✕

દિવાળીના દિવસે કયું કામ ખાસ કરવું? દિવાળીના દિવસે કયું કામ ન કરવું?

08 November, 2026 07:40 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

આજના આ દિવસે આ બન્ને વાતો સમજી લેશો તો નવું વર્ષ સુખમય પસાર થશે અને સાથોસાથ રિદ્ધિ-સિદ્ધિ પણ લાવશે

ઉંબરાપૂજન

દિવાળી એટલે વર્ષનો અંતિમ દિવસ. આ અંતિમ દિવસને લક્ષ્‍મીપૂજનના દિવસ તરીકે જોવામાં આવે છે તો સાથોસાથ શરૂ થતા નવા વર્ષની તૈયારીના ભાગરૂપે પણ જોવામાં આવે છે. એવા સમયે આજના આ દિવસે શાસ્ત્રોક્ત રીતે કયાં કામો ખાસ કરવાં જોઈએ એ જાણી લેવું હિતાવહ છે.

અચૂક કરો ઉંબરાપૂજન

ઘરનો ઉંબરો લક્ષ્મીજીના પ્રવેશનું દ્વાર છે. સવારે સ્નાન કર્યા પછી મુખ્ય પ્રવેશદ્વારની બન્ને બાજુ હળદર-કંકુથી સ્વસ્તિક કરો. આસોપાલવ કે આંબાનાં પાનનું તોરણ બાંધો. કાંસા કે તાંબાના એક વાસણમાં પાણી ભરીને, એમાં ગુલાબનાં પાન રાખીને પ્રવેશદ્વાર પાસે મૂકવું. એ સકારાત્મક ઊર્જાને આકર્ષે છે. આ ઉપરાંત ઉંબરા પર આજના દિવસે ગાયના ઘીનો દીવો મૂકવો જોઈએ. જો એ દીવો અખંડ રહી શકે અને ૨૪ કલાકનું આયુષ્ય મેળવે તો અતિ ઉત્તમ. દીવા ઉપરાંત આજના દિવાળીના દિવસે ઉંબરા પર જો જગ્યા હોય તો ધૂપબત્તી પણ મૂકવી જોઈએ, જેથી આંગણું સુગંધી બને અને લક્ષ્મીનો પ્રવેશ ખુશ્બૂ સાથે થાય.

અવશ્ય કરો મીઠાના પાણીનું પોતું

દિવાળીના દિવસે નવું આખું મીઠું ઘરમાં લાવવું અત્યંત શુભ મનાય છે. સવારે ઘરની લાદી લૂછતી વખતે એટલે કે પોતું કરતી વખતે પાણીમાં થોડું મીઠું ઉમેરી દેવું. મીઠું સમુદ્રમંથનમાંથી પ્રગટ થયેલું છે અને લક્ષ્મીજીનું સહચર છે, જે ઘરની વર્ષો જૂની નકારાત્મક ઊર્જાને ખેંચી લે છે. આજે પોતું કરવાનું કામ મેઇડને આપવાને બદલે જો ગૃહલક્ષ્મી પોતાના સ્વહસ્તે કરે તો નકારાત્મક ઊર્જા ખેંચાવાની પ્રક્રિયા ઝડપી બને છે અને સાથોસાથ લક્ષ્મીજીનું વહન પણ ઝડપભેર થાય છે.

આપો શ્રમિકોને ભેટ

ઘરની સફાઈ કરનારાને, સોસાયટીના સિક્યૉરિટી ગાર્ડને, મજૂરોને કે પછી નાના માણસોને દિવાળીના દિવસે મીઠાઈ કે રોકડ અવશ્ય આપવી. શનિદેવ શ્રમિક વર્ગના કારક છે, જ્યારે સફાઈ-કામદાર રાહુના કારક છે. તેમને રાજી રાખવાથી કુંડળીના આ બન્ને દોષો દૂર થાય છે અને સાથોસાથ નવા વર્ષને આ બન્ને ગ્રહો વધારે સક્ષમતા આપવાનું કામ કરે છે એટલે દિવાળીના દિવસે મળનારા તમામને યથાશક્તિ ખુશ કરો.

