15 February, 2026 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હિન્દુ ધર્મના તહેવારો તિથિ પ્રમાણે ઊજવાતા હોય છે. દેવાધિદેવ મહાદેવનાં પાર્વતી સાથે મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસે શિવરાત્રિએ લગ્ન થયાં હોવાથી એ પાવન અવસર પર અનેક ભક્તો શિવમંદિરમાં અથવા ઘરે શિવપૂજાનું દિવસના અને રાતના આયોજન કરતા હોય છે. જોકે આ વર્ષે ભક્તો અસમંજસમાં છે કે શિવરાત્રિ આજે ૧૫ ફેબ્રુઆરીએ ગણવી કે ૧૬ ફેબ્રુઆરીએ? એ મુજબ પૂજાનું આયોજન કરવામાં ભક્તો દ્વિધા અનુભવી રહ્યા છે.
બાબુલનાથ મંદિરના મુખ્ય પૂજારી અશોક દ્વિવેદીએ આ વિશે ‘મિડ-ડે’ને જણાવતાં કહ્યું હતું કે ‘૧૦૦ ટકા શિવરાત્રિની પૂજા-અર્ચના ૧૫ ફેબ્રુઆરીએ રાતે જ કરવામાં આવશે. ત્રયોદશીનો અંત અને ચતુર્દશીનો પ્રાંરભ થાય ત્યારથી જ શિવરાત્રિનું મહત્ત્વ હોય છે. એ જ રાતે શિવરાત્રિ મનાવવાનું શાસ્ત્રો પ્રમાણિત કરે છે.’
આ વિશે શાસ્ત્રોક્ત માહિતી આપતાં કર્મકાંડી બ્રાહ્મણ, જ્યોતિષી અને ભાગવતકાર સંતોષ ત્રિવેદીએ ‘મિડ-ડે’ ને જણાવ્યું હતું કે ‘હિન્દુ ધર્મમાં સૂર્યોદયે જે તિથિ હોય એ તિથિ ગણાતી હોય છે. જોકે શાસ્ત્રોમાં ૪ રાત્રિઓને મહત્ત્વ આપ્યું છે. કાળરાત્રિ જે દિવાળીની આગલી રાતે હોય છે, બીજી મહાશિવરાત્રિ, ત્રીજી હોળીની રાત જે દારુણ રાત્રિ કહેવાય છે, જ્યારે જન્માષ્ટમીની રાત મોહરાત્રિ ગણાય છે. આ ચાર રાત્રિમાં રાતે ઉપાસના કરવાનું મહત્ત્વ છે.’
આ વખતે શિવરાત્રિ ચૌદશની શરૂઆત ૧૫ ફેબ્રુઆરીએ સાંજે ૫.૦૪ વાગ્યે થવાની છે જે સોમવારે ૧૬ ફેબ્રુઆરીએ સાંજે ૫.૩૪ વાગ્યે સમાપ્ત થશે. સામાન્યપણે સૂર્યોદયની તિથિ લેવામાં આવતી હોય છે. એથી જો એ સૂર્યોદય પ્રમાણે ગણવામાં આવે તો સોમવાર થાય, પરંતુ ચૌદશ સોમવારે સાંજે ૫.૩૪ વાગ્યે પૂરી થઈ જાય છે અને આ જે શિવરાત્રિનું પર્વ છે એ રાત્રિનું પર્વ છે .એટલે એ સોમવારે ચૌદશ પૂરી થઈ ગયા પછી ઊજવી ન શકાય. એટલે રવિવારે ૧૫ ફેબ્રુઆરીએ રાતે જ એની વિધિ-વિધાનયુક્ત પૂજા કરવી યોગ્ય ગણાશે. એ ઉપરાંત જે રીતે દિવસે બપોરના સમયે અભિજિત મુહૂર્ત હોય છે એ પ્રમાણે રાતના પણ જો નિશિતા કાળમાં પૂજા, જપ-અર્ચના અને ભક્તિ કરવામાં આવે તો એની વિશેષ અસર થાય છે એવું કહેવાય છે. શિવરાત્રિનો નિશિતા કાળ રવિવારે મધરાત પછી તારીખ મુજબ ૧૬-૦૨-૨૦૨૬ના ૦૦.૨૯ વાગ્યાથી ૧.૧૭ વાગ્યા સુધીનો છે.