વસ્તુને સિદ્ધ કરે તે કર્મ, હૃદયને શુદ્ધ કરે તે ધર્મ

20 May, 2021 11:31 AM IST  |  Mumbai | Morari Bapu

જો માણસમાં ક્રોધનાં મૂળિયાં બળી ન ગયાં હોય તો તે હિમાલયમાં પણ પાંદડાં પર ક્રોધ કરશે. જો મૂળિયાં કપાઈ ગયો હોય, ચુંબકત્વ જ ખલાસ થઈ ગયું હોય તો સંસારમાં ક્રોધ ક્યારેય રહી જ ન શકે.

GMD Logo

ભગવાન મનુ અને ઉપનિષદ મુજબ ધર્મમાં લક્ષણોની વાતોમાં આપણે યજ્ઞ, અધ્યયન, દાન, તપ, સત્ય, દમ, ક્ષમા અને નિર્લોભની વાત કરી. હવે આપણે વાત કરવાની છે અસ્તેય, શૌચમ, અક્રોધની. પહેલાં વાત કરીએ અસ્તેયની.
અસ્તેય.
ચોરી ન કરવી એ ધાર્મિકતા છે. કોઈના સિદ્ધાંતને પોતાના નામે રજૂ કરી દેવો એ પણ ચોરી છે. જેની પાસેથી એ મેળવ્યો હોય તેનું ઋણ સ્વીકાર કરો. પોતાની પ્રતિભા સ્થાપિત કરવા માટે એ સિદ્ધાંતને પોતાના નામે ચડાવી દેવો એ ચોરી છે. આવી ચોરી મહાઅપરાધ છે, પણ એને ઘણા લોકો પોતાનો હક માનીને આગળ વધે છે. હું દીક્ષા નહીં, દિશા દર્શાવું છું અને એ પણ તમે તમારા પગે ચાલીને આવો છો એટલે. નહીંતર પાછા વળી જાઓ. મારા કેટલાય ગુરુ થઈ ગયા. જો તેઓ મારી સામે આવે તો હું તેમને ગુરુદક્ષિણા આપું. મારા ગુરુ મારા દાદાજી છે. માત્ર મારા દાદાજી જ છે. આ સ્વીકારભાવ છે.
ધર્મનું હવે પછીનું લક્ષણ છે શૌચમ. 
શૌચમ અર્થાત્ આંતરિક પવિત્રતા. તમારી સાથે ચાલવું એ મારો સ્વભાવ છે. ઉપરથી તમે સ્વચ્છ હો, પરંતુ ભીતરની પવિત્રતા પણ જાળવવી જોઈએ. કોઈને મોટપ મળે એનાથી આપણે દુખી ન થઈએ. ઉદારતાનો ભાવ ધારણ કરીએ તો આપણે પવિત્ર છીએ અને પવિત્ર હોવું એ ધર્મનું લક્ષણ છે.
હવે પછીના ક્રમે આવે છે ધર્મનું લક્ષણ અક્રોધ.
હા, ક્રોધ ન કરવો એ ધાર્મિકતા છે. સંસારીઓને છોડો. સંસારી તો ઠીક. બહુ મોટા માણસોને પણ ક્રોધ કરતા જોયા છે. અંદર ન હોય તો બહાર આવે જ નહીં. ક્રોધ-બોધ એકસાથે ન રહી શકે. જો માણસમાં ક્રોધનાં મૂળિયાં બળી ન ગયાં હોય તો તે હિમાલયમાં પણ પાંદડાં પર ક્રોધ કરશે. જો મૂળિયાં કપાઈ ગયો હોય, ચુંબકત્વ જ ખલાસ થઈ ગયું હોય તો સંસારમાં ક્રોધ ક્યારેય રહી જ ન શકે. ચુંબકત્વ જંગલમાં હોય તો પણ સંજોગો પ્રમાણે એ ખીલીને ખેંચશે. ક્રોધ માટેની બધી જ પ્રામાણિક અસર ઊભી થઈ ગઈ હોય એ સમયે ક્રોધ કરો તો એ સમયે ક્રોધ કરવો ઉચિત ગણાય અને જો તમે ત્યારે ક્રોધ ન કરો તે એ અક્રોધ છે. એવા સમયે પણ જો આપણી આંતરિક શાંતિ જળવાઈ રહે તો આપણે ધાર્મિક છીએ. એક વાત યાદ રાખવી, ક્યારેય ભૂલતા નહીં. 

જે ક્રિયા વસ્તુને સિદ્ધ કરે તેને કર્મ કહેવાય છે અને જે ક્રિયા હૃદયને શુદ્ધ કરે તેને ધર્મ કહેવાય છે.

 જો માણસમાં ક્રોધનાં મૂળિયાં બળી ન ગયાં હોય તો તે હિમાલયમાં પણ પાંદડાં પર ક્રોધ કરશે. જો મૂળિયાં કપાઈ ગયો હોય, ચુંબકત્વ જ ખલાસ થઈ ગયું હોય તો સંસારમાં ક્રોધ ક્યારેય રહી જ ન શકે.

astrology columnists morari bapu