22 February, 2026 03:26 PM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
દરેક પ્રાણીની પોતાની એક અસર છે એ ક્યારેય ભૂલવું નહીં તો એ પણ એટલું જ સાચું છે કે કોઈ એક પ્રાણી જો તમને વારંવાર જોવા મળતું હોય તો એ કોઈ સંદેશો લઈને તમારી પાસે આવે છે. આજે આપણે એવાં જ કેટલાંક ઍનિમલની વાત કરવી છે જેનું આસપાસ હોવું બહુ શુકનવંતું છે. પ્રોગ્રેસના પ્રતીક સમાન એ ઍનિમલ કોઈ પણ રૂપમાં તમારી આજુબાજુમાં હોય તો એનો લાભ અચૂક મળે છે. એ લિસ્ટમાં સૌથી પહેલાં આવે છે દેડકો.
દેડકો શું સૂચવે છે?
તમને જાણીને નવાઈ લાગશે પણ આખું જગત ખાઈ શકતા ચાઇનીઝ લોકોએ ફેંગશુઈમાં ફ્રૉગને શુકનવંતો દેખાડ્યો છે અને એટલે જ આજે પણ ચાઇનામાં એક વર્ગ એવો છે જે ફ્રૉગને પવિત્ર માનીને એને ખાવાનું ટાળે છે. ફ્રૉગને હિન્દુ શાસ્ત્રોમાં પણ વિકાસશીલ અને શુકનવંતો ગણવામાં આવ્યો છે. ફેંગશુઈમાં મોઢામાં કૉઇન લઈને બેઠેલા ફ્રૉગની પ્રતિકૃતિ રાખવાની પરંપરા છે, જે પાળવામાં કશું ખોટું નથી. ફ્રૉગની એ મૂર્તિને કાં તો તમારા કન્સલ્ટન્ટ કહે એ સ્થાને મૂકવી જોઈએ અને જો કોઈએ સૂચવ્યું ન હોય તો ફ્રૉગની મૂર્તિને સાઉથ-વેસ્ટ કૉર્નરમાં કે પછી તિજોરીમાં મૂકવી. એક વાત યાદ રાખવી, જ્યારે પણ કોઈ મૂર્તિ રાખવાની વાત થાય ત્યારે ધ્યાન રાખવું કે એ મૂર્તિ પોલી ન હોય. ઘરમાં હંમેશાં નક્કર મૂર્તિ જ રાખવી જોઈએ.
ફ્રૉગ પૈસાને ખેંચી લાવવાનું અને વિકાસને ઝડપી બનાવવાનું કામ કરે છે.
કાચબો શું સૂચવે છે?
કાચબાને પણ ફેંગશુઈમાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે અને એટલે જ ફેંગશુઈના જાણકારો ઘરમાં કાચબાની મૂર્તિ રખાવે છે પણ બહુ ઓછા લોકોને ખબર છે કે તમે એ મૂર્તિ જે દિશામાં રાખો એ દિશાને લક્ષમાં રાખીને એ મૂર્તિ લાભ આપે છે. જો તમે મૅન્યુફૅક્ચરિસ્ટ હો અને તમારું સેલ વધતું ન હોય તો વેસ્ટ-નૉર્થ કૉર્નરમાં રાખવામાં આવેલો કાચબો મક્કમ ગતિએ તમારા સેલને વધારવાનું કામ કરે છે તો શરીરમાં બહુ આળસ રહેતી હોય એવી વ્યક્તિએ પોતાના રૂમના ઈસ્ટ-સાઉથ કૉર્નરમાં કાચબાની મૂર્તિ રાખવી જોઈએ. પ્રગતિ ઇચ્છતા, ઘરમાં લક્ઝરી આવે એવું ઇચ્છતા લોકોએ કાચબાની મૂર્તિ નૉર્થમાં એટલે કે કાચબો સાઉથ દિશા તરફ જોતો હોય એ રીતે રાખવી જોઈએ.
કાચબાને ક્યારેય ખુલ્લામાં એમ જ મૂકવો નહીં, એને હંમેશાં પ્લેટમાં રાખવો અને કાચબાના પગનાં તળિયાં ભીનાં રહે એટલું પાણી પ્લેટમાં અચૂક રાખવું. કાચબો ધીમો પણ મક્કમ ગતિનો વિકાસ લાવે છે.
ઘોડો શું સૂચવે છે?
વાસ્તુશાસ્ત્રની સામાન્ય જાણકારી ધરાવતા લોકોને પણ ખબર છે કે નૉર્થ દિશામાં દોડતા સાત ઘોડાનું પોસ્ટર રાખવું હિતાવહ છે. કહેવાનો ભાવાર્થ એ કે ઘોડો પ્રગતિ લાવવાનું કામ કરે છે એ આપણે ત્યાં વર્ષોથી સૌ જાણે છે. ઘોડાના પોસ્ટરનો ઉપયોગ કરવામાં કશું ખોટું નથી, પણ જો એની સાથોસાથ ઘોડાની નક્કર મૂર્તિ ઘરમાં રાખવામાં આવે અને એને ઉત્તર દિશામાં મૂકવામાં આવે તો એ વધારે લાભદાયી પુરવાર થાય છે. ઘોડાની મૂર્તિમાં પણ બે પ્રકાર હોય છે. ચાર પગ જમીન પર રાખીને ઊભેલો ઘોડો અને ઝડપથી દોડતો હોય એવી મુદ્રાની મૂર્તિ. દોડતા ઘોડાની મૂર્તિ.
ઘોડો ઝડપી વિકાસની સાથોસાથ એ વિકાસ દરમ્યાન થનારા સંપર્કોમાં આંધળો વિશ્વાસ મૂકી શકાય એવા સંબંધો આપવાનું કામ કરે છે.
આર્થિક રીતે મદદ કરે એવાં આ ચાર ઍનિમલ પછીના ક્રમે જો કોઈ આવતું હોય તો એ ગાય અને ડૉગી છે. પણ ગાય અને ડૉગી સીધો જ આર્થિક લાભ આપવાને બદલે સર્વાંગી વિકાસ આપવાનું કામ કરે છે.
ડૉગી શું સૂચવે છે?
આપણે જાણીએ છીએ કે ડૉગી પ્રામાણિકતા અને વફાદારીનું પ્રતીક છે. ડૉગી કે ડૉગીની મૂર્તિ, ફોટો કે પોસ્ટરથી ઘરમાં પારિવારિક સંબંધોમાં પ્રામાણિકતાનું પ્રમાણ ઉચ્ચ સ્તરનું રહે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ જે ઘરમાં ડૉગી હોય છે એ કપલમાં એક્સ્ટ્રા-મૅરિટલ અફેર્સના કિસ્સાઓ ઓછા બનતા જોવા મળ્યા છે. ડૉગી ઘરમાં હોવાથી ઘરમાં હકારાત્મક ઊર્જાનું પ્રમાણ અકબંધ રહે છે એનું કારણ પણ છે.
જે ઘરમાં ડૉગી હોય છે એ ઘરની આસપાસ નકારાત્મક ઊર્જાની વાહક એવી કૅટ ફરકતી નથી.