હવે જોઈએ દિવાળીના દિવસે ભૂલથી પણ ન કરવાં જેવાં કામ કયાં છે એ.

ક્લેશ કે વાદ-વિવાદ નહીં

શાસ્ત્રોક્ત નિયમ છે કે જ્યાં સંપ ત્યાં સંપત્તિ. દિવાળીના પવિત્ર દિવસે ઘરમાં મોટેથી બોલવું, પરિવારજનો સાથે ઝઘડો કરવો કે કડવા શબ્દો વાપરવા એ અલક્ષ્મી એટલે કે દરિદ્રતાને આમંત્રણ આપવા સમાન છે. ઘરનું વાતાવરણ પ્રસન્ન રાખવું એ આમ તો કાયમ માટેની જરૂરિયાત છે, પણ આજના દિવસે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું રહ્યું.

જો કોઈ સામે ચાલીને પણ આ પ્રકારના વાદ-વિવાદ કે ક્લેશ કરે તો પણ હાથ જોડીને વાતને પૂર્ણવિરામ આપી દેવું.

સૂર્યાસ્ત પછી સાવરણી નહીં

દિવાળીની સાંજ પછી ક્યારેય ઘરમાં ઝાડુ ન મારવું અને ઘરનો કચરો કે ભંગાર રાત્રે બહાર ન ફેંકવો. જો કચરો બહાર કાઢવો જ હોય તો બપોર પહેલાં કાઢી લેવો. સંધ્યાકાળે ઝાડુ મારવાથી ઘરમાં પ્રવેશેલી લક્ષ્મી પણ પાછી વળી જાય છે એટલે દિવાળીના દિવસે સાવરણી કાઢવી નહીં.

જુગાર ક્યારેય નહીં

મોટાં શહેરોમાં આ એક ફૅશન ચાલી છે અને નવા વર્ષમાં નસીબ કેવો સાથ આપશે એ જોવા માટે ઘણા લોકો દિવાળીની રાત્રે શુકનના નામે જુગાર રમે છે અને સાથે દારૂનું સેવન પણ કરે છે. શાસ્ત્રો અનુસાર જુગાર અને નશો એ સાક્ષાત્ કલિયુગ અને રાહુનું નિવાસસ્થાન છે. આ આદત આખા વર્ષ માટે આર્થિક બરબાદી અને માનસિક અશાંતિ નોતરે છે એટલે શુકનના નામે પણ દિવાળીની રાતે જુગાર ન રમવો જોઈએ અને નશાકારક પદાર્થથી દૂર રહેવું જોઈએ.

તિજોરી કે પૂજાસ્થાન ખાલી ન રાખવું

ઘરની તિજોરી, કબાટ કે કૅશ-બૉક્સને દિવાળીના દિવસે સાવ ખાલી ન રાખવું. એમાં ઓછામાં ઓછી થોડી રોકડ રકમ, ચાંદીનો સિક્કો કે સોપારી અવશ્ય રાખવી જેથી ધનની અવિરત આવક જળવાઈ રહે. દિવાળી માત્ર એક દિવસનો ઉત્સવ નથી પરંતુ આખું વર્ષ ઘરમાં લક્ષ્મીજી અને સુખ-શાંતિનો વાસ જળવાઈ રહે એ માટે એનું આગમન થવું જોઈએ. તિજોરી, કબાટ કે કૅશ-બૉક્સ ઉપરાંત આજના દિવસે ખિસ્સું પણ ખાલી ન રાખવું જોઈએ અને લક્ષ્મી સતત સાથે રાખવી જોઈએ.

 

astrologer astrology life and style lifestyle news diwali festivals