સપનું પૂરું કરવાના સૌથી સરળ રસ્તાઓ કયા છે?

14 September, 2025 05:04 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

જેના માટે અથાગ મહેનત કરતા હો, જેને પામવાની અખૂટ ઇચ્છા હોય એ સપનું પૂરું કરવાના કેટલાક રસ્તાઓ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવ્યા છે. જો એનો અમલ કરવામાં આવે તો ચોક્કસપણે રિઝલ્ટ મળે

યંત્ર

કેટલીક ઇચ્છાઓ એવી હોય જે સપનું બની ગઈ હોય. કોઈ પણ સપનું સાકાર કરવા માટે મહેનત અત્યંત મહત્ત્વની છે, પણ એની સાથોસાથ ગ્રહશાસ્ત્ર અને ગૃહશાસ્ત્ર પણ મહત્ત્વનાં પુરવાર થતાં હોય છે. વાટ હોય, ઘી હોય, સરસ મજાનો દીવો પણ હોય અને માચીસ ન હોય તો એ બધાનો કોઈ અર્થ નથી સરતો. આ જે માચીસ છે એ સપનું પૂરું કરવામાં વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર છે. 
આ શાસ્ત્રોમાં સપનાને ઈંધણ આપવાના અને એને પૂર્ણતા તરફ લઈ જવા માટે સરળ રસ્તાઓ દર્શાવ્યા છે જે જાણવા અને અમલમાં મૂકવા જેવા છે.

નૉર્થ-ઈસ્ટ અત્યંત શુદ્ધ

આ જે નૉર્થ-ઈસ્ટ દિશા છે એને શાસ્ત્રોમાં ઈશાન દિશા કહેવામાં આવે છે. ઈશાન દિશા ઈશ્વરીય ઊર્જાની દિશા છે. આ દિશામાં સહેજ પણ ગંદકી ન હોવી જોઈએ. જો ઈશાન શુદ્ધ હોય તો એ ઇચ્છાઓ અને સપનાંઓ સાકાર કરવામાં મદદરૂપ બને છે. ઈશાન દિશામાં ક્યારેય કચરો કે બિનજરૂરી સામાન ન રાખવો. ઈશાનમાં પડેલી ચીજવસ્તુઓને અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરવી. એક વીકથી વધારે સમય સુધી કોઈ વસ્તુને હાથ નથી લાગતો તો એમાં જડતા આવી જાય છે અને ઈશાનમાં આવેલી જડતા ઇચ્છાઓમાં વિઘ્ન લાવવાનું કામ કરે છે.

જો જોયેલું સપનું સાકાર કરવું હોય તો ઈશાન દિશા અવશ્યપણે ચોખ્ખી રાખો.

દ્વારમાં ક્યારેય અવરોધ નહીં

આ વાત બીજા વિષયમાં પણ કહી છે. આજે અહીં એનું થોડું પુનરાવર્તન છે.ઘરનું મુખ્ય દ્વાર ઊર્જાપ્રવેશનો માર્ગ છે. આ માર્ગને હંમેશાં મોકળાશ આપવી જોઈએ. એટલે મુખ્ય દ્વાર સહિતનાં તમામ દ્વાર ખોલવા-બંધ કરવામાં કોઈ જાતની નડતર ન હોય એ જોવું જોઈએ. સાથોસાથ મુખ્ય દ્વાર ખોલવા કે બંધ કરવામાં એને કંઈ નડે એવી રીતે વસ્તુઓ ન મૂકવી જોઈએ. જો મુખ્ય દ્વારને નડતર હોય તો એ સપનું પૂરું થવાના સમયને લંબાવી શકે છે તો સાથોસાથ સપનું પૂરું થવામાં વિઘ્નો પણ આપી શકે છે.

