દૈહવાદીમાં દેહ મહત્ત્વનો, દિલવાદીમાં દિલ મહત્ત્વનું

23 September, 2021 07:54 AM IST  |  Mumbai | Morari Bapu

બન્ને પલ્લાં સમતોલ છે, પ્રેમતત્ત્વનો એક વિશિષ્ટ પ્રકાર છે; એ પ્રેમ કરે, આ પ્રેમ કરે. એ યાદ કરે, આ યાદ કરે, એ વિરહ અનુભવે, આ વિરહ અનુભવે. અન્યોન્ય. જે છે એ બન્નેને છે અને બન્નેને છે એટલે પલ્લાં સમતોલ છે.

પ્રતીકાત્મક તસવીર

મધુવત્, ધૃતવત્ લાક્ષાવૃત્ અને ચોથા નંબરે આવે અનન્ય પ્રેમ. એ પછીના ક્રમે આવે છે અન્યોન્ય પ્રેમ. આ પ્રેમને જરા ઝીણવટથી જોજો તમે.
રામને તમે પ્રિય છો, તમે રામને પ્રેમ કરો છો. બન્ને પલ્લાં સમતોલ છે, પ્રેમતત્ત્વનો એક વિશિષ્ટ પ્રકાર છે; એ પ્રેમ કરે, આ પ્રેમ કરે. એ યાદ કરે, આ યાદ કરે, એ વિરહ અનુભવે, આ વિરહ અનુભવે. અન્યોન્ય. જે છે એ બન્નેને છે અને બન્નેને છે એટલે પલ્લાં સમતોલ છે. મૈથિલીશરણ ગુપ્તે કહ્યું છે કે આવી અવસ્થામાં બન્ને બાજુ પ્રેમ વધે છે.
અન્યોન્ય પ્રેમ પછીના ક્રમે આવે છે વાણિજ્ય પ્રેમ એટલે કે વેપારી પ્રેમ. 
આમ તો એને માટે પ્રેમ શબ્દનો ઉપયોગ કરવો બરાબર ન કહેવાય, પણ તુલસીદાસજીએ એને પ્રેમ શબ્દ આપ્યો છે. સ્વાર્થી પ્રેમ, વ્યાપારી પ્રેમ, સોદાવાળો પ્રેમ.
સ્વાર્થ પૂરો થાય એટલે પ્રેમ પણ પૂરો થઈ જાય! એમાં દેહનું આકર્ષણ હોતું નથી, એમાં લાગણીનું મૂલ્ય હોતું નથી. એમાં સોદાબાજી હોય, સીધો હિસાબ થાય અને જ્યાં હિસાબ થતો હોય, સોદો થતો હોય એને પ્રેમ કહેવાય જ નહીં. છતાંયે ગોસ્વામીજીએ કહ્યું છે. ગૌસ્વામીજીના શબ્દો છે...
સુર નર મુનિ સબકી યહ રીતિ, 
સવારથ લાગી કરે સબ પ્રીતિ.
વ્યક્તિ જ્યારે અનુષ્ઠાન કરે ત્યારે જ દેવતાઓ ફળ આપે છે. પતિ-પત્ની સમાન છે. તેમની વચ્ચે પ્રેમ છે, પરંતુ એ સોદો છે. તેમની વચ્ચે પ્રેમ છે, પરંતુ લેવડ–દેવડ પણ છે, કારણ કે જો કંઈ વધ-ઘટ થઈ તો પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે તો પછી ક્યાં ગયો તેમની વચ્ચેનો નારદવાળો પ્રેમ?
સંસારમાં જે લોકો પ્રેમ કરે છે તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષાઓને કારણે કરે છે. જેના જીવનમાં કોઈ આશા હોય, કોઈ લોભ હોય, કોઈ તૃષ્ણા હોય તે કદાપિ પ્રેમ ન કરી શકે, પરંતુ પ્રેમના નામે તે જે દેખાડે છે એ પ્રેમનો આભાસ છે, પ્રેમનો પડછાયો છે. 
આ પછીના ક્રમે આવે છે દૈહવાદી પ્રેમ. પ્રેમના આ પ્રકારમાં દેહ પ્રત્યેની આસક્ત‌િ મુખ્ય છે. દેહના આકર્ષણના વધ-ઘટ સાથે આ પ્રેમમાં ઘટાડો-વધારો થાય છે. આ પ્રેમનું બીજું નામ વિષયી પ્રેમ છે. એમાં ભોગવિલાસને બાદ કરતાં બીજું કોઈ તત્ત્વ જ હોતું નથી. દેહ નહીં, તો પ્રેમ પણ નહીં. આનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં હોય એવો પ્રેમ છે દિલવાદી પ્રેમ. 
દિલવાદી પ્રેમ એક એવો પ્રેમ છે જેમાં મુખ્ય હૃદય પ્રમુખ છે અને શરીર ગૌણ છે. આ પ્રકારના પ્રેમમાં હૃદયને હૃદયથી પ્રેમ હોય છે. વ્યક્તિ ચાહે ગમે એટલી બદસૂરત હોય, તેના ભીતરને, તેના આત્માને, તેના ગુણોને પ્રેમ કરવાની વાત એમાં છે.

astrology columnists