જેણે ક્યારેય પ્રેમ કર્યો નથી તે પ્રભુને કેવી રીતે પ્રેમ કરી શકે?

01 September, 2021 12:21 PM IST  |  Mumbai | Morari Bapu

આ જગતમાં કોઈનો મહિમા કરવા જેવો હોય તો એ પ્રેમ છે અને હવેના દિવસોમાં આપણે આ પ્રેમ વિશે વિસ્તારપૂર્વક વાત કરવાની છે, પણ એ વાત શરૂ કરતાં પહેલાં કહીશ, પ્રેમનો જેટલો સદુપયોગ થાય એટલો કરી લેજો.

પ્રતીકાત્મક તસવીર

એક યુવાનને અધ્યાત્મના ક્ષેત્રમાં ખાસ્સો રસ. બહુ ગમે એવી વાતો અને અધ્યાત્મની વાતોનું તો એવું છે કે એ તમને પોતાની તરફ ખેંચે. યુવાન તો ગયો સંત રામાનુજ પાસે. સંત પાસે જઈને તે પગે લાગ્યો અને નમ્રતા સાથે તેણે સંત રામાનુજને કહ્યું, ‘મને અધ્યાત્મમાં પ્રવેશ આપો, દીક્ષિત કરો, તમારો બનાવો.’ 
યુવાન ખૂબ ભાવવિભોર હતો અને એ ભાવ તેની આંખોમાં પણ સતત નીતરતો હતો. આચાર્યે તેને પાસે બેસાડીને માથે હાથ ફેરવતાં પૂછ્યું, 
‘તેં કદી કોઈને પ્રેમ કર્યો છે?’ 
યુવાન આશ્ચર્યચકિત થઈ ગયો. તેની દૃષ્ટિએ આ પ્રશ્ન અર્થહીન હતો. વૈરાગ્ય અને પ્રેમને શું લાગેવળગે. તેણે અચરજ સાથે આચાર્યની સામે જોયું. 
‘આપ પ્રેમની વાત કરો છો? હું વૈરાગ્ય અને સંસાર છોડવાના ભાવ સાથે આવ્યો છું અને આપ પ્રેમની વાત કરો છો. પ્રેમ તો પ્રપંચ છે. મારે ત્યાગ સાથે આગળ વધવું છે.’
આચાર્યે બીજી વાર એ જ વાત પૂછી, પણ આ વખતે જરા જુદી રીતે પૂછી.
‘શાંતચિત્તે વિચારીને મને જવાબ આપ કે તેં કદી કોઈને પ્રેમ કર્યો છે. માને, બાપને, ભાઈને, બહેનને પ્રેમ કર્યો છે?’ 
યુવકે આચાર્ય સામે હાથ જોડ્યા અને કહ્યું,
‘હદ કરો છો આપ બાબા. પ્રેમ, લાગણી, સંવેદના એ બધી તો સાંસારિક વાત છે. હું એવી વાતો કરતો નથી અને આપે પણ એવી વાત કરવી ન જોઈએ. હું તો આપની પાસે દિક્ષા લેવા આવ્યો છું, જ્યારે આપ મને સંસારની વાત કરો છો.’
યુવક હોશિયાર હતો, બુદ્ધિશાળી હતો. આચાર્ય ફરી વાર એ જ પ્રશ્ન ન પૂછે એટલે તેણે સવાલનો જવાબ પણ આપ્યો અને કહ્યું, ‘ના, મેં કોઈને પ્રેમ કર્યો નથી. મારી રુચિ તો ભક્તિ છે, અધ્યાત્મ‌િકતા છે. હું કેવી રીતે આવી બાબતોમાં અટવાઈ શકું? મારે એ દિશામાં વ‌િચારવું પણ ન જોઈએ.’ 
રામાનુજ ભગવાનને જવાબ મળી ગયો એટલે પ્રેમપૂર્વક જવાબ આપતાં કહ્યું, 
‘બેટા, તો મારી પાસે તારા માટે કોઈ ઉપાય નથી. જે વ્યક્તિ પોતાના અગલબગલમાં, આજુબાજુમાં, આડોશપાડોશની વ્યક્તિઓને પ્રેમ નથી કરી શકતી એ વ્યક્તિ કેવી રીતે પ્રભુ સાથે પ્રેમ કરી શકશે, કેવી રીતે પ્રભુ સાથે પ્રેમમય બની શકે, કેવી રીતે ઈશ્વર સાથે પ્રેમાલાપ કરી શકે?’ 
રામાનુજે એ યુવકને દીક્ષા ન આપી અને યુવક પાછો ફર્યો. 
પ્રેમ. આ જગતમાં કોઈનો મહિમા કરવા જેવો હોય તો એ પ્રેમ છે અને હવેના દિવસોમાં આપણે આ પ્રેમ વિશે વિસ્તારપૂર્વક વાત કરવાની છે, પણ એ વાત શરૂ કરતાં પહેલાં કહીશ, પ્રેમનો જેટલો સદુપયોગ થાય એટલો કરી લેજો.

morari bapu columnists astrology