સારા શાસકને આગળ લાવવો એ રાષ્ટ્રધર્મ છે

09 August, 2022 07:43 PM IST  |  Mumbai | Swami Satchidananda

શ્રેષ્ઠ શાસક રાષ્ટ્રથી માંડીને સંસ્થા અને પારિવારિક સંબંધોમાં ખૂબ ઉપકારક છે. સારા શાસકનું ઘડતર કરવું એ દરેકેદરેકની જવાબદારી છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

‘તપેલી કેમ ચડાવી નથી?’ 
શેઠે પૂછ્યું એટલે નોકરે જે જવાબ આપ્યો એ જાણવા જેવો છે.
‘ભિક્ષુકો વધી ગયા છે. તેઓ આખો દિવસ માગવા આવે છે એટલે કશું ન રાંધવું જ સારું છે. એક જ જવાબ અપાય કે આજે રાંધ્યું નથી.’
આ જે જવાબ છે એ જવાબ સત્તાના દૂષણ સાથે જોડાયેલો છે. સત્તાનાં દૂષણોથી ગભરાઈને સત્તાત્યાગ કરનારાની પણ આ જ હાલત છે. તમે સત્તાનાં દૂષણોનો ત્યાગ કરો, સત્તાનો નહીં. સત્તાનો ત્યાગ કરશો તો ગુંડાઓ અને ખોટા માણસો સત્તાનો કબજો કરી લેશે, જેનાથી સૌકોઈ દુખી થશે અને એ દુઃખનું પાપ તમારા શિરે આવશે એટલે સત્તાત્યાગની દિશા ક્યારેય કોઈને દેખાડવાની ભૂલ કરવી નહીં. એને બદલે સત્તા સાથે આવેલાં દૂષણો દેખાડવા અને એ દેખાડ્યા પછી એને દૂર કઈ રીતે કરવાં એ વિશે જરૂરી માર્ગદર્શન આપવું. પહેલાંના સમયમાં ઋષિમુનિઓએ ક્યારેય રાજવી પરિવારના કોઈ સદસ્યને સત્તાત્યાગનું જ્ઞાન નહોતું આપ્યું. ઊલટું ઋષિપરંપરા મુજબ, તે રાજવી પરિવારને સારા-નરસાનો ભેદ સમજાવતા અને રાજા ખોટું પગલું ન ભરે એ માટે જરૂર પડ્યે તેમને માર્ગદર્શન આપતા. આજે પણ એની જ આવશ્યકતા છે.
યોગ્ય વ્યક્તિને સત્તા તરફ આગળ કરવો એ સૌની જવાબદારી છે. યોગ્યતા વિનાની વ્યક્તિ સત્તા પર આવીને નખ્ખોદ કાઢે એના કરતાં વાજબી લાયકાતવાળી વ્યક્તિને સત્તા માટે તૈયાર કરવી એ રાષ્ટ્રધર્મ સમાન છે. 
સત્તાત્યાગની વાતો હવે બંધ થાય એ પણ બહુ જરૂરી છે. સત્તાત્યાગ કરાવીને તમારે શું સંદેશો સમાજને આપવો છે એ સમજવું પડશે. સત્તાત્યાગની વાત જો સૌકોઈ સ્વીકારી લે તો સંસાર રહે જ નહીં, બધા સંન્યાસીઓ જ થઈ જાય અને જો બધા સંન્યાસીઓ થઈ જાય તો પછી કોઈ રાષ્ટ્ર રહે જ નહીં, જે શક્ય જ નથી માટે સત્તાત્યાગ નહીં, પણ સત્તાથી આવનારાં દૂષણોના ત્યાગ વિશે બોલવું જોઈએ અને એ વિશે માર્ગદર્શન આપવું જોઈએ. 
શ્રેષ્ઠ શાસક રાષ્ટ્રથી માંડીને સંસ્થા અને પારિવારિક સંબંધોમાં ખૂબ ઉપકારક છે. સારા શાસકનું ઘડતર કરવું એ દરેકેદરેકની જવાબદારી છે, પણ અફસોસની વાત એ છે કે સમાજ એ જવાબદારી ચૂકી રહ્યો છે. સત્તા તો શું, આગેવાની લેવાની બાબતમાં પણ પ્રોત્સાહન આપવામાં સમાજ પાછો પડે છે. સામાન્ય સોસાયટીનો વહીવટ લેવાનો આવે તો પણ પરિવારમાંથી ના પાડનારાઓ વધી જાય, જે ગેરવાજબી છે. આમ જ આપણે સમાજને શાસકવિહોણો બનાવી દઈશું.

astrology columnists swami sachchidananda