર પહેરી નથી શકતા, પુરુષો માત્ર ધોતી જ પહેરી શકે છે અને એ ધોતી પણ આજના સમયની એટલે કે પેલી ઇલાસ્ટિકવાળી નથી ચાલતી, એ મંદિરમાંથી જ લેવી પડે અને મંદિરમાં જ પહેરીને સીધું આરતીમાં જવાનું રહે છે. ભસ્મ આરતીની અન્ય વાતો અને મહાકાલેશ્વર મંદિર સાથે જોડાયેલી લોકવાયકાની વાત કરીશું હવે આવતી કાલે.

લેખક આધ્યાત્મિક અને શાસ્ત્રોક્ત વિધિકાર છે. શાસ્ત્રોક્ત લેખન તેમ જ સેમિનાર થકી શિક્ષણમાં પણ નિપુણતા ધરાવે છે. શિવનાં જગદવ્યાપી સ્વરૂપનાં દર્શન કરાવતા શિવપુરાણની વાતો શ્રાવણના પવિત્ર મહિનામાં રોજેરોજ અહીં વાંચવા મળશે.

astrology columnists