સંપત્તિ મળ્યા પછી સજ્જનતા ટકાવવી ખૂબ જ અઘરી

30 November, 2022 05:15 PM IST  |  Mumbai | Morari Bapu

માણસ પર આફત આવે છતાં પોતાનો ધર્મ ન ભૂલે અને માણસાઈ છોડે નહીં એવાં ઉદાહરણો પુષ્કળ છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આપણે વાત કરીએ છીએ ભક્તોનાં લક્ષણોની અને એમાં વાત કરવાની છે આજે બીજા લક્ષણની.

જે બીજાના દુખે દુખી અને બીજાના સુખે સુખી થાય એ સાચો ભક્ત.

એક વાત યાદ રાખજો કે બીજાના દુખે દુખી થવું સહેલું છે, સરળ છે, આસાન છે, પણ બીજાના સુખે સુખી થવું ખૂબ અઘરું છે. કહો કે દુખદાયી છે અને એટલે જ દુખની કસોટીમાં પાસ થનારાની સંખ્યા ઘણી મોટી છે, પણ સુખની કસોટીમાં પાસ થનારા ખૂબ ઓછા છે. માણસ પર આફત આવે છતાં પોતાનો ધર્મ ન ભૂલે અને માણસાઈ છોડે નહીં એવાં ઉદાહરણો પુષ્કળ છે, પણ જેના પર ખૂબ સુખ વરસે ત્યારે સુખની એ વર્ષા વચ્ચે પણ પોતાનો ધર્મ ન છોડે, પોતાની માનવતાનો ત્યાગ ન કરે એવા માણસો ઓછા છે, કારણ કે સંપત્તિ મળ્યા પછી પણ સજ્જનતા ટકાવી રાખવી ખૂબ દુર્લભ છે. કારણ બહુ સરળ છે. પદ, પૈસો અને પ્રતિષ્ઠા માણસને સજ્જનમાંથી શેતાન બનાવવાનું સામર્થ્ય ધરાવે છે. 

એક પુરુષ પર રાજા પ્રસન્ન થયો, તો તેણે મુગટથી લઈને મોજડી સુધીનો પૂરો પોશાક પેલા માણસને ભેટ આપી દીધો. 

રાજાનો પોશાક લઈને પેલો માણસ તો ઘેર પહોંચ્યો. જેવો તે ઘરમાં દાખલ થયો કે તરત પત્ની બોલી કે આ પોશાક તમે પહેરી શકશો નહીં અને પહેરશો તો પણ કોઈ તમને રાજા કહેશે નહીં માટે જાઓ, જઈને રાજાને કહો કે ૧૦૦૦ રૂપિયા રોકડા ઇનામમાં આપે. 

રાજા ખૂબ દયાળુ, માયાળુ હતો એટલે તેણે પોશાકના બદલામાં પેલા માણસે માગ્યા હતા એ ૧૦૦૦ રૂપિયા આપવાને બદલે ૧૦,૦૦૦નું ઇનામ આપ્યું અને પોતાનો પોશાક પણ પાછો લીધો નહીં. એ પણ તેણે ભેટમાં જ રહેવા દીધો.

અપેક્ષા કરતાં ઘણા વધારે રૂપિયા ઇનામમાં મળ્યા એટલે રાજી થતો પેલો પુરુષ તો ઘરે આવ્યો. હવે તો ઘરે પત્ની પણ ખુશ થઈ ગઈ. બન્ને પતિ-પત્નીએ નાતજમણનું નક્કી કર્યું અને સમગ્ર જ્ઞાતિને ભોજન માટે આમંત્રિત કરી. સર્વ જ્ઞાતિજનો ભોજન કરતા હતા ત્યારે પેલો પુરુષ રાજાના પોશાકમાં તૈયાર થઈને ચપટી વગાડતો બધાની વચ્ચેથી પસાર થયો. જ્ઞાતિના વડીલોએ આ જોયું, તેમને થોડું શરમજનક લાગ્યું. એક ડાહ્યા માણસે રાજાનાં કપડાં પહેરીને આવેલા પેલા માણસને કહ્યું કે ભાઈ, જ્ઞાતિ એ તો ગંગા કહેવાય. એને પગે લાગવાનું હોય, પણ તું તો ચપટી વગાડતો તેની સામેથી પસાર થાય છે. કેમ?

પેલાએ જે જવાબ આપ્યો એ જાણવા જેવો છે.

‘મુગટથી લઈને મોજડી સુધી કશું જ મારું નથી. આ નાતજમણના રૂપિયા પણ મારા નથી. મારી માત્ર એક ચપટી છે જે વગાડીને આનંદ કરું છું.’

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology Morari Bapu