સ્થિતપ્રજ્ઞતા જોઈતી હોય તો ટકટક બંધ કરી દો

28 March, 2024 12:01 PM IST  |  Mumbai | Morari Bapu

તમને જે બળવાન ઇન્દ્રિય મળી છે એને જ માર્ગ બનાવી દો. માનવી ઈશ્વરનો અંશ છે. ગુણધર્મ એક જ છે, જે બધું બદલે છે.

પૂજ્ય મોરારી બાપુની તસવીર

ઘડિયાળનું લોલક ક્યારે સ્થિર રહે ખરું? 

જો એ આમ-તેમ ન ફરે, ડાબી અને જમણી બાજુએ જવાનું બંધ કરીને વચ્ચે રહે ત્યારે માણસે પણ ઘડિયાળના લોલકની જેમ આમ-તેમ જવાનું છોડવું પડે અને જીવનમાં ચાલતી આમ અને તેમની બન્ને વાતો છોડવી પડે. તમે ભૂતકાળને છોડો, ભવિષ્યની ચિંતા છોડો. તમે વર્તમાનમાં રહો તો સ્થિર રહી શકશો. ભૂતકાળમાં મને પેલાએ આમ કર્યું, તેમ કર્યું. ફલાણાએ મને બોલાવ્યો નહીં ને ઢીંકણાએ મારી સામે જોઈને નજર ફેરવી નાખી. આ બધું યાદ કર્યા કરીએ છીએ. હવે જો ભવિષ્યમાં, સમય આવશે ત્યારે તેને જોઈ લઈશ. શું ધૂળ જોશો? પોતાને પણ નથી જોઈ શક્તા, ત્યારે બીજાને તમે શું જોવાના! જો વર્તમાનમાં જીવવું હોય તો સ્થિર થઈ જાઓ. સ્થિતપ્રજ્ઞતા આપોઆપ આવવા માડશે. આ સ્થિતપ્રજ્ઞતા માટે તમારે એક જ કામ કરવાનું છે, ટકટક કરવાનું બંધ કરો. જો ટકટક કરવાનું બંધ કરશો તો જીવનનું ઘડિયાળ આપોઆપ સ્થિર થવાનું શરૂ થશે. 

તમે જેટલું ઉપાડી શકો એટલું જ લો. જો એવું કર્યું તો કૃતકૃત્ય થઈ જશો. આ દૃષ્ટિ સાધકમાં આવે તો સાધક વર્તમાનમાં રહેતો થઈ જાય. ગઈ કાલનો અભાવ અને આવતી કાલનો ભાવ જ તો મારવાનું, હેરાન કરવાનું કામ કરે છે. જીવનમાં ઘટનાઓ ઘટતી રહે છે. એ જીવનનો ક્રમ છે. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ ઇન્દ્રિયની પ્રબળતા હોય છે. કોઈની આંખોમાં તેજ હોય, કોઈની ધ્રાણેન્દ્રિય તેજ હોય તો વળી કોઈની શ્રવણેન્દ્રિય તેજ હોય. તમને જે બળવાન ઇન્દ્રિય મળી છે એને જ માર્ગ બનાવી દો. માનવી ઈશ્વરનો અંશ છે. ગુણધર્મ એક જ છે, જે બધું બદલે છે.

મારામાં ફર્ક છે...
આ જે માનસિકતા છે એ માનસિકતા જ વર્તમાનમાં ટકવા નથી દેતી અને માનવી વર્તમાનમાં ટકતો નથી એટલે જ તે ભૂતકાળમાં પણ રહી નથી શકતો અને ભવિષ્યને પણ પામી નથી શકતો. 
જો ઈશ્વર ગંગાની ધારા હોય તો જીવ હથેળીમાં લીધેલું ગંગાજળ છે. માત્ર મારામાં ફર્ક છે, હા સાચું, દેખાવમાં. એ સિવાય ગુણ તો એ જ છે જે સૌમાં છે. ગુણ બદલવા હોય તો વર્તમાનમાં આવવું પડે અને ભાવશૂન્ય થઈને ચેતનાને જાગૃત કરવી પડે. ઈશ્વર શેરડીનો પૂરો સાંઠો છે, જેમાં મધુરતા, મીઠાશ સરખાં જ છે. આગળથી ખાવાની શરૂ કરો તો પણ એ જ અને નીચેથી ખાવાનું શરૂ કરો તો પણ એ જ. એક વાત યાદ રાખવી, વ્યક્તિ સુધરે તો જ સમાજ સુધરી શકે. આખા સમાજને તો રામ-કૃષ્ણ પણ ન સુધારી શક્યા. સમસ્યાનો જવાબ સમર્થો પાસેથી લ્યો. અસમર્થો પાસેથી શું લેવો?

astrology life and style Morari Bapu columnists