પાંચ તત્ત્વોમાંથી આકાશ તત્ત્વ જેનામાં વધારે, એ માણસ ભલોભોળો હશે

10 April, 2024 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૃદયમાં કામના ન રાખો, આંખમાં રાખો

પ્રતીકાત્મક તસવીર

જે લયમાં નથી રહેતો, તેનો પ્રલય થઈ જાય છે અને જો પ્રલય ન ઇચ્છતા હો, જો લયબદ્ધ જીવનની ભાવના હોય તો શરીરનાં પાંચ તત્ત્વ પૈકીના સૌથી શ્રેષ્ઠ એવા આકાશતત્ત્વને સમજી લેવું જોઈએ. પાંચ તત્ત્વ પૈકીનાં અન્ય ચાર તત્ત્વની મહત્ત્વતા પણ એટલી જ અદકેરી છે, પણ જે તત્ત્વની હું વાત કરવાનો છું એ તત્ત્વ તો પરમ તત્ત્વ છે.

આકાશતત્ત્વ.
તમને થાય કે શરીર પાસે જળ છે, વાયુ છે, આગ પણ છે અને એ ભળે છે ત્યારે રાખ બને છે એટલે એમાં ધરતી પણ છે તો પછી શરીરમાં આકાશ શું છે? હૃદય આકાશ છે. ચિત્ત આકાશ છે. 
આકાશ દિવ્ય ત્યારે મનાય છે જ્યારે એક પણ વાદળ ન હોય. સાધકના હૃદય આકાશમાં જ્યારે કોઈ આશા ન હોય, ત્યારે તે નિતાંત આકાશ છે. અહીં જરૂરિયાતો પૂરી થાય છે, આશા પૂરી નથી થતી. આશાનાં વાદળ છવાય ત્યારે માનવું કે એ વિમલ નથી. આશા સંસારીઓને પકડે છે એવું જ નથી, સંન્યાસીને પણ પકડે છે. હૃદયમાં કામના ન રાખો, આંખમાં રાખો. ‘દરસ બિના દુઃખ ન લાગે નૈન.’ 

વાદળ કેટલી વારના મહેમાન છે? એક હવાના ઝોકાથી હટી જશે. આપણી આશાનું મૂલ્ય કેટલું? કાળ થપ્પડ મારશે તો ચૂરચૂર થઈ જશે, પણ એની સામે આશાનું કામ જુઓ, આશા એક રામજીથી, બીજી આશા છોડી દો. તમે આશા કરવી અટકાવશો તો હરિ ઉદારતાથી પૂરી કરશે. પરમાત્માને પણ પ્રણામ કરવા માટે જ કરો અને પ્રણામ કરો ત્યારે તેને કહેજો, ‘તારા પાસેથી કશું માગવું નથી. તું તો પ્રેમ કરવા માટે જ છો એટલે જ પ્રીત લગાવી છે. તારાથી પ્રેમ ન કરીએ તો ક્યાં જવું? પ્રેમ પ્રેમ ખાતર જ કરાય.’ પોતાની જાતને પૂછો કે આશા કરીને તમે સફળ થઈ ગયા છો કે નિષ્ફળ? સફળતાથી અભિમાન થશે, નિષ્ફળતાથી ગ્લાનિ થશે. બન્ને જગ્યાએ માર ખાશો. શા માટે આશા કરો છો? માણસ વધારે સુખી ત્યારે જ છે જ્યારે આશા ઓછી રાખે. ભગવાન તો લાયકાત કરતાં પણ વધારે આપે છે, છતાં આશા રાખવી બેવકૂફી છે. બુદ્ધિમત્તા નથી. આકાશતત્ત્વ જેનામાં વધારે હશે, એ માણસ ભલોભોળો હશે. તેને કોઈ જ વસ્તુ સ્પર્શી નહીં શકે. બિલકુલ અસંગ, નિર્લેપ રહેશે. ગમે એટલી હોળી થાય, આજ સુધી આકાશને કોઈ જ રંગ સ્પર્શી નથી શક્યો. નથી કોઈ વરસાદ ભીંજવી શક્યો. નથી કોઈ આગની જ્વાળા એને બાળી શકી કે નથી કોઈ હવાએ એને ઉડાડી દીધું.

astrology life and style columnists Morari Bapu