ગૌરી-શંકર રુદ્રાક્ષ દાંપત્યજીવનને સુખમય બનાવે છે

05 September, 2021 06:58 PM IST  |  Mumbai | Aacharya Devvrat Jani

રુદ્રાક્ષ પર જાતજાતના પ્રયોગો કરવામાં આવ્યા હોવા છતાં પણ આ વિસ્તારો સિવાય ભાગ્યે જ અન્ય જગ્યા પર રુદ્રાક્ષની ઉત્પતિ જોવા મળી છે. ભારત સિવાય નેપાળમાં પણ રુદ્રાક્ષ જોવા મળે છે.

ગૌરી-શંકર રુદ્રાક્ષ દાંપત્યજીવનને સુખમય બનાવે છે

શ્રાવણ પૂરો થઈ રહ્યો છે એવા સમયે એવી તકની વાત કરવાની જે તક હવે છેક આવતાં શ્રાવણમાં સૌ કોઈને સાંપડવાની છે.
વાત છે રુદ્રાક્ષની. રુદ્રાક્ષ વિશે અગાઉ પણ વાત કરી છે. આજે જે વાત કરવાની છે એમાં સામાજિક, આર્થિક અને માનસિક સ્તર પર રુદ્રાક્ષના લાભોનો સમાવેશ થાય છે. શાસ્ત્રો કહે છે કે રુદ્રાક્ષ ધારણ કરવો એ લાભદાયી છે તો આયુર્વેદ અને યુનાની ચિકિત્સા પદ્ધતિમાં પણ કહેવાયું છે કે રુદ્રાક્ષ ધારણ કરવો એ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. શાસ્ત્રોક્ત મુજબ રુદ્રાક્ષની ઉત્પતિ મહાદેવના આંસુઓમાંથી થઈ છે. ધાર્મિક ગ્રંથો અનુસાર રુદ્રાક્ષ એકવીસ મુખી સુધીના પ્રાપ્ત થાય છે અને એના પ્રમાણ પણ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા છે. જોકે વર્તમાન સમયમાં ચૌદ મુખી પછીના એક પણ મુખી રુદ્રાક્ષ અપ્રાપ્ય છે. ભારતમાં રુદ્રાક્ષ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં થાય છે તો આસામ અને બંગાળમાં પણ રુદ્રાક્ષ થતાં જોવા મળ્યા છે. રુદ્રાક્ષ પર જાતજાતના પ્રયોગો કરવામાં આવ્યા હોવા છતાં પણ આ વિસ્તારો સિવાય ભાગ્યે જ અન્ય જગ્યા પર રુદ્રાક્ષની ઉત્પતિ જોવા મળી છે. ભારત સિવાય નેપાળમાં પણ રુદ્રાક્ષ જોવા મળે છે. 
શ્રાવણ દરમ્યાન રુદ્રાક્ષ ધારણ કરવો અતિશય લાભદાયી માનવામાં આવે છે. જે પ્રકારની તકલીફ હોય કે પછી આવશ્યકતા હોય એ પ્રકારનો રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો એનો લાભ નવા શ્રાવણ પહેલાં મહાદેવ આપે છે એવું શાસ્ત્રો કહે છે. રુદ્રાક્ષના અનેક પ્રકાર છે પણ એ તમામ પ્રકારમાં કેટલાક પ્રકારને રૅર માનવામાં આવે છે. રૅર માનવામાં આવતા રુદ્રાક્ષમાં બહુ ઓછા જાણીતા રુદ્રાક્ષની વાત કરીએ તો એ ગૌરી-શંકર રુદ્રાક્ષ છે. ગૌરી-શંકર રુદ્રાક્ષ હકીકતમાં બે રુદ્રાક્ષનો કુદરતી જોટો છે. ગૌરી-શંકર ધારણ કરવાથી દાંપત્યજીવનમાં લાગણી અને સ્નેહ ઉમેરાય છે તો પ્રેમીઓના જીવનમાં એ આકર્ષણ અકબંધ રાખવાનું કામ કરે છે.
