શ્રવણશક્તિ, સ્મરણશક્તિ અને દૃષ્ટિશક્તિ એ બધી ખરેખર તો ઈશ્વરકૃપા છે

19 August, 2021 10:42 AM IST  |  Mumbai | Morari Bapu

પ્રભુએ કૃપા કરીને આપણને માનવશરીરરૂપી બહુ સુંદર પાત્ર આપ્યું છે. પણ પ્રશ્ન એ થાય છે કે આ પાત્ર પર પરમાત્માનો અનુગ્રહ કેવી રીતે થાય?

મિડ-ડે લોગો

ઈશ્વરનો અનુગ્રહ આપણા પર હોય તો માનવી ઘણું-ઘણું કરી શકે છે. મહાત્માઓની દૃષ્ટિએ, સંતોની દૃષ્ટિએ તેમના અનુભવોથી મહાપુરુષોને એવું લાગે છે કે કૃપા અને અનુગ્રહમાં બહુ ફેર છે અને આ ફેરને જ સમજવાનો છે.
કૃપા બધા પર થઈ છે. આટલો સુંદર મનુષ્યદેહ આપણને સૌને મળ્યો છે, આટલા સુંદર દાંત મળ્યા, આટલી સુંદર આંખો મળી, ભોજનને પચાવવાની આટલી સરસ વ્યવસ્થા, ઊંઘી જઈએ ત્યાર બાદ ફરી વાર જાગવાની વ્યવસ્થા છે, કામ કરવાની બહુ સુંદર વ્યવસ્થા કરી છે, શ્રવણશક્તિ આપી અને સ્મરણશક્તિ પણ આપી છે. આમ કૃપા કરવામાં તો કંઈ બાકી નથી રાખ્યું. હવે સવાલ છે આ પાત્ર પર અનુગ્રહ થાય અને અનુગ્રહ થાય તો ગતિ પણ મળે.
હવે કોઈ પણ વાસણમાં કોઈ વસ્તુ ભરવી હોય તો પહેલાં એને ખાલી કરવું પડે છે, ત્યાર બાદ જ એમાં કોઈ બીજી વસ્તુ ભરી શકાય છે. આ બહુ સહેલો અને સરળ નિયમ છે. પાણી ભરેલા વાસણમાં જો દૂધ ભરવું હોય તો પહેલાં એ વાસણમાં રહેલું પાણી બહાર કાઢવું પડશે, ત્યાર બાદ જ એમાં દૂધ ભરી શકાય. પાત્ર તો આપણી પાસે છે. પ્રભુએ કૃપા કરીને આપણને માનવશરીરરૂપી બહુ સુંદર પાત્ર આપ્યું છે. રામાયણમાં એનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં છે. એનાં વખાણ તુલસીદાસજીએ કર્યાં, ભુશુન્ડીજીએ કર્યાં, સ્વયં શ્રીરામજીએ પણ માનવશરીરનાં વખાણ કર્યાં છે. આમ પાત્ર બહુ જ સુંદર મળ્યું છે, પણ પ્રશ્ન એ થાય છે કે આ પાત્ર પર પરમાત્માનો અનુગ્રહ કેવી રીતે થાય?
આપણે રામચરિતમાનસના આધાર પર આ બાબતની ચર્ચા કરીએ કે ‘પ્રભુનો અનુગ્રહ થઈ શકે, ઈશ્વરનો અનુગ્રહ થઈ શકે, અનુગ્રહનું અવતરણ થઈ શકે.’ અને આ માટે માનવજીવનના પાત્રમાંથી આપણે શું-શું ખાલી કરવું પડશે એ પણ જોઈએ. 
આ માટે તુલસીનું જે સૌથી પહેલું દર્શન છે એ એ છે કે કોઈ આગ્રહ ન રાખે. કોઈ એવો આગ્રહ ન હોવો જોઈએ કે ‘માલિક, તું રહે અને તારી મરજી રહે, બાકી હું રહું કે ન મારી મનોકામના રહે.’ કોઈ જ આગ્રહ નહીં.
પહેલી શરત એ કે કોઈ આગ્રહ ન હોય. આ ત્યારે જ થઈ શકે જ્યારે જીવનમાં પણ કોઈ ખાસ આગ્રહ ન રહે. મારી અને તમારી ભક્તિમાં આગ્રહ બહુ જ છે. કેટલાક લોકો સાંસારિક ચીજવસ્તુઓનો આગ્રહ જતો કરી શકે છે, પરંતુ પ્રતિષ્ઠાનો આગ્રહ તો સૌમાં હોય જ છે. લોકોને જ્યારે એમ લાગે કે આપણે સરળ છીએ ત્યારે સમજવું કે પ્રતિષ્ઠાનો આગ્રહ છૂટી ગયો છે. 

astrology columnists morari bapu