હું મારું આત્મકલ્યાણ કરું, મારી જવાબદારી તમારી

19 September, 2021 08:29 AM IST  |  Mumbai | Swami Sachidanand

હિન્દુ ધર્મે કદી ધાર્મિક સંગઠનશક્તિ ઊભી કરી જ નથી. વર્ણવ્યવસ્થાથી અસંખ્ય ભેદોમાં વહેંચાયેલી પ્રજા છે એટલે પણ સંગઠનશક્તિનો અભાવ રહી ગયો છે તો બીજી તરફ તેની ફિલસૂફીની દૃષ્ટિ નિવૃત્તિમાર્ગ છે. 

મિડ-ડે લોગો

ધર્મથી પ્રજા વ્યવસ્થિત રહે એવું માનનારો પણ એક વર્ગ છે, તો એક વર્ગ એવું પણ માને છે કે ધર્મથી રાજકીય લાભ થઈ શકે છે. આવું માનવાનું પણ ચોક્કસ કારણ છે. લાગણીભર્યું ચુસ્ત સંગઠન ધર્મ દ્વારા જ ઊભું કરી શકાય છે. આવું સંગઠન એક પ્રચંડ શક્તિ બને અને આવી શક્તિ દુર્બળ શક્તિનો નાશ કરીને કે દબાવીને પોતાનું રાજકીય વર્ચસ્વ સ્થાપિત કરી શકે છે. કહેવાનો ભાવાર્થ એ કે ધર્મથી મોક્ષ મળે કે ન મળે, બીજા કોઈ લાભ થાય કે ન થાય, પણ રાજકીય લાભ તો મેળવી શકાય છે અને અચૂક એનાથી પ્રાપ્તિ થાય છે. એ સ્વાર્થની પ્રાપ્તિ છે અને સ્વાર્થની આ પ્રાપ્તિ પ્રત્યક્ષ લાભ છે, આવું પણ એ વર્ગ માને છે અને હકીકત એ પણ છે કે આવું માનનારો વર્ગ કે પછી આવું ધારનારો વર્ગ ખોટો નથી.
ભારતના ધર્મો, ખાસ કરીને હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મોમાં આવતા પેટાધર્મો, જૈન, બૌદ્ધ અને અન્યમાં રાજકીય મહત્ત્વાકાંક્ષાને પ્રોત્સાહન નથી આપવામાં આવતું. આ ધર્મની માનસિકતા જુદી છે. તેઓ આત્મવાદી છે, મોક્ષવાદી છે. એટલે હિન્દુ ધર્મે કદી ધાર્મિક સંગઠનશક્તિ ઊભી કરી જ નથી. વર્ણવ્યવસ્થાથી અસંખ્ય ભેદોમાં વહેંચાયેલી પ્રજા છે એટલે પણ સંગઠનશક્તિનો અભાવ રહી ગયો છે તો બીજી તરફ તેની ફિલસૂફીની દૃષ્ટિ નિવૃત્તિમાર્ગ છે. 
હિમાલયની ગુફા, એકાંત રૂમ, હું, મારો આત્મા અને મારો મોક્ષ અને આ બધા માટે અનાજ-વસ્ત્ર જેવી મારી જે જીવનજરૂરી આવશ્યકતાઓ છે એ બધી તમારે પૂરી કરવાની. આવું તે કેવી રીતે બની શકે, પણ બને છે અને લોકો એમાં પણ પુણ્ય ગણીને દોડે છે. દોડે ત્યારે પેલા લોકો શું કહે, સંસાર તો કૂતરાની પૂંછડી છે, કોણ એને સીધી કરી શક્યું છે? જવા દોને એ માથાકૂટ. 
આ અને આવી દૃષ્ટિને કારણે આ ધર્મો દ્વારા સંગઠનશક્તિ મેળવી નથી શકાઈ અને રાજકીય લાભ લેવાની બાબતમાં પણ પાછા પડ્યા છે. એ જેટલી સરળતાથી સાધુ-સંતો-ભક્તો તથા કથાવાચકો ઉત્પન્ન કરી શકે છે એટલી સરળતાથી સૈનિક, સેનાપતિ, બાહોશ નેતા અને વૈજ્ઞાનિકો ઉત્પન્ન નથી કરી શકતી, કારણ કે પ્રજા પર નિવૃત્તિ-પરાયણ વિચારકોની ભારે અસર છે. 
કથાવાચકો અને પ્રવચનકારો અને વ્યાખ્યાનકારો પ્રજાને ઠંડા પાડ્યા કરવાનું કામ કરે છે. પ્રજા પણ ઠંડો માર્ગ, જેમાં આવનારા અવતાર માટે બધું કામ છોડી દેવાનું હોય કે પછી સંસાર માત્ર તમાશો છે એવું સમજીને દ્રષ્ટા થઈ જવાનું વધુ પસંદ કરે છે. વર્ણધર્મથી થયેલી સમાજવ્યવસ્થા પ્રજાને છિન્નભિન્ન કરે છે, તો ફિલસૂફી, અકર્મણ્ય અને સાહસહીન બનાવે છે. આને કારણે તે સતત ગુલામ રહી તથા આજે પણ ૧૦ ટકા લઘુમતી જેટલી રાજકીય પ્રભાવશક્તિ ઊભી નથી કરી શકતી. 

astrology