પંચતત્ત્વનું દરેક તત્ત્વ મલિનતા દૂર કરે છે

04 April, 2024 08:46 AM IST  |  Mumbai | Morari Bapu

મલિન થાય તેને સુધારવાની જવાબદારી આજુબાજુમાં રહેલા આપ્તજનોએ અપનાવી લેવી જોઈએ.

મોરારી બાપુની તસવીર

જગતનાં કારણરૂપ તત્ત્વો પાંચ છે. સઘળું એમાં જ સમાયેલું છે. આ પાંચેય તત્ત્વો પવિત્ર છે. ક્યારેક એમાં મલિનતા આવી જાય એવું બને તો પણ બાકીનાં તત્ત્વો મલિન થયેલા એ તત્ત્વને શુદ્ધ કરી નાખે છે. આ પ્રકૃતિનો નિયમ છે. માણસે આ પ્રકૃતિનો નિયમ પાળવો જોઈએ. મલિન થાય તેને સુધારવાની જવાબદારી આજુબાજુમાં રહેલા આપ્તજનોએ અપનાવી લેવી જોઈએ. જો એવું બને તો સંસારની મલિનતા આપોઆપ દૂર થાય.

વાત કરીએ જગતનાં પાંચ તત્ત્વોની અને એમાંથી કોઈ એકમાં આવતી મલિનતાની. પૃથ્વી પર માટી હોય, કીચડ હોય એને કોણ પવિત્ર કરી શકે? જળ. હા, એ જ શુદ્ધિ લાવી શકે અને જળ એ પાંચ પૈકીનું બીજું તત્ત્વ છે પ્રકૃતિનું. પૃથ્વી શુદ્ધ થાય જળથી, પણ જળ ગંદું હોય, એની અંદર કીટક હોય, ખરાબી હોય તો એને કોણ શુદ્ધ કરે? એનો જવાબ છે ત્રીજું તત્ત્વ! મલિન જળને અગ્નિમાં ઉકાળો, પાણી શુદ્ધ થાય. પ્રકૃતિનાં આ બધાં તત્ત્વો એકબીજાનું શુદ્ધીકરણ કરે છે. અગ્નિને શુદ્ધ હવા કરે છે તો પવન દ્વારા અગ્નિની શુદ્ધિ થાય એવો શાસ્ત્રીય નિયમ છે અને હવાને શુદ્ધ આકાશ કરે. આમ પાંચેય તત્ત્વોનું આપણે ત્યાં ગણિત છે.

આકાશ જેવો માણસ પૃથ્વી જેવો કઠોર જોઈએ. એમાંથી થોડા પાણી જેવા થઈએ, એમાંથી થોડી હરિનામની લગની ભીતર જાગે, એક આગ લાગે કે મારે પામવું છે, એવો અવાજ જાગે. એમ કરતાં-કરતાં આ જીવ આકાશ જેવો ધીરે-ધીરે થતો જાય પછી જગતની કોઈ તલવાર એને કાપી શકતી નથી.

અનેક લોકો કહે છે કે આ જીવન પાણી જેમ વહી રહ્યું છે, આ યોગ્ય નથી. પાણીની રસમયતા આપણા જીવનમાં હોવી જોઈએ. એક ભાવપ્રવાહ આપણા જીવનમાં ફૂટે, ભક્તિની ગંગા આપણા જીવનમાં વહે. પ્રકૃતિનાં બધાં તત્ત્વોને આપણે આ રથમાં સમાવીને બેઠા છીએ. હવા જેમ ઊડી નથી શક્તા, પણ હવા (હનુમાનજી) જેમ ગતિ કરી શકીએ છીએ. પ્રકૃતિનાં તત્ત્વોથી તમે અને હું જીવનનો સંદેશ પ્રાપ્ત કરી શકીએ છીએ. અગ્નિની જેમ આપણે બળીએ કે બીજાને બાળીએ એમ નહીં, પણ અગ્નિ તત્ત્વથી આપણે પ્રકાશનો બોધ લઈ શકીએ અને જીવનને એક ઉદ્દેશ આપી શકીએ કે હું બીજાના જીવનનો અંધકાર મટાડું. આવો ભાવ આપણા જીવનમાં લાવી શકીએ છીએ અને આકાશ જેમ આપણું હૃદય વિશાળ બનાવી શકીએ છીએ. આ ગુણો આપણે લઈ શકીએ છીએ અને જીવનમાં એને અપનાવીએ તો જીવન સફળ થઈ જાય.

astrology life and style Morari Bapu columnists