બાથરૂમની બાબતમાં કઈ-કઈ ચીજોનું વધારે ધ્યાન રાખવું?

26 October, 2025 10:10 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

ઘરમાં જો સૌથી વધારે કોઈ જગ્યા ઇગ્નૉર થઈ હોય તો એ બાથરૂમ-ટૉઇલેટ છે. વાસ્તુશાસ્ત્રમાં આ જગ્યા માટે ખાસ નિયમો સૂચવ્યા છે જેનું પાલન કરવું અનિવાર્ય છે

પ્રતિકાત્મક તસવીર

આજના સમયમાં તો હવે બાથરૂમ-ટૉઇલેટ બન્ને એક જ હોય છે એટલે એ બન્નેની બાબતમાં કઈ-કઈ વાતની કાળજી રાખવી જોઈએ એ જોઈ લેવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આ જગ્યાને નકારાત્મક ઊર્જાનો સ્રોત્ર કહેવામાં આવ્યો છે ત્યારે બાથરૂમ-ટૉઇલેટની બાબતમાં સવિશેષ કાળજી લેવી જોઈએ.

બાથરૂમ માટે વાસ્તુશાસ્ત્રમાં ચોક્કસ દિશાઓ સૂચવવામાં આવી છે પણ એ દિશા છે કે નહીં એની ચકાસણી કરવાનું કામ ટેક્નિકલ હોવાથી આપણે એ ચર્ચામાં પડ્યા વિના જ બાથરૂમને સકારાત્મક કેવી રીતે બનાવવું જોઈએ એના રસ્તાઓ જોઈએ.

સમુદ્રી નમકનો બાઉલ

બાથરૂમમાં અને જો ટૉઇલેટ જુદું હોય તો એમાં પણ સમુદ્ર નમકના ટુકડાઓ ભરેલો કાચનો બાઉલ રાખવો જોઈએ. સમુદ્રી નમક એટલે કે આખા મીઠાના ટુકડાઓ નકારાત્મક ઊર્જા શોષવાનું કામ કરે છે અને આગળ કહ્યું એમ, બાથરૂમ નેગેટિવ એનર્જીનો સૌથી મોટો સોર્સ છે એટલે ત્યાં આ સામગ્રી અચૂક રાખવી જોઈએ. કાચનો બાઉલ છલોછલ ભરેલો રાખવો અને દર મહિને એ જે નમક છે એને ટૉઇલેટમાં ફ્લશ કરી દેવું. ચોમાસા કે ભેજના દિવસોમાં આ નમક ઓગળતું હોય તો પંદર દિવસે એ બાઉલ ખાલી કરી નવેસરથી સાફ કરી એમાં ફરીથી નમક ભરીને ફરીથી બાથરૂમમાં મૂકી દેવું. 

જો તમને સમુદ્ર નમકનો હથેળી જેવડો મોટો ટુકડો મળે તો એ પણ મૂકી શકાય.

દરવાજા સદાય બંધ

બાથરૂમ-ટૉઇલેટનો દરવાજો સદાય બંધ રહેવો જોઈએ. બાથરૂમ-ટૉઇલેટ હંમેશાં સાફ રહેવાં જોઈએ અને જે વ્યક્તિ એનો ઉપયોગ કરે તેણે જ એ સાફ કરીને બહાર નીકળવું જોઈએ. આખા દિવસમાં બાથરૂમ મિનિમમ એક વાર તો સાફ થવું જ જોઈએ. ધારો કે ઘરમાં એકથી વધારે બાથરૂમ હોય અને બીજા બાથરૂમનો વપરાશ ન થતો હોય તો પણ વીકમાં એક વખત તો એની સફાઈ થવી જ જોઈએ.

બાથરૂમની સફાઈ પછી દરવાજો થોડો સમય માટે ખુલ્લો રાખીને બાથરૂમની ફર્શ સુકાઈ જવા દેવી જોઈએ. બાથરૂમ જેટલું સૂકું એટલું જ એ શુભત્વ ધરાવે છે એટલે બાથરૂમ ચોખ્ખુંચણક અને સુકાયેલું રાખવું.

