લાગણી વાસી થાય તો માનવું કે એ પ્રેમ નહીં, પણ ભ્રાંતિ હતી

21 October, 2021 09:40 AM IST  |  Mumbai | Morari Bapu

જેનું વર્ણન ન કરી શકો, જેનો માત્ર અનુભવ કરી શકાય. બસ, ઈશ્વરની અનુભૂતિ કરો. આનંદસાગરમાં લીન થયેલો ભાવક કશું બોલી નહીં શકે. એ તો આંખોમાંથી નિરંતર અશ્રુ વહાવતો રહેશે.

પ્રતીકાત્મક તસવીર

નારદજીએ સૂચવેલાં એ લક્ષણોમાંથી જે એક લક્ષણની વાત હજી બાકી છે એ લક્ષણ છે અનુભવરૂપમ. જેનું વર્ણન ન કરી શકો, જેનો માત્ર અનુભવ કરી શકાય. બસ, ઈશ્વરની અનુભૂતિ કરો. આનંદસાગરમાં લીન થયેલો ભાવક કશું બોલી નહીં શકે. એ તો આંખોમાંથી નિરંતર અશ્રુ વહાવતો રહેશે.
ભૂલતા નહીં, પ્રેમ તો મહાદેવતા છે એટલા માટે તમે પહેલાં થોડો પ્રેમ કરો અને પછી મેળવો તો વધારે આનંદ થશે. આ આનંદ તમને ત્યારે જ સમજાય જ્યારે તમે પ્રેમની પ્રકૃતિ સમજી શકો.
દરેકનો એક સ્વભાવ હોય. 
ફલાણો માણસ ક્રોધી છે, ફલાણો બહુ મીઠું બોલે છે. પેલી વ્યક્તિ બહુ માયાળુ છે અને પેલી બહુ ક્રૂર! કેમ ભલા? આવું આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ? અલબત્ત, સ્વભાવથી, પ્રકૃતિથી. એ જ રીતે પ્રેમની 
પણ આગવી પ્રકૃતિ છે. જેમ કે એમાં રૂક્ષતા નથી આવતી.
પ્રેમમાં ખાલીપણું કે સૂકાપણું નથી આવતું. બ્રહ્મસુખમાં ઉપર-ઉપરથી એમ લાગે છે કે મળી ગયું. માનસ શાંત હોય, પરંતુ ‘સુખ’ શબ્દ છે તો ક્યાંક રસ તો મળતો જ હોય. પરંતુ એ આંતરિક છે. કોઈ-કોઈ વાર એમ કરવું પડે છે.
પ્રેમની પ્રકૃતિ છે કે એ પૂર્ણપ્રેમમાં વક્રતા અકબંધ રાખે છે.
ચંદ્ર પૂર્ણ થયા પછી એમાં વક્રતા નથી જોવા મળતી, પરંતુ પ્રેમચંદ્ર પૂર્ણ થયા પછી પણ એ વક્રતાનો સ્વભાવ જાળવી રાખે છે. જ્યારે પ્રેમસંબંધ થશે અને બ્રહ્મસંબંધ થશે ત્યારે દુનિયા અડપલાં નહીં કરે. ત્યાં તારું અને મારું ‘ડિસ્ટર્બ’ કરે એ ન ચાલી શકે. પ્રેમમાં અડપલાં થાય છે, કારણ કે અંતે પૂર્ણ હોવા છતાં એ વક્ર છે. કનૈયો પૂર્ણ છે છતાં બંકિમ છે એટલે સુંદર લાગે છે. પ્રેમમાં વક્રતા હોય જ છે, છેડછાડ ચાલતી જ રહે છે.
પ્રેમની પ્રકૃતિ છે, એ ક્યારેય વાસી ન થાય.
ફરીદે કહ્યું છેને કે ભગવાનનું મિલન ત્યારે જ થાય જ્યારે તમારો પ્રેમ તાજો હોય. અહીં તાજા હોવાનો અર્થ એ છે કે તમારા પ્રેમમાં મહત્ત્વાકાંક્ષા ન હોવી જોઈએ. તમારા પ્રેમમાં કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. પ્રેમમાં ક્યારેય જૂનાપણું ન હોય. એમ જ કોઈ કહી શકે કે પ્રેમ જૂનો થઈ ગયો. માનવસ્વભાવ છે કે જે વાસી થઈ જાય એનો ત્યાગ કરી દે છે. જેને તમે હાથ ઝાલીને લાવ્યા હતા એ પત્નીનું સુખ પણ જ્યારે તમને વાસી લાગવા માંડે છે ત્યારે તમે તેનો તિરસ્કાર કરો છો. પ્રેમ ક્યારેય વાસી ન થાય. તે નિત્ય નવીન રહે છે. જો કોઈ પર પ્રેમ હોય અને અને જો એ વાસી થાય તો માનવું એ પ્રેમ નહોતો, ભ્રાંતિ હતી. 

astrology columnists