ચારિત્રખંડનનો સ્વભાવ સારા માણસોમાં ક્યારેય નથી હોતો

02 August, 2022 12:05 PM IST  |  Mumbai | Swami Satchidananda

અપમાન અને અન્યાયનો શિકાર બનેલો આવો અધિકારી શાસકની વિરુદ્ધમાં ષડયંત્ર કરી શકે છે. એટલે શાસકે ખુશામતખોરોથી બચવું જોઈએ. 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

આપણે વાત કરીએ છીએ શાસકોની. 
કેટલાક શાસકો કાચા કાનના હોય છે. ચુગલખોરો ચુગલી દ્વારા કુશળ અને સાચા માણસો સાથે મનોમાલીન્ય કરાવી દેતા હોય છે. એના પરિણામે તેમણે રત્ન જેવા માણસો ખોઈ નાખવા પડે છે. સત્તા હંમેશાં સંયુક્ત હાથોમાં રહેતી હોય છે. એકહથ્થુ સત્તા હોતી જ નથી અને હોઈ પણ શકે નહીં. માનો કે તમે રાજા છો; પણ તમને દીવાન, સેનાપતિ, અમલદારો જેવા અનેક લોકોની જરૂર પડવાની જ છે. આ બધામાં એકતા રાખવી જરૂરી છે. જો આ બધા પરસ્પરમાં ઈર્ષ્યા, દ્વેષ, ખટપટો કરતા થઈ જાય તો કેટલાક ખુશામતખોરો રાજાના કે શાસકના કાન ભંભેરવાનું જરૂર કરશે. શાસક પણ આવી કાનભંભેરણીમાં આવી જાય તો પૂરતી તપાસ કર્યા વિના તે કોઈ યોગ્ય અને કુશળ અધિકારીને કાઢી મૂકશે. અપમાન અને અન્યાયનો શિકાર બનેલો આવો અધિકારી શાસકની વિરુદ્ધમાં ષડયંત્ર કરી શકે છે. એટલે શાસકે ખુશામતખોરોથી બચવું જોઈએ. 
ખુશામતખોરો ચુગલી વિનાના હોતા જ નથી. માનો કે એક મોટા શાસકને એક ચુગલખોર માણસે કાનમાં કહ્યું કે ‘પેલો અધિકારી તમારી બહુ નિંદા કરતો રહે છે.’
આ વાત સાંભળતાં જ જો મોટો શાસક કાચા કાનને કારણે વાતને સાચી માની લે તો તેનામાં દ્વેષભાવ અને વેરભાવનો ઉદય થશે, જે અંતે પેલાને હાનિ પહોંચાડવામાં પરિણમશે. આ યોગ્ય નથી. 
સતત અનાવશ્યક ખુશામત કરનારથી સત્તાધીશે હંમેશાં બચવું જોઈએ. કદાચ કોઈ વગર પૂછ્યે કે વગર કહ્યે કોઈની ચુગલી કર્યા કરે તો તરત જ તેની વાત માની લેવાની જરૂર નથી. શાંતિ અને ધીરજથી એની તપાસ કરીને પછી જો એમાં તથ્ય જણાય તો જ માનવાનું અને નજીકના માણસોની વિરુદ્ધ નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચારવાનું. એમાં પણ કોઈ માણસ કોઈના ચારિત્રનું સતત ખંડન કરતો રહેતો હોય તો તેની વાત માની લેવાની કદી પણ ઉતાવળ ન કરવી જોઈએ. 
ચારિત્રખંડનનો સ્વભાવ સારા માણસોમાં નથી હોતો. મોટા ભાગે હલકા માણસો જ પોતે ચારિત્રહીન હોય છે. તેમનો જ આવો સ્વભાવ હોય છે. આવા હલકા માણસોની વાતોમાં તણાઈ જનાર શાસક કાચા કાનનો થઈ શકે છે અને કાચા કાનનો થયા પછી તે મહત્ત્વના અને કહ્યું એમ રત્નસમાન લોકોને દૂર કરી બેસે છે જે સત્તા માટે જોખમી છે.

columnists astrology swami sachchidananda