માણસ, ગધેડો, બળદ, કૂતરો અને આયુષ્ય

27 March, 2024 09:02 AM IST  |  Mumbai | Morari Bapu

જોકે ભગવાને માણસને એક સગવડ પણ આપી છે. જો ઇચ્છીએ તો આપણે આ ગધેડા, બળદ અને કૂતરા જેવી જિંદગી બદલી પણ શકીએ છીએ.

પૂજ્ય મોરારી બાપુ

ભગવાને એક કૂતરો બનાવ્યો. ભગવાને તો ચપટી માટી લીધી ને બની ગયો કૂતરો. કૂતરાએ પૂછ્યું, ‘આપે મને કૂતરો બનાવ્યો, ઠીક છે; પણ મારું આયુષ્ય કેટલું?’ ભગવાન કહ્યું, ‘ત્રીસ વર્ષ.’ કૂતરાએ પૂછ્યું, ‘મારે શું કરવાનું છે?’ ભગવાને કહ્યું, ‘દુનિયાની લાઠી ખાજે, ભસતો રહેજે, ઘૂરકતો રહેજે, ઠંડીમાં થરથરતો રહેજે.’ કૂતરાએ કહ્યું, ‘આવું જીવન અને એ પણ છેક ત્રીસ વર્ષ સુધી?’ ભગવાને જવાબ આપ્યો, ‘નિયમ મુજબ આયુષ્ય આપું છું. તારે ઓછું કરવું હોય તો કહે.’ કૂતરાએ કહ્યું, ‘મારા ભાગ્યનાં પચ્ચીસ વર્ષ કાઢી નાખો. માત્ર પાંચ વર્ષ રાખો.’

ભગવાને તેનાં પાંચ વર્ષ ફિક્સ કરી નાખ્યાં. હવે ભગવાને બળદ બનાવ્યો. તે બોલ્યો, ‘ભગવાન, મારી ઉંમર?’ ભગવાને કહ્યું, ‘પચાસ વર્ષ.’ બળદે પૂછ્યું, ‘મારે શું કરવાનું રહેશે?’ ભગવાને કહ્યું, ‘બસ, ખેતી કર. આજીવન ભાર વેંઢારતો રહેજે. જીવનભર આ કામ કરજે. જો તને પચાસ વર્ષ વધારે લાગતાં હોય અને તું ઓછું કામ કરવા માગતો હોય તો કહે.’ બળદ બોલ્યો, ‘હા ભગવાન, વધારે લાગે છે. તમે મારા આયુષ્યમાંથી પચ્ચીસ વર્ષ લઈ લો.’ ભગવાને તેની ઉંમરનાં પચ્ચીસ વર્ષ રાખી લીધાં.

પછી ભગવાને ગધેડો બનાવ્યો. ભગવાનને એણે પૂછ્યું, ‘માલિક, મારી ઉંમર કહો.’ ભગવાને કહ્યું, ‘ચાલીસ વર્ષ.’ ગધેડાએ કહ્યું, ‘મારે કામ શું કરવાનું રહેશે?’ ભગવાને જવાબ આપ્યો, ‘બસ, કુંભારને ત્યાં... તારા માટે તો ખાવા માટે પણ ઘાસચારો નહીં હોય. એમ જ જીવ્યા કરજે. તારે પણ ઉંમર કાઢવી હોય તો બોલ.’ ગધેડો બોલ્યો, ‘એક કામ કરો, મારા જીવનમાંથી પચ્ચીસ વર્ષ કાઢી લો.’
ભગવાને પચીસ વર્ષ કાઢી લીધાં.

હવે ભગવાને માણસને બનાવ્યો. મનુષ્યે ભગવાનને પૂછ્યું, ‘મારે શું કરવાનું છે?’ ભગવાને કહ્યું, ‘અરે, તું તો પરમાર્થ કરી શકીશ. તું તો લગ્ન કરશે. તને બાળબચ્ચાં થશે. તારો ધંધો ચાલશે. મોટરમાં ફરીશ, બંગલામાં રહીશ. તારી ઇજ્જત હશે. તું લડીશ. આમ કરીશ, તેમ કરીશ...!’ માણસે પૂછ્યું, ‘મારું આયુષ્ય કેટલું?’ ભગવાને કહ્યું, ‘પચીસ વર્ષ.’ માણસે કહ્યું, ‘અરે, આટલું બધું કરવાનું અને માત્ર પચ્ચીસ વર્ષ? એમાં તો શું થઈ શકશે?’ ભગવાને કહ્યું, ‘નિયમ એટલે નિયમ.’

એટલામાં ભગવાનને યાદ આવ્યું કે પેલા ત્રણે જીવોનું આયુષ્ય તેમની પાસે જમા છે. તો બોલ્યા, ‘હા, તને જો આયુષ્ય જોઈએ તો મળશે.’ 
માણસે તરત હા પાડી દીધી એટલે ભગવાને સૌથી પહેલાં ગધેડાનાં પચ્ચીસ વર્ષનું આયુષ્ય આપ્યું એટલે માણસ ગધ્ધાપચીસી કરતો ગધેડા જેમ જીવે છે. પછી બોજો ઉપાડે છે બળદની જેમ અને પછી કૂતરાનું આયુષ્ય આપી દીધું. બુઢાપામાં માણસ કૂતરાની જેમ જીવે છે, ભસતો રહે છે. જોકે ભગવાને માણસને એક સગવડ પણ આપી છે. જો ઇચ્છીએ તો આપણે આ ગધેડા, બળદ અને કૂતરા જેવી જિંદગી બદલી પણ શકીએ છીએ.

astrology life and style Morari Bapu columnists