સુગંધનો કરો ઉપયોગ

બાથરૂમ-ફ્રેશનર હવે તો સરળતાથી મળે છે પણ એનો વપરાશ કરવામાં હજી પણ કંજૂસાઈ થાય છે. એવું ન થવું જોઈએ. બાથરૂમ સુગંધી હોવું જોઈએ. આજના સમયમાં તો આ ખાસ રહેવું જોઈએ કારણ કે હવે ફ્લૅટ સિસ્ટમ છે એટલે એકની ઉપર એક એમ બાથરૂમ-ટૉઇલેટ હોય છે. પરિણામે ઉપરનો કચરો નીચેના ફ્લૅટની પાઇપલાઇનમાંથી પસાર થતો આગળ વધે. એ જે કચરો છે એ દુર્ગંધ દ્વારા પણ બધા બાથરૂમમાં નકારાત્મકતા છોડતો જતો હોય છે.

બાથરૂમમાં ફ્રેશનર હોય એ ખૂબ જ આવશ્યક છે અને અહીં એક સૂચન પણ છે. જો વાપરી શકાય તો ફ્રેશનર વાપરવાને બદલે ઓરિજિનલ સુગંધ વાપરવાનો કે પછી કપૂર જેવી શુદ્ધ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવો, જેની શાસ્ત્રોક્ત અસર પણ ખૂબ ઉમદા છે.

રાખો ઇન્ડોર પ્લાન્ટ્સ

અનિવાર્ય નથી પણ જો બાથરૂમમાં ઇન્ડોર પ્લાન્ટ્સ રાખી શકાય તો ઉત્તમ છે પણ ધારો કે એવું ન કરી શકાય તો એ પ્રયાસ કરો કે આર્ટિફિશ્યલ પ્લાન્ટ્સ બાથરૂમમાં મૂકવામાં આવે જેનો કલર ગ્રીન હોય. ઇન્ડોર કે આર્ટિફિશ્યલ પ્લાન્ટ્સ વાતાવરણમાં હળવાશ ભરવાનું કામ કરે છે અને બાથરૂમ-ટૉઇલેટ એક એવી જગ્યા છે જ્યાં વિચારો સ્ફુરવાની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે.
વિચારોને વેગ મળે અને આવતા એ વિચારોમાં સકારાત્મકતા ઉમેરાય એ માટે પણ પ્લાન્ટ રાખવા વિશે વિચારવું જોઈએ. આજે ઘણા એવા પ્લાન્ટ છે જેને ઓછામાં ઓછા પ્રકાશની જરૂર પડે છે, જે પ્લાન્ટને બાથરૂમમાં રાખી શકાય છે.

ડાર્ક કલર બિલકુલ નહીં

હવેના સમયમાં બાથરૂમમાં સીલિંગ સુધી ટાઇલ્સ હોય છે પણ એ ટાઇલ્સ હળવા કલરની હોવી જોઈએ. ક્રીમ કે વાઇટ કે પછી એવા હળવા કલરની હોવી જોઈએ. એક ખાસ વાત કહેવાની, બાથરૂમમાં હવા-ઉજાસ આવતાં રહે એ પણ ખૂબ જરૂરી છે. જો હવા-ઉજાસનો અભાવ હોય તો બાથરૂમને બપોરના સમયે થોડી વાર માટે ખુલ્લું રાખીને એમાં સંઘરાતી જતી નકારાત્મકતાને રિલીઝ કરી દેવી. આવું હોય એ જગ્યાએ સાંજના સમયે અચૂક ઘરમાં ધૂપ કરવાનું રાખવું જોઈએ જેથી બાથરૂમની બહાર આવેલી નેગેટિવિટી ઘરના અન્ય સ્થાનમાં સ્થગિત ન થાય.  

astrology culture news gujarati mid day lifestyle news columnists