અનિવાર્ય ઘર્ષણ સામે નહીં લડવું એટલે પલાયનવાદ

18 July, 2022 03:06 PM IST  |  Mumbai | Swami Satchidananda

સત્તા સુખરૂપ છે અને સત્તાહીનતા દુ:ખરૂપ હોય છે એટલે પ્રત્યેક ક્ષેત્રમાં સત્તાપ્રાપ્તિ માટે નાનું-મોટું ઘર્ષણ ચાલતું રહે છે. 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

ત્યાગની આ વાતમાં લક્ષ્મીત્યાગ પછી બીજા નંબરે જો કોઈ ત્યાગની વાત આવતી હોય તો એ છે સત્તાત્યાગ. આ વાત આજકાલની નથી, સદીઓથી ચાલી આવે છે અને એ સમયના દાખલાઓ આપવામાં આવે છે. ફલાણા-ફલાણા રાજા-મહારાજા અથવા તેમના રાજકુમારોએ સત્તાનો ત્યાગ કરીને પરિવ્રજ્યા ગ્રહણ કરી લીધી, અકિંચન થઈ ગયા. અરે, પહેરેલું વસ્ત્ર પણ ત્યાગી દીધું. પોતાના આત્માનું કલ્યાણ કરી લીધું તો પછી હવે તમે પણ એ જ રસ્તો ચાલો અને સત્તાનો ત્યાગ કરો, સત્તા છોડી દો.
આમ જોઈએ તો સંસારનાં બધાં સુખોમાં સૌથી સર્વોચ્ચ સુખ સત્તાનું છે. તમારી પાસે સત્તા છે તો તમે સુખી છો, પણ જો તમારે બીજાની સત્તાને આધીન થઈને જીવન જીવવું પડે છે તો તમે ભાગ્યે જ સુખી હોઈ શકો એટલે લોકો લક્ષ્મી કરતાં પણ વધુ પ્રયત્નો સત્તાપ્રાપ્તિ માટે કરતા હોય છે. આ સત્તા માત્ર રાજકીય ક્ષેત્ર પૂરતી જ સીમિત રહેતી નથી. ઘરમાં સાસુ-વહુ, આશ્રમોમાં ગુરુ-શિષ્યો, ઑફિસમાં બૉસ-કર્મચારી એમ સર્વત્ર સત્તાનો સંઘર્ષ ચાલતો જ હોય છે. અગાઉ કહ્યું છે એમ સત્તા સુખરૂપ છે અને સત્તાહીનતા દુ:ખરૂપ હોય છે એટલે પ્રત્યેક ક્ષેત્રમાં સત્તાપ્રાપ્તિ માટે નાનું-મોટું ઘર્ષણ ચાલતું રહે છે. 
સતત ઘર્ષણમાં જ જીવન જીવવું એ સારું નથી, પણ યોગ્ય કાર્યો માટે ઘર્ષણથી ભાગવું પણ સારું નથી. જો તમે યોગ્ય અને જરૂરી કાર્યો માટે પણ ઘર્ષણ ન કરો અથવા ઘર્ષણથી ડરીને ભાગી છૂટો તો તે પલાયનવાદ છે. છેલ્લાં થોડાં વર્ષોમાં પલાયનવાદ વધતો ચાલ્યો છે. લગ્નજીવનમાં પણ કજિયા અને કંકાસથી ડરીને હવે પલાયનવાદની માનસિકતાને મોટી કરી દેવામાં આવે છે. મને ઘણા 
લોકો આશ્રમમાં આવીને કજિયાની વાત કરે, ઘરમાં ચાલતા કંકાસની વાત કરે ત્યારે હું કહું કે તો તમે સામે જવાબ આપો. એટલે તેઓ કહે કે ના, એવું કરીએ તો ઝઘડો વધે. પલાયનવાદ જ છે આ. જો આ પલાયનવાદ અકબંધ રાખો તો તમારી સાથે કજિયો કરનારો ક્યારેય સમજે નહીં. ઊલટું તે તો પોતાની વાત, સ્વભાવ અને જીદ વધુ ને વધુ બળવત્તર બનાવતો જાય. પલાયનવાદ છોડજો.
જીવનમાં જરૂરી અને અનિવાર્ય ઘર્ષણો સામે ઊભા રહેવાની શક્તિ અને હિંમત હોવી જ જોઈએ. એના વિના નમાલાપણું આવી જતું હોય છે; પણ પૂર્વે કહ્યું એમ લોકો શાંતિ, મોક્ષ, પરલોક અને અધ્યાત્મના નામે ભાગી છૂટવાનું શીખવે છે જેથી પ્રજા અને રાષ્ટ્ર ઊતરતી કક્ષાનાં બની જાય છે. સત્તાનો ત્યાગ કરી દેવાથી કદાચ પોતાને તો શાંતિ મળી જાય છે, પણ તેથી અન્યના માટે અશાંતિ વધી શકે છે.

astrology columnists swami sachchidananda