બૌદ્ધકાળમાં ચિંતન માટે સંસ્કૃતને બદલે લોકભાષાને સ્થાન મળ્યું

11 April, 2022 06:16 PM IST  |  Mumbai | Swami Satchidananda

ચિંતનથી માંડીને વિચારોના પ્રસારણ સુધી માત્ર એક જ વર્ણ પૂરેપૂરો ભાગ ભજવતો હોય તો એનું શું પરિણામ આવે એ સહજ રીતે કલ્પી શકાય છે. 

પ્રતીકાત્મક તસવીર

બ્રાહ્મણેતર વર્ણોનો સંસ્કૃત ભાષા પર ખાસ અધિકાર નહોતો એટલે ધર્મમાન્ય, રાજમાન્ય અને લગભગ સમાજમાન્ય ભાષાથી વંચિત રહેલો વર્ગ પોતાના ચિંતનને રજૂ ન કરી શક્યો અથવા પ્રસરાવી ન શક્યો એનું પણ એક કારણ છે. એ સમયે ચિંતન પ્રસરાવવાનું એકમાત્ર ક્ષેત્ર વ્યાસપીઠ હતું, જે સંપૂર્ણત: પ્રથમ વર્ણના હાથમાં હતું. પ્રથમ વર્ણ પ્રજા માટે ચિંતન કરતો, પુસ્તકો રચતો અને રચેલાં પુસ્તકોને ઋષિમુનિઓના પ્રભાવી રંગમાં રંગીને વ્યાસપીઠ પર બેસીને વ્યાખ્યાન કરતો. ચિંતનથી માંડીને વિચારોના પ્રસારણ સુધી માત્ર એક જ વર્ણ પૂરેપૂરો ભાગ ભજવતો હોય તો એનું શું પરિણામ આવે એ સહજ રીતે કલ્પી શકાય છે. 
એક પ્રકારથી આ બુદ્ધિમાનોનું સ્વહિતલક્ષી યુનિયન થઈ ગયું, જે સાથે મળીને એકસરખી વ્યાખ્યા કરીને ઇતર પ્રજા પાસેથી સતત ધાર્મિક લાભ તથા મહત્તા મેળવતું રહ્યું. ચિંતનની આ એકવર્ણીય એકાધિકારિતામાં ભગવાન બુદ્ધે બહુ મોટું ગાબડું પાડ્યું અને તેમણે ઇતર વર્ણને પણ ચિંતક બનાવ્યા, એટલું જ નહીં, ચિંતન માટેની દેવભાષાની જગ્યાએ લોકભાષા, માતૃભાષાને સ્થાન આપ્યું. બૌદ્ધકાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પણ ચિંતકો થઈ શક્યા છે. ભાષા પ્રજાજીવન પર બહુ મોટો પ્રભાવ ધરાવનારું તત્ત્વ છે. તમે ગમે એટલા વિચારક હો પણ જો તમને અંગ્રેજી ન આવડતું હોય તો તમે વિકાસના સર્વોચ્ચ શિખર સુધી પહોંચી જ ન શકો. આજે પણ ભારતમાં એવા ભારતીયો છે જેઓ પોતાનાં પ્રવચનો માત્ર અંગ્રેજીમાં જ કરે છે. નવાઈ તો એ છે કે અંગ્રેજીનું અલ્પ જ્ઞાન ધરાવતા પણ અંગ્રેજીની શ્રેષ્ઠતાના મોહમાં મોહિત રહેતા અસંખ્ય શ્રોતાઓ તેમના ભાષણને સાંભળવા ઊમટી પડે છે. આ જ પ્રવચન જો લોકભાષામાં કરવામાં આવે તો વક્તા પોતાની વાતને સારી રીતે રજૂ કરી શકે તથા શ્રોતાઓ સારી રીતે ગ્રહણ કરી શકે, પણ તો વક્તાનું ગૌરવ તથા શ્રોતાઓનું પણ ગૌરવ ઘટી જાય. 
આડંબરી સમાજ અથવા લઘુતાગ્રંથિથી પીડાતો સમાજ ચિંતનને મહત્ત્વ આપવાની જગ્યાએ એના માધ્યમને એટલે કે ભાષાને તથા ચિંતકને જન્મજાત ધાર્મિક શ્રેષ્ઠતાને મહત્ત્વ આપતો હોય છે. આને કારણે આપણે ત્યાં સામાન્ય ચિંતકોએ ચિંતનને એક તો સંસ્કૃત ભાષામાં નિબદ્ધ કર્યું અને બીજું તેમણે પ્રસિદ્ધ ઋષિઓના નામે નિબદ્ધ કર્યું. મારું બોલેલું કોણ માનવાનું હતું? આ લઘુતાગ્રંથિએ પોતાનું બોલવું કોઈ અવતાર, ઋષિ-મુનિ કે આચાર્યના મુખમાં મૂકી દીધું. હવે મારી વાત મારી ન રહેતાં વસિષ્ઠની થઈ ગઈ, વ્યાસની થઈ ગઈ કે રામ અને કૃષ્ણની થઈ ગઈ.

astrology columnists swami sachchidananda