રાહુ ગ્રહને સતેજ બનાવવામાં ચંદન ને નીલગિરિ ઉપયોગી છે

26 April, 2026 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓછી મહેનતે જો તોતિંગ કમાણી કરવી હોય, ઝડપેલી દરેક તક સુવર્ણમય બની રહે એવું ઇચ્છતા હો તો રાહુને પ્રસન્ન રાખવો જોઈએ. એના માટે ખુશ્બૂનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે રાહુ ખુશ્બૂથી બહુ ઝડપથી પ્રસન્ન થાય છે

રાહુ ગ્રહને સતેજ બનાવવામાં ચંદન ને નીલગિરિ ઉપયોગી છે

જો રાતોરાત પૈસાવાળા બનવું હોય, જો ઓછી મહેનતે તોતિંગ કમાણી કરવી હોય તો તમારા પર રાહુ ગ્રહના બારેય હાથ રહેવા જોઈએ અને એના માટે રાહુને પ્રસન્ન રાખવાના તમામ રસ્તાઓ ઉપયોગમાં લેવા જોઈએ. અગાઉ કહ્યું છે એ જ વાત આજે ફરીથી કહીશ કે રાહુ ગ્રહ લૉટરી જેવો છે.

જો રાહુ એક વખત પ્રસન્ન થયો તો દરેકેદરેક જગ્યાએ તમારો બેડો પાર કરાવી શકે છે. રાહુને પ્રસન્ન કરવાનું કામ બહુ સરળ છે. બહુ નાની-નાની વાતોથી રાહુ પ્રસન્ન થાય છે. રાહુને પ્રસન્ન કરવાના બે સરળ અને સીધા ઉપાયો પૈકીનો એક ઉપાય છે એની પસંદગીની ખુશ્બૂ, જેની આજે આપણે વાત કરવાની છે અને બીજો રસ્તો છે રાહુને પસંદ હોય એવા લોકોને ખુશ રાખવા. રાહુને આર્થિક અને સામાજિક સ્તર પર નીચેની સપાટી પર હોય એવા લોકો બહુ પ્રિય છે તો એવા લોકો અત્યંત પ્રિય છે જે પોતાને પ્રિય એવા આ વર્ગના લોકોને ખુશ રાખે છે.

રાહુને ખુશ કરવાના અનેક રસ્તા છે, પણ એ તમામ રસ્તામાંથી સૌથી સરળ રસ્તો જો કોઈ હોય તો એ છે ખુશ્બૂ. રાહુને પાપ ગ્રહ ગણવામાં આવતો હોવાથી બહુ ઓછા લોકો રાહુને સતેજ કરવાનો પ્રયાસ કરે છે, પણ જો રાહુમાં તેજ આવ્યું તો રાહુ વ્યક્તિને આસમાન પર બિરાજમાન કરી દેખાડે છે.

રાહુ અને ચંદન

ચંદનની ખુશ્બૂ રાહુની ફેવરિટ ખુશ્બૂ છે. જો રોજ સવારે ચંદન-મિશ્ચિત પાણીથી સ્નાન કરવામાં આવે તો રાહુમાં જાગૃતિ વધે છે. વાત અહીં જ પૂરી નથી થતી. ઘરની બહાર નીકળ્યા પછી ચંદનનું તિલક કરવામાં આવે તો રાહુ દિવસ દરમ્યાન પ્રભાવિત રહે છે અને એના એ પ્રભાવ વચ્ચે આર્થિક લાભ થવાની સંભાવના વધી જાય છે. તમે યાદ કરો કે ભારતમાં એક પરંપરા હતી કે સ્નાન પછી મસ્તક પર ચંદનનો લેપ લગાવવામાં આવતો. એ જે પરંપરા હતી એની પાછળ મસ્તક પર શાંતિ રહે એવો ભાવ જ નહોતો, પણ દિવસ દરમ્યાન રાહુ પણ પ્રસન્ન રહે અને ઓછી મહેનતે વધારે કમાણી થઈ શકે એ ગણતરી પણ હતી. અફકોર્સ, વધારે કમાણી કરીને કોઈને મોજશોખ નહોતા કરવા, પણ વધુ કમાણીથી મહત્તમ સમય પ્રભુનામમાં પસાર થાય એવો ભાવ હતો. જોકે કપાળ પર લગાડવામાં આવતી ચંદનની પેસ્ટ પાછળનો ભાવ તો રાહુને ખુશ કરવાનો હતો જ હતો. રાહુને પ્રસન્ન કરવા માટે જ નહીં, રાહુદોષ દૂર કરવા માટે પણ આ જ રસ્તાઓ વાપરવા જોઈએ.

