11 January, 2026 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાથે રહેતા હોય ત્યાં જ અસહમતી હોય અને અસહમતીની માત્રા વધે તો એ કલેશનું રૂપ પકડે છે. પારિવારિક કલેશ દૂર કરવા માટે શાસ્ત્રોમાં કેટલાક સરળ રસ્તાઓ દેખાડવામાં આવ્યા છે, જો એ રસ્તાઓનું ખંતપૂર્વક પાલન કરવામાં આવે તો ચોક્કસપણે એનું સકારાત્મક પરિણામ મળે છે અને પરિવારમાં સુખ-સંપનું વાતાવરણ જન્મે છે.
નકારાત્મકતા દૂર કરો
કલેશ હંમેશાં નકારાત્મકતા ઊભી કરે છે એટલે સૌથી પહેલું કામ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવાનું કરો. આખા મીઠાના પાણીનાં નિયમિત પોતાં કરવાનું શરૂ કરવું જોઈએ તો સાથોસાથ ઘરમાં કપૂર કે ગૂગળના ધૂપનું પણ ચલણ વધારવું જોઈએ. આ વિધિથી ઘરની જ નહીં પણ મનની નકારાત્મકતા પણ દૂર થશે અને અબોલા હોય એ વ્યક્તિને સામેથી બોલાવવા માટે મનમાં જે ખચકાટ રહેતો હોય છે એ ખચકાટ પણ દૂર થશે. બીજા નંબરે, ઘરના મુખ્ય દ્વાર પર પાણીના સરસ કાચના વાસણમાં પુષ્પો મૂકવાં જેથી ઘરમાં નકારાત્મકતા દાખલ થતી બંધ થાય.
સાંધો મીઠાશનું બંધન
જેની સાથે કલેશ થયો હોય કે જેની સાથે સુમેળ કરવાનો હોય તેની સાથે મીઠાશનું બંધન શરૂ કરો. સામેથી એ વ્યક્તિ કે પરિવારમાં મીઠાઈ મોકલો. મીઠાઈ મોકલવામાં પણ એ વાતનું ધ્યાન રાખવું કે શક્ય હોય તો વાઇટ કલરની મીઠાઈ મોકલવી. એ પણ ધ્યાન રાખવું કે આઇસક્રીમ જેવી વરાઇટી પણ સાથે બેસીને ખાઈ શકાય છે. મીઠાશની એક ખાસિયત છે, એ જેના પણ શરીરમાં ઊતરે છે એને મીઠી અને સારી વાતો કરતાં શીખવે છે.
મીઠાઈ મોકલવાનું આ કાર્ય નિયમિત રીતે થવું જોઈએ. હું તો ત્યાં સુધી કહીશ કે જો શક્ય હોય તો નજીકના સંબંધીઓને નિયમિત રીતે મહિને એકાદ વાર મીઠાઈ મોકલતા રહેવી જોઈએ.
સફેદ ચંદનનો ઉપયોગ
સફેદ ચંદનનું કામ મન શાંત રાખવાનું છે. જેની સાથે મનમેળાપ કરવાનો હોય તેની સામે જતાં પહેલાં સફેદ ચંદનનું તિલક કરવું. સફેદ ચંદનનું અત્તર પણ લગાડવું લાભદાયી છે. જો કંકાસ ઘરમાં જ હોય તો ઘરના ડ્રૉઇંગ રૂમ અને કિચન સહિત દરેકેદરેક રૂમમાં સફેદ ચંદનનો ટુકડો મૂકવો જોઈએ. સફેદ ચંદન મનને શાંતિ આપવાની સાથોસાથ પરિવારમાં એકતા લાવવાનું અને સંબંધોમાં સુવાસ ઉમેરવાનું કામ પણ કરે છે.
સફેદ ચંદનનો ઉપયોગ જો પરિવારના મહત્તમ લોકો કરશે તો એ પણ હિતાવહ રહે એ માટે પ્રયાસ કરવો કે સફેદ ચંદનનું અત્તર કે તિલક રોજેરોજ પરિવારના તમામ સભ્યો કરે. જો શુદ્ધતાની ખાતરી હોય તો નાના બાળકને પણ તિલક કરી શકાય છે. નાના બાળકને પગના તળિયે તિલક થઈ શકે.
અન્ન ભેગાં એનાં મન ભેગાં
કહેવત છે, જેનાં અન્ન ભેગાં એનાં મન ભેગાં. જેની સાથે કલેશ થયો હોય તેની સાથે પહેલી મુલાકાત શક્ય હોય તો જમવાના ટેબલ પર રાખવી. સાથે બહાર જમવા જવું કે પછી જમવાના કારણસહ મળવું. સાથે જમ્યા પછી પેટમાં જન્મેલી તૃપ્તિ અનેક બાબતમાં મનની કડવાશ દૂર કરવાનું કામ કરે છે. ઘરમાં પણ આ જ પ્રકારનું વાતાવરણ રાખવું જોઈએ. મુંબઈ જેવા શહેરમાં બન્ને સમય તો સાથે જમવા બેસી શકાય નહીં પણ દિવસમાં ઓછામાં ઓછા એક વાર સાથે બેસીને ભોજન લેવામાં આવે તો પારિવારિક સંપ અકબંધ રહે છે અને નાના-મોટાની એકમેક પ્રત્યે સંવેદના જળવાયેલી રહે છે.
મંદિરમાં નિયમિત સફાઈ
ઘરના મંદિરમાં જો સફાઈ કરવામાં આવતી હોય એ રાગદ્વેષ વધારવાનું કામ કરે છે માટે પ્રયાસ કરવો જોઈએ કે ઘરનું મંદિર નિયમિત રીતે સાફ થાય. મંદિરની સફાઈ પહેલાં સ્નાન કરવું આવશ્યક છે અને આ કામ જો ગૃહલક્ષ્મી કરે તો સૌથી ઉત્તમ છે. સફાઈ દરમ્યાન મંદિરમાંથી નીકળેલા કચરાને ક્યારેય બહાર, જાહેરમાં ફેંકવો નહીં.
મંદિરના કચરાને ફૂલ-છોડના કૂંડામાં પધરાવવો જોઈએ. મંદિરમાં નિયમિત રીતે દીવાબત્તી પણ થતાં રહેવાં જોઈએ. નિયમ બનાવવો જોઈએ કે મંદિરમાં દીવાબત્તી થાય એ સમયે ઘરના દરેક સભ્ય એમાં જોડાય. દીવાબત્તી કરનારી વ્યક્તિએ સ્નાન કર્યું હોય અને અન્યની સ્નાનાદિ પ્રક્રિયા બાકી હોય તો વાંધો નહીં, તે હાથ જોડીને તો મંદિરે દર્શન માટે ઊભા રહી જ શકે છે.