મુખ, આંખ અને કાન પર ચેકિંગ એટલે શરીર શાંત

02 February, 2023 06:17 PM IST  |  Mumbai | Morari Bapu

જીવનમાં પ્રામાણિકતા, પવિત્રતા ન હોય અને આખો દિવસ માળા ફેરવ્યા કરે તો એવું સ્મરણ ઈશ્વરનાં દર્શનનું બીજું કદમ બની શકતું નથી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પૃથ્વી, આકાશ, પવન, પાણી અને અગ્નિ નામનાં પાંચ તત્ત્વના બનેલા મનુષ્યમાં બીજાં પાંચ તત્ત્વનો મેળાપ થાય એટલે પવનપુત્રનો સાક્ષાત્કાર થયો ગણાય, એવું કહેવામાં અતિશયોક્તિ નથી. આ પાંચ તત્ત્વ પૈકીના સેવા તત્ત્વની વાત આપણે ગઈ કાલે કરી, હવે વાત કરવાની છે બીજા તત્ત્વ એવા સ્મરણની.

સ્મરણ એટલે માત્ર ઈશ્વરનું નામ લેવું એવો અર્થ ન કરશો. જે ગુણ જગતમાં સત્ય છે જેવા કે પ્રામાણિકતા, પવિત્રતા, આસ્થા, સભ્યતા વગેરે ભૂલી ન જવાય એ માટે એનું પણ સ્મરણ રહેવું જોઈએ. જીવનમાં પ્રામાણિકતા, પવિત્રતા ન હોય અને આખો દિવસ માળા ફેરવ્યા કરે તો એવું સ્મરણ ઈશ્વરનાં દર્શનનું બીજું કદમ બની શકતું નથી.

જીવનમાં સેવા હોય, પણ સ્મરણ ન હોય તો સેવા નિરર્થક છે. કોઈ આદમી ગરીબોની ખૂબ સેવા કરતો હોય, પરંતુ સેવામાં વપરાતું ધન ચોરીનું હોય તો અહીં સેવા છે, પણ પ્રામાણિકતાનું સ્મરણ નથી.

વાત કરીએ ત્રીજા તત્ત્વની, ત્રીજું તત્ત્વ છે સમજણ.

આ પણ વાંચો : પંચતત્ત્વમાં પાંચ તત્ત્વો ભળે તો પવનપુત્રનો સાક્ષાત્કાર થાય

જ્ઞાન શબ્દ થોડો વજનદાર લાગે એટલે મેં જ્ઞાનને બદલે સમજણ જેવો હળવો શબ્દ આપ્યો. હવે સવાલ એ છે કે સમજણ એટલે શું? સમજણ શબ્દની સમજણ માટે એક ઉદાહરણ આપું છું. વર્ષો પહેલાં અમદાવાદમાં તોફાન થયું. એ સમયના પોલીસ અધિકારીએ કુનેહ વાપરીને તરત તોફાનને શાંત કર્યું. બીજા દિવસે અન્ય રાજ્યના પોલીસવડાનો ફોન આવ્યો કે તમે આટલું જલદી અને સફળતાપૂર્વક તોફાનને શાંત કરવા માટે શું કર્યું એટલે આપણા પોલીસવડાએ કહ્યું કે શહેરના ત્રણ મુખ્ય દરવાજા છે. એ ત્રણે દરવાજા પર સઘન પોલીસ-બંદોબસ્ત ગોઠવી દીધો. ત્યાંથી આવતી-જતી દરેક વ્યક્તિ યોગ્ય છે કે નહીં એની પાકી તપાસ કરવામાં આવી અને યોગ્ય લાગે તેને જ પ્રવેશ કે નિકાસ મળશે એવો નિયમ કર્યો એટલે તોફાન તરત જ શાંત થઈ ગયું.

શરીરરૂપી અમદાવાદના મુખ, આંખ અને કાન ત્રણ મુખ્ય દરવાજા છે. આ ત્રણ દરવાજા પર કડક ચેકિંગ ગોઠવવાથી આખું શરીર શાંત થઈ જશે. ગાંધીજીના ત્રણ વાંદરા પણ આ ત્રણ દરવાજા તરફ જ સંકેત કરે છે. પહેલો વાનર કહે છે કે હું અસત્ય બોલીશ નહીં, બીજો વાનર કહે છે કે હું અસત્ય જોઈશ નહીં અને ત્રીજો વાનર કહે છે કે હું અસત્ય સાંભળીશ નહીં. આ ત્રણ વાંદરા સામે મેં તો ચોથા વાંદરાની જરૂરિયાત પણ એક કથામાં કહી હતી, એ ચોથા વાનરની વાત હવે કરીશું આપણે આવતા અઠવાડિયે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology Morari Bapu life and style