09 November, 2025 04:23 PM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતિકાત્મક તસવીર
ઘર-મંદિરની બાબતમાં ઘણા લોકોને અવઢવ હોય છે, પણ વાસ્તુશાસ્ત્રમાં એના વિશે વિગતવાર સમજણ આપવામાં આવી છે તો સાથોસાથ ઘર-મંદિરના મુદ્દે કઈ-કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે પણ કહ્યું છે.
ઘરમાં રહેલું મંદિર ભગવાનનું ઘર છે. જેમ આપણને આપણું ઘર સરસ હોય એ ગમે એવી જ રીતે ભગવાનને પણ તેમનું ઘર સરસ હોય એ ગમે જ. એટલે ઘર-મંદિર સૌથી સરસ અને સુશોભિત રાખવું જોઈએ. મંદિરની નિયમિત સફાઈ થતી રહે એ પણ ખૂબ જરૂરી છે. મંદિરમાં જો મૂર્તિ હોય તો એની સાફસફાઈ પણ નિયમિત રીતે થાય એ પણ ખૂબ જરૂરી છે. આ સિવાય મંદિરની બાબતમાં બીજું શું-શું ધ્યાન રાખવું એ જોઈએ.
જમીન પર ક્યારેય નહીં
ઘર-મંદિર ક્યારેય જમીન પર સીધું એટલે કે એ જમીનને સ્પર્શ થાય એ રીતે મૂકવું જોઈએ નહીં. મંદિરની નીચેના ભાગમાં પિલર હોવા જોઈએ અને ધારો કે પિલર ન હોય તો એ માટેની વ્યવસ્થા કરવી જોઈએ, પણ મંદિર હંમેશાં ઉપર હોવું જોઈએ. મંદિરની ઊંચાઈનું આદર્શ માપ એ છે કે ભગવાનની આંખો ઘરમાં રહેતી વ્યક્તિથી વધારે ઊંચાઈ પર હોવી જોઈએ, જેથી ભગવાનને જોતી વખતે વ્યક્તિએ મસ્તક ઊંચું કરવું પડે.
મંદિર એ ઊર્જાસ્થાન છે એ વાત ક્યારેય ભૂલવી નહીં. એટલે મંદિર પર પૂરતો પ્રકાશ આવતો રહે કે પછી મંદિરમાં જ અલાયદી લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હોય એ વાતનું ધ્યાન રાખવું જોઈએ.
સીસમ કે સાગ છે શ્રેષ્ઠ
મંદિર સીસમ કે સાગનું હોય તો સૌથી ઉત્તમ, પણ ધારો કે એવી આર્થિક ક્ષમતા ન હોય તો યાદ રાખવું કે ક્યારેય લોખંડ અથવા ઍલ્યુમિનિયમનું મંદિર ન ખરીદવું. એ સૌથી ઊતરતી ધાતુ હોવાથી ભગવાનનું ઘર એમાં ન હોવું જોઈએ એવું વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. મંદિર દરવાજા સાથેનું હોય એ પણ જરૂરી છે, કારણ કે જરૂર પડે ત્યારે ભગવાનના ઘરના દરવાજા બંધ થઈ શકે અને તેમને અસાધના ન લાગે.
ઘણા લોકો ખુલ્લામાં મંદિર બનાવે છે એટલે કે એ મંદિરને ઉપર છત કે આજુબાજુમાં દીવાલ નથી હોતી. આ પણ યોગ્ય નથી. ઊર્જા હંમેશાં સંગ્રહિત હોય તો જ એનામાં તાકાત રહે. આ પ્રકારના મંદિરની ઊર્જા સંગ્રહિત નથી થતી.
આગળ-પાછળ, ઉપર-નીચે
મંદિરની આગળ-પાછળ કે ઉપર-નીચે વૉશરૂમ ન હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. દિશા અને સ્થાન ભૂલવું પડે તો એ ભૂલીને પણ ટૉઇલેટ કે વૉશરૂમની સામે, વૉશરૂમની દીવાલ પર કે ઉપર-નીચે મંદિર મૂકવું ન જોઈએ. મંદિર માટેની શ્રેષ્ઠ દિશા ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન છે, પણ એ દિશાનો લાભ ન મળતો હોય તો ઉત્તર કે પૂર્વમાં પણ મંદિર રાખી શકાય છે.
મંદિરમાં એક ને એક ભગવાનના એકથી વધારે ફોટો કે મૂર્તિઓ રાખવી ન જોઈએ અને એવી જ રીતે મંદિરમાં વધુ ભગવાન કે ધાર્મિક ચીજવસ્તુઓ પણ ન મૂકવી જોઈએ. મંદિરનો મહત્તમ ભાગ ખાલી રહે એ ખૂબ અનિવાર્ય છે. તો જ ઊર્જાનું એમાં સિંચન થાય અને એ સકારાત્મક ઊર્જા આખા ઘરમાં પથરાય.
વધારાની મૂર્તિ કે ફોટોનું શું કરવું?
જો ભગવાનની મૂર્તિ કે ફોટો વધારે હોય તો એ ફોટો કે મૂર્તિને મંદિરમાં જઈને મૂકી આવી શકાય છે અને કાં તો એને પાણીમાં પધરાવી શકાય છે. આ ઉપરાંત એને જમીનમાં સ્વચ્છતા સાથે દાટી પણ શકાય છે. હાથમાં બાંધેલા ધાર્મિક દોરા-ધાગાનું પણ એ જ કરવું જોઈએ. અગરબત્તી કે ધૂપ દ્વારા ઊભી થયેલી રાખને રોજેરોજ ફેંકવાને બદલે એક સારા ડબ્બામાં એકઠી કરીને સમયાંતરે એ રાખ કૂંડામાં કે વૃક્ષના થડ પાસે ભભરાવી દેવી જોઈએ જેથી અસાધના લાગે નહીં.
મંદિર પર કંઈ જ નહીં
મંદિરના ઉપરના ભાગમાં એક પણ પ્રકારની ચીજવસ્તુ રાખવી નહીં. ઘણા લોકો ઉપરના ભાગમાં અગરબત્તી કે વધારાની વાટ અને માચીસ રાખતા હોય છે, પણ ભગવાન પર કોઈ ભાર ન હોવો જોઈએ એવું શાસ્ત્રો કહે છે. એટલે મંદિર પર એક પણ પ્રકારની ચીજવસ્તુ રાખવી જોઈએ નહીં.
મંદિરનો સામાન કાં તો મંદિરની નીચે આપેલા ખાનામાં રાખો અને એ સગવડ ન હોય તો બીજે ક્યાંક એની વ્યવસ્થા કરો, પણ યાદ રહે કે મંદિરનો સામાન રાખવાની જગ્યા પણ શુદ્ધ અને પવિત્ર હોય એ અત્યંત આવશ્યક છે. શક્ય હોય તો મંદિરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો બીજી કોઈ જગ્યાએ ઉપયોગ ન કરવો. માચીસ પણ રોજબરોજના વપરાશની જુદી જ રાખવી અને મંદિરની માચીસ પણ અલગ રાખવી.