ગોપીઓને ભગવાનથી પ્રેમ થયો અને એટલે જ તે સંસારથી વિરક્ત થઈ

26 March, 2025 02:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પતિ કમાતો હોય ત્યારે ઑફિસથી સાંજે ઘરે આવે ત્યારે ધરતી ધમધમતી હોય! પત્ની બહાર હોય તો પાછી આવી જાય અને માગ્યા વગર પાણીનો ગ્લાસ મળી જાય.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

માનવીનું મન જ બંધન અને મોક્ષનું કારણ છે. માનવ નામના પ્રાણીએ જીવનને વિસંવાદી કરીને પ્રકૃતિને પણ વિક્ષિપ્ત કરી દીધી છે. આ માટે જરૂરી છે પ્રેમ. આજે સમાજમાં સાચો પ્રેમ ખૂટી રહ્યો છે. મનથી સૌને પોતાના માનો. ભગવાનમાં મન લાગી ગયું તો સર્વત્ર પ્રેમપૂર્ણ દૃષ્ટિ અને સમભાવ જન્મશે. એનાથી વિરુદ્ધ જે વ્યક્તિમાં તમને દોષ દેખાશે તેનાથી વૈરાગ્ય થશે. એટલા માટે શરીરના અને સંસારના દોષ પ્રગટ કરવામાં આવ્યા છે. એ દોષ દ્વારા શરીર કે સંસારની નિંદા કરવાનો આશય નથી, પણ આપણી આસક્તિ મટે એ આશય છે. આપણને વૈરાગ્ય થાય.

સુરનર મુનિવર સબ કી યહ રીતિ, સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ બધાં સ્વાર્થનાં સગાં છે આવું કહેવામાં સામેવાળામાં આપણને આસક્તિ ન રહે એ ભાવ છે, પણ એનું રીઍક્શન થાય તો સામેવાળામાં આપણને દ્વેષ થાય. રાગ કરતાં દ્વેષ આવે. રાગ મટી જાય એ હેતુ છે. આદિ શંકરાચાર્ય કહે છે, ‘પૈસા ચલા ગયા. સંપત્તિ ચલી ગઈ. ફિર કૈસા પરિવાર?’ માણસ રિટાયર થાય પછી પરિવારવાળાનું તેના પ્રત્યેનું વલણ બદલાઈ જાય. પહેલાં તો કામે જવાનું હોય તો સમયસર તેની થાળી પિરસાઈ જતી હોય! પછી તે કહે કે હવે જમવાની કેટલી વાર? તો કહે તમારે ક્યાં ક્યાંય જવાનું છે? બેસોને મૂંગા થોડી વાર! અમારે બીજાં કામ હોય કે નહીં?’

પતિ કમાતો હોય ત્યારે ઑફિસથી સાંજે ઘરે આવે ત્યારે ધરતી ધમધમતી હોય! પત્ની બહાર હોય તો પાછી આવી જાય અને માગ્યા વગર પાણીનો ગ્લાસ મળી જાય. રિટાયર થયા પછી પતિ બહારથી આવે તો કોથળા થઈને આવો, ઘરમાં આવો તો આજુબાજુમાં કોઈ હોય નહીં. છોકરાને પૂછે કે ‘તમારી મમ્મી ક્યાં ગઈ?’ તો કહે પાડોશમાં ગયાં. બોલાવવા મોકલો તો તે બબડતી આવે, ‘તમારાથી તો અમારું સુખ પણ સહન થતું નથી. બાજુમાં જાઉં કે તરત બોલાવવા મોકલો...’ પછી ત્રણ વાર પાણી માગે તો ઢોળાતું-ઢોળાતું આવે. પૈસા ગયા પછી પરિવાર શાનો અને તત્ત્વનું જ્ઞાન થયું પછી સંસાર શાનો? ફિર સંસાર નહીં રહતા. ફિર તો બ્રહ્મ હી રહતા હૈ. તો દોષદષ્ટિપૂર્વક વૈરાગ્ય થાય.

રુચિ ન રહે, તમને તાવ આવે ત્યારે ખીર ભલે બને, પણ એમાં રુચિ ન રહે. તમને જેમાં રુચિ નથી એ વસ્તુનો તમે ત્યાગ કરશો. કેટલાકને સંસારમાં રુચિ નથી તેથી સંસારથી વૈરાગ્ય થયો છે અને ભગવાનમાં જેને પ્રીતિ થઈ તેને સંસારથી વિરક્તિ થઈ. ગોપીઓને ભગવાનથી પ્રેમ થયો તેથી સંસારથી વિરક્તિ થઈ. આ વૈરાગ્ય હશે તો મન સંસારમાં ભટકતું અટકશે અને પછી અભ્યાસ દ્વારા એ ભગવાનમાં લાગશે અને લાગેલું રહેશે. થોડી વાર સંસારની અને શરીરની અનિત્યતાનો વિચાર કરવો. મન ભટકતું બંધ થાય એ માટે મનને ભગવાનમાં લગાડો.

- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, પ્રખર ભાગવતકાર ભાઈશ્રી ભાગવત-પ્રસાર ઉપરાંત પોરબંદરમાં સાંદીપનિ આશ્રમ દ્વારા નવી પેઢીમાં ધર્મભાવના જગાડવાનું કામ કરે છે

columnists astrology hinduism life and style gujarati mid-day