કાયમ પાણી ઉકાળીને પીઓ એ યોગ્ય નથી

29 November, 2022 05:40 PM IST  |  Mumbai | Swami Satchidananda

જ્યારે કોઈ સંક્રામક રોગ ફાટી નીકળ્યો હોય અને પાણી દૂષિત થયું હોય એવા સમયે ઉકાળીને પીધેલું પાણી લાભદાયી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

જેમ શરીરમાં રોગ તથા આરોગ્યના જંતુઓ છે એવી જ રીતે જળ અને પૃથ્વીમાં પણ એવા જંતુઓ રહે જ છે. પહેલાં આપણે વાત કરીએ જળની.

એવું કહેવાય છે કે જળના એક ટીપામાં ૩૫,૦૦૦ સૂક્ષ્મ જંતુઓ રહે છે. પાંત્રીસ હજારનો આંકડો નક્કી કરવો તો કઠિન છે, પણ જળમાં અસંખ્ય જીવાણુઓ રહે છે એ તો હકીકત છે. પૂર્વે કહ્યું એમ, એ જીવાણુઓમાંથી અમુક લાભદાયી તો અમુક હાનિકારક એમ બન્ને પ્રકારના હોય છે. હાનિકારક જીવાણુઓથી રહિત જળને શુદ્ધ જળ કહેવાય. જો એમાં હાનિકારક રસાયણો વગેરે ન ભળ્યાં હોય તો આવું શુદ્ધ જળ પર્વતીય નાળાં, વહેતી નદીઓ, કૂવાઓ અને ટ્યુબવેલ એટલે કે નળકૂપમાંથી મળી શકે છે. નદીઓમાં ગટરો તથા કારખાનાનું દૂષિત જળ મળતું હોવાથી હવે સૌથી વધુ દૂષિત નદીઓ થઈ છે. મળ-મૂત્રાદિને કારણે એમાં દૂષિત જીવાણુઓ પણ અસંખ્ય રહે છે એટલે નદીઓનું જળ પીવું એ રોગને આમંત્રણ જેવું છે. કેટલાય પર્યાવરણવાદીઓ સમજ્યા વિના સરદાર સરોવર બંધનો વિરોધ કરતા, પણ આ અત્યંત દૂષિત નદીઓમાં આવતાં દૂષણો પ્રત્યે આંખ આડા કાન કરે એ ખરેખર ચિંતાનો વિષય હતો.

જળમાં વસતા અસંખ્ય જીવાણુઓથી બચવા માટે કેટલાક લોકો પાણીને ઉકાળીને પછી પીએ છે. આ થોડા સમય માટે સારી વસ્તુ છે, પણ કાયમ માટે નહીં. જ્યારે કોઈ સંક્રામક રોગ ફાટી નીકળ્યો હોય અને પાણી દૂષિત થયું હોય એવા સમયે ઉકાળીને પીધેલું પાણી લાભદાયી છે જ છે, પણ કાયમ માટે આ પદ્ધતિ સારી નથી, કેમ કે બહુ જીવાણુઓની સાથે લાભકારક અને જરૂરી એવા જીવાણુઓ પણ નષ્ટ થઈ જતા હોય છે, સતત ઉકાળેલું પાણી પીનારા માણસોનો ચહેરો તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે. ફિક્કી ચામડી અને ફિક્કા ચહેરા એની નિશાની છે. 
હવે અત્યારે વિજ્ઞાનનો ખૂબ વિકાસ થયો છે અને ફિલ્ટર પ્લાન્ટ જેવા જળને શુદ્ધ કરનારાં સાધનો વિકસ્યાં છે ત્યારે સામર્થ્ય હોય તેણે આવાં સાધનો વસાવી યથાસંભવ જળને શુદ્ધ કરવું જોઈએ. આપણે જેટલી દૂષિત હવા તથા દૂષિત જળ લઈએ છીએ એટલું વિશ્વની ભાગ્યે જ બીજી કોઈ પ્રજા લેતી હશે. એવું કહેવાય છે કે ભારતમાં ૮૦ ટકા રોગ દૂષિત પાણી તથા દૂષિત દૂધને કારણે થાય છે. જીવાણુઓના સામ્રાજ્યમાં આપણે જીવી રહ્યા છીએ. સૌથી નસીબદાર એ છે જેને ચોખ્ખી હવા તથા ચોખ્ખું પાણી મળે છે.

columnists life and style astrology swami sachchidananda