સ્ટૉકમાર્કેટ, કૉમોડિટી માર્કેટ સાથે જોડાયેલા, ડર્બીમાં નિયમિત જતા કે પછી ભાવમાં મોટી ચડઊતર દેખાડતા હોય એવા પ્રોફેશન સાથે જોડાયેલા લોકોએ તો આ પ્રક્રિયાને પોતાની લાઇફસ્ટાઇલનો ભાગ બનાવી લેવો જોઈએ એવી પણ સલાહ આપીશ.

રાહુ અને નીલગિરિ

 ચંદન ઉપરાંત નીલગિરિની ખુશ્બૂ પણ રાહુને સક્ષમ બનાવે છે. જો કોઈ ડીલ માટે જવાનું હોય અને એ ડીલ ભાવની મોટી ચડઊતર દેખાડે એવી હોય તો ડીલ કરતાં પહેલાં નીલગિરિ લગાડવું જોઈએ. નીલગિરિની ખુશ્બૂ સ્પષ્ટતા આપવાનું કામ કરે છે અને સાથોસાથ અંતરાયો દૂર કરે છે. સ્વાસ્થ્ય માટે એ જેટલી લાભદાયી છે એટલી જ લાભદાયી એ વિચારોની બાબતમાં છે. નીલગિરિની ખુશ્બૂને કારણે પ્રજ્વલિત થયેલો રાહુ સમયસર વાત પૂરી કરવાની સૂઝ પણ આપે છે એટલે રાહુને પ્રસન્ન કરવા માટે નીલગિરિનો ઉપયોગ પણ કરતા રહેવું જોઈએ. એક સાદી સમજણ આપું. જો રાહુને ફેવરિટ છે એવી આ બન્ને ખુશ્બૂનો ઉપયોગ કરવો હોય તો દિવસ દરમ્યાન ચંદનની ખુશ્બૂની સાથે રહેવું અને રાતે સૂતી વખતે નાઇટ ડ્રેસ પર નીલગિરિનું ઑઇલ લગાવવું. એને લીધે ઊંઘ પણ સારી આવશે. એક વાત યાદ રાખજો કે રાહુ જેનો નકારાત્મક હોય તેને રાતે ઊંઘમાં તકલીફ પડતી હોય છે કે પછી નેગેટિવ સપનાં આવતાં હોય છે.

રાહુ અને લોબાન

 રાહુની નેગેટિવિટી દૂર કરવા માટે ઘરમાં નિયમિત લોબાનનો ધૂપ કરવો જોઈએ. લોબાનનો ધૂપ મુસ્લિમો જ કરી શકે એવી માન્યતા માટે કહેવાનું કે જરા પણ જરૂરી નથી કે એનો માત્ર મુસ્લિમો દ્વારા જ વપરાશ થઈ શકે.

લોબાન કોઈ પણ વ્યક્તિ વાપરી શકે. જરૂરી એ છે કે એનો વપરાશ કયા હેતુથી થઈ રહ્યો છે એની જાણકારી તેને હોવી જોઈએ. ધૂપની વાત ચાલે છે ત્યારે કહેવાનું કે ઘર કે ઑફિસમાં ચંદનનો ધૂપ કે પછી ચંદનની અગરબત્તીનો ઉપયોગ કરવો પણ હિતાવહ છે, જે ખુશ્બૂ રાહુને વધારે સકારાત્મક બનાવવાની બાબતમાં વધારે કારગત નીવડશે.

astrologer astrology columnists lifestyle news life and style hinduism