13 January, 2026 06:05 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
આર્ટિકલ્સ જ નહીં, ભારતનું બંધારણ આર્ટથી પણ છલોછલ ભરેલું છે
દેશનું બંધારણ એટલે આમ તો કાયદાની વાતો, સરકારની સત્તા, નાગરિકોના હકો, ફરજો તરફનો અંગુલીનિર્દેશ વગેરે... પણ ભારતના બંધારણનું એક નવું પાસું જાણવા જેવું છે. એ પાસું છે કૅલિગ્રાફી. જે સ્થળે બંધારણના શબ્દો અટકી જાય છે એ સ્થળેથી કૅલિગ્રાફીની કમાલ પ્રારંભાય છે. બંધારણનાં એ કલાત્મક પાનાંઓમાં કુશળ કલાકારોના કસબમાંથી પ્રગટેલાં બેનમૂન ચિત્રોમાં અસલી ભારત ધબકે છે, ભારતીય સંસ્કૃતિની સરવાણીનો ધોધ વહે છે અને ‘વિવિધતા સાથે એકતા’ રાખનારા ભારતીયોને એક તાંતણે બાંધી રાખતી કેટલીયે કથાઓને કંડારતી કલા ત્યાં કિલકિલાટ કરતી ખિલખિલાટ હસે છે.
પોતાના પૂર્વજોની મુક્તિ માટે રઘુવંશી રાજા ભગીરથ આકરું તપ કરીને ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી પર લઈ આવવાનું વરદાન તો મેળવી લે છે, પણ ગંગાજી કોના માધ્યમથી પૃથ્વી પર અવતરે? આ માટે ભગીરથે શિવજીને રીઝવ્યા અને શિવજીએ ગંગાજીને જટામાં સમાવી લઈને પૃથ્વી પર વહેતાં કર્યાં. ભગીરથના આ ભગીરથ પ્રયાસે તે એવો તો અમર થઈ ગયો કે ગંગાજી સ્વયં ભાગીરથી તરીકે ઓળખાયાં. આ સમગ્ર વૃત્તાંત ગંગાવતરણના એક કલાત્મક ચિત્ર દ્વારા બંધારણમાં રજૂ થયું છે.
યુદ્ધમાં હતાશ થયેલા અર્જુને હથિયારો મૂકી દીધાં ત્યારે તેને પાનો ચડાવતું અને કર્તવ્યબોધ કરાવતું શ્રીકૃષ્ણ દ્વારા થયેલું ગીતાવતરણ અન્ય એક ચિત્રમાં રજૂ થયું છે.
શિવને સંહારના દેવ કહેવામાં આવ્યા છે. તેમનું રૌદ્ર સ્વરૂપ તાંડવ સર્જી શકે. નૃત્ય, સંગીત અને તાંડવના સમન્વય સમી શિવજીની નટરાજ મુદ્રા આવા જ એક ચિત્રમાં ઊપસે છે તો બહારથી આવીને સત્તરમી સદીમાં ભારત પર હકૂમત જમાવનાર મોગલ શાસકો સામે શૌર્યસંકેત બની ગયેલા બે મહાન રક્ષક લડવૈયા શિવાજી અને ગુરુગોવિંદ સિંહનાં ચિત્રો બંધારણની કલાત્મકતાને વધુ ઝળકાવે છે.
અહિંસા અને કરુણાના સંદેશનું વહેણ વહેતું મૂકનારા જૈનોના ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામી અને વળી એ જ અરસામાં થયેલા બુદ્ધની તસવીરો પણ કલાત્મક રીતે બંધારણમાં રજૂ થઈ છે.
જેમના વગર ભારતની લોકકથાઓ અધૂરી રહી જાય અને કંઈકેટલાય ઉત્સવો નામશેષ થઈ જાય એવા મર્યાદાપુરુષોત્તમ રામ, કરુણામૂર્તિ સીતાજી અને અખંડ જાગરૂકતાના પ્રતીક લક્ષ્મણને લઈ જતું પુષ્પક વિમાનનું ચિત્ર તો જાણે રામાયણને બંધારણીય સ્થાન આપતું જણાય છે.
આ સિવાય જેમના નામની સંવત ચાલે છે તે રાજા વિક્રમાદિત્યનું ચિત્ર પણ છે. રાણી લક્ષ્મીબાઈનું ચિત્ર પણ છે. નાલંદા વિદ્યાપીઠનું ચિત્ર પણ છે. ગાંધીજી અને નેતાજી સુભાષ બોઝનાં ચિત્રો પણ ઉમેરાયાં છે. હા, દેશની ઉદારતાના પ્રતીક જેવા સમ્રાટ અકબર અને મૈસૂરના ટીપુ સૂલતાનનાં ચિત્રો પણ છે. આ બે ચિત્રો સિવાય સમગ્ર બંધારણ કલાત્મક રીતે પણ હિન્દુ સંસ્કૃતિનાં વિભિન્ન પાસાંઓને રજૂ કરે છે. દેશની વૈવિધ્યતા સાથેની સાંસ્કૃતિક પ્રધાનતાની આવી કલાત્મક પ્રસ્તુતિ હોવા છતાં ભારત ધર્મનિરપેક્ષ દેશ કઈ રીતે બન્યો? બંધારણમાં માત્ર આર્ટિકલ્સ નથી, અદ્ભુત આર્ટ પણ છે. છતાં આ ચિત્રો દેશની જે ઓળખ દર્શાવે છે એનાથી સાવ જુદી બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશની ઓળખ દેશને કઈ રીતે મળી એ એક અલગ જ મુદ્દો છે.
આચાર્ય શ્રી ઉદયવલ્લભ સૂરિ ‘પર્ફેક્ટિંગ યુથ’ કૅમ્પેન થકી જૈન સમાજના યુવાનોમાં સંસ્કરણનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે