થરથર ધ્રૂજતાને જોઈને ઊંડો નિસાસો નાખવો એ દયા માત્ર છે

05 August, 2021 12:50 PM IST  |  Mumbai | Morari Bapu

સમાજમાં કોઈ વ્યક્તિ ભૂખી કે દુખી જોવા મળે એ પછી જે કરુણા વહે એ કારણમૂલક કરુણા છે.

મિડ-ડે લોગો

કરુણાના પ્રકાર છે. હા, એના પણ પ્રકાર છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે કરુણા ત્રણ પ્રકારની હોય છે; એક છે, સ્વાર્થમૂલક કરુણા. બીજી છે, હેતુમૂલક અથવા તો કારણમૂલક કરુણા અને ત્રીજી છે, હેતુરહિત અથવા તો મહાકરુણા. આપણે આ ત્રણેત્રણ કરુણાને જરા નજીકથી જોઈએ. પહેલી છે સ્વાર્થમૂલક કરુણા.
સ્વાર્થમૂલક કરુણાને સમજવા માટે દૃષ્ટાંત આપવું હોય તો એક માતાની પોતાના પુત્ર પ્રત્યેની કરુણા સ્વાર્થમૂલક કરુણા છે, કારણ કે માતા પોતાનાં સંતાનોને અમૂલ્ય મમતા આપે છે, પણ તે માત્ર પોતાના સંતાનને જ આપે તો તે પોતાના સંતાનની માતા બનીને રહી જાય છે. માતા સંતાનનું ભલું ચાહે છે, પણ તે પોતાના સંતાનનું ભલું ચાહે છે એ સ્વાર્થમૂલક કરુણા છે. કોઈ માતા જગતનાં તમામ સંતાનોને પોતાનાં માનીને બધાં બાળકો પર એકસરખું હેત રાખે તો એ કરુણા સ્વાર્થમૂલક કરુણા મટીને મહાકરુણાની નજીક પહોંચી શકે છે, પણ જો બધાં બાળકો પ્રત્યે એકસરખું હેત રાખે તો.
બીજી કરુણા છે હેતુમૂલક અથવા તો કારણમૂલક કરુણા. સમાજમાં કોઈ વ્યક્તિ ભૂખી કે દુખી જોવા મળે એ પછી જે કરુણા વહે એ કારણમૂલક કરુણા છે. જે-તે વ્યક્તિને આ સ્થિતિમાં જોઈ ન હોત તો કરુણા વહેવાની નહોતી. એનો અર્થ એ થયો કે કરુણા પ્રાગટ્ય માટે કોઈ હેતુ અથવા કારણ હોવું ફરજિયાત છે. યાદ રાખજો કે સાચી કરુણા એ છે જે કારણની ઓશિયાળી નથી. સાચી કરુણા ક્યારેય માર્ગદર્શન માગતી નથી કે સાચી કરુણાને કોઈ ઘટનાના આધારની જરૂર પડતી નથી. એ તો સતત વહ્યા કરે છે.
આગળ જોયું એમ, દયા અને કરુણા વચ્ચે પાતળી ભેદરેખા છે. શિયાળાની કડકડતી ઠંડીમાં પોતાની ઍરકન્ડિશન્ડ કારમાં જતો અમીર માણસ ફુટપાથ પર થરથર ધ્રૂજતા કોઈ ગરીબને જોઈ જાય અને બોલી પડે, અરેરે, બિચારો કેવો થરથર ધ્રૂજે છે!
આ દયા છે, પરંતુ ઠંડીમાં ધ્રૂજતા કંગાળને જોઈને ગાડીને બ્રેક લાગી જાય અને પોતાની શાલ કે કોટ પેલા ગરીબના શરીર પર ઓઢાડી દેવામાં આવે ત્યારે એ કરુણા બની જાય છે. જે રીતે બુદ્ધિને પ્રમોશન મળવાથી પ્રજ્ઞા બને છે એમ દયા જ્યારે સક્રિય બને ત્યારે કરુણા બને છે.
ત્રીજી કરુણા એ મહાકરુણા છે, જે હેતુરહિત કરુણા છે. આ કરુણામાં કોઈ સ્વાર્થ હોતો નથી અને આ કરુણાના પ્રગટીકરણ માટે કોઈ કારણ પણ હોતું નથી અને આવી દિવ્ય કરુણા ઈશ્વર પાસેથી પ્રાપ્ત થાય છે.

astrology columnists morari bapu