ગૌરી-શંકર પછી રૅર રુદ્રાક્ષમાં એક-મુખી રુદ્રાક્ષ આવે છે. એક-મુખી રુદ્રાક્ષ અતિ દુર્લભ અને કીમતી છે. એક-મુખી રુદ્રાક્ષ શિવનું પ્રતીક માનવામાં આવે છે તો સાથોસાથ સાક્ષાત શિવજી માનવામાં આવે છે. એક-મુખી રુદ્રાક્ષ ઇચ્છાપૂર્તિ રુદ્રાક્ષ છે. એ તમામ પ્રકારનાં સપનાંઓ પૂર્ણ કરે છે. ચંદ્રાકાર રુદ્રાક્ષને ગળામાં પહેરવા કરતાં પણ જો એની શ્રાવણના દિવસોમાં ઘરમાં સ્થાપના કરવામાં આવે તો એનું પરિણામ ઉત્તમ મળે છે.
એક-મુખી રુદ્રાક્ષની બાબતમાં અનેક પ્રકારની શંકા-કુશંકાઓ છે. આપણે ત્યાં મોટાભાગે રુદ્રાક્ષના નામે ભદ્રાક્ષ મળતા હોય છે. ભદ્રાક્ષ બીજ નથી પણ રુદ્રાક્ષ બીજ છે. નવદંપતી કોઈ પણ મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો તેને સંતાનપ્રાપ્તિના યોગ બને છે. રૅર રુદ્રાક્ષમાં જ એકવીસ મુખી રુદ્રાક્ષનો સમાવેશ થાય છે. એકવીસ મુખી રુદ્રાક્ષ હકીકતમાં ક્યાંય અત્યારે મળતો નથી, પણ એમ છતાં જો એ ધારણ કરવામાં આવે તો એનાથી ધનલાભ થાય છે. એકવીસ મુખી રુદ્રાક્ષ તે કુબેરનું પ્રતીક છે. શાસ્ત્રો કહે છે કે એકવીસ મુખી રુદ્રાક્ષના પ્રત્યક્ષ દર્શનથી પણ જીવનમાં લક્ષ્મીનું આગમન થાય છે.
કોઈ પણ મુખી રુદ્રાક્ષ ધારણ કરનારાના ભાગે અશ્રુ ઓછા આવે છે એવું શાસ્ત્રો કહે છે. એનું કારણ પણ દર્શાવવામાં આવ્યું છે. કહેવાયું છે કે રુદ્રાક્ષ દુઃખ હરનાર છે, રુદ્રાક્ષ થકી દુઃખનો નાશ થાય છે અને જે દુઃખને હણવું અઘરું છે એ દુઃખને પચાવવાની ક્ષમતા રુદ્રાક્ષ આપે છે. રુદ્રાક્ષ માટે શિવપુરાણમાં શિવજીએ પણ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે રુદ્રાક્ષ જીવમાત્ર ધારણ કરી શકે છે, એને કોઈ જ્ઞાતિ, ધર્મ, જાતિ કે પછી લિંગધર્મ સાથે નિસબત નથી. રુદ્રાક્ષ ધારણ કરવાનો એક અર્થ શિવના આશરે જવું પણ છે. રુદ્રાક્ષનો જન્મ કેવા સમયે અને કેવા સંજોગોમાં થયો હતો એની વાત ખુદ શિવજીએ પોતે કાર્તિકેયને કહી છે, જે વાત આવતી કાલે શ્રાવણના અંતિમ દિવસે આપણે કરીશું.
લેખક આધ્યાત્મિક અને શાસ્ત્રોક્ત વિધિકાર છે. શાસ્ત્રોક્ત લેખન તેમ જ સેમિનાર થકી શિક્ષણમાં પણ નિપુણતા ધરાવે છે. શિવનાં જગદવ્યાપી સ્વરૂપનાં દર્શન કરાવતા શિવપુરાણની વાતો શ્રાવણના પવિત્ર મહિનામાં રોજેરોજ અહીં વાંચવા મળશે.

astrology columnists