અગ્નિ દિશા છે મહત્ત્વની

સાઉથ-ઈસ્ટ જે ખૂણો છે એને શાસ્ત્રોમાં અગ્નિ દિશા તરીકે ઓળખવામાં આવે છે. વાત આગળ વધારતાં પહેલાં યાદ કરાવવાનું કે આગળ જે માચીસનું ઉદાહરણ આપ્યું એ માચીસનું કામ આ અગ્નિ ખૂણો કરે છે. આ અગ્નિ ખૂણાને રોજેરોજ પ્રજ્વલિત કરવો જોઈએ. એ માટે અગ્નિ ખૂણામાં જો રોજ દીવો પ્રકટાવવામાં આવે તો અતિ ઉત્તમ. ધારો કે એવી સગવડ ન હોય તો આ અગ્નિ ખૂણામાં રોજ લાઇટ કરવી જોઈએ. એવી લાઇટ જેનો હેતુ માત્ર અગ્નિ ખૂણાને પ્રજ્વલિત કરવાનો હોય.

કહેવાનો ભાવાર્થ એ કે ત્યાં ટ્યુબલાઇટ હોય અને એ રોજ કરવામાં આવતી હોય એ અગ્નિની ઉપાસના કરી ન કહેવાય. અગ્નિ ખૂણામાં લાલ બલ્બ કે ડેકોરેટિવ અન્ય લાઇટ મૂકી એ ચોવીસ કલાક ચાલુ રહે એવો પ્રયાસ કરવો જોઈએ.

કેન્દ્રમાં લાવો સપનું

શ્રી યંત્ર, ક્રિસ્ટલ બૉલ કે પિરામિડની ઘરમાં સ્થાપના કરવી જોઈએ. આ યંત્રો સકારાત્મક ઊર્જા લાવવાનું કામ કરે છે તો સાથોસાથ આ યંત્રો તમારી ઇચ્છાને બળવત્તર બનાવવાનું કામ પણ કરે છે.

લાવવામાં આવેલા આ યંત્ર સામે રોજ ૧૦ મિનિટ બેસવામાં આવે અને એ ઇચ્છા સતત એ યંત્રોને સંભળાવવામાં આવે તો ચોક્કસપણે સપનાની એ દિશામાં નક્કર પગલાં સાથે આગળ વધવાનું બને. આ કાર્ય કરવાથી સપનું સાકાર કરવામાં નડતાં વિઘ્નો અને તકલીફો પણ સ્પષ્ટ થાય છે અને એના પર કામ કરવાની કુનેહ પણ વ્યક્તિમાં ડેવલપ થાય છે એટલે શ્રી યંત્ર, ક્રિસ્ટલ બૉલ કે પિરામિડની ઘરે સ્થાપના કરવી જોઈએ. આ બધામાં શ્રી યંત્ર સર્વોચ્ચ છે.

ચાર ગ્રહનો સમન્વય

સપનાંઓ કે ઇચ્છાઓ પૂરી કરવામાં ચંદ્ર (એટલે કે મન), શુક્ર (એટલે કે ઇચ્છા અને ભોગ), ગુરુ (એટલે કે આશીર્વાદ) અને શનિ (એટલે કે પ્રયાસ) ગ્રહની બહુ મોટી ભૂમિકા છે. જન્મના ગ્રહોમાં આ ૪ પૈકીનો જે ગ્રહ નબળો હોય એના પર કામ કરવું જોઈએ. જરૂરી નથી કે નબળો ગ્રહ હોય એના પર જ ધ્યાન કેન્દ્રિત કરવું. અહીં દર્શાવ્યા એ ચારેચાર ગ્રહ પર આમ પણ કામ થઈ જ શકે છે.

સામાન્ય રીતે મહિનામાં ચાર વીક આવે. એમાં દરેક વીકના અનુક્રમે સોમવાર, ગુરુવાર, શુક્રવાર કે શનિવારના દિવસે ઉપવાસ કે એકટાણું કરવું જોઈએ અને ભૂખ્યાને ભોજન કરાવવું જોઈએ. દરેક પાસે કોઈ ને કોઈ ઇચ્છા તો હોય જ છે ત્યારે વર્ષમાં મિનિમમ એક મહિનો તો આ નિયમ પાળવો જોઈએ.

astrology columnists sunday mid day exclusive gujarati mid day