દીવાલ બનાવવા બધું જોઈએ, દ્વાર બનાવવા ખુલ્લાપણું જોઈએ

18 August, 2022 04:43 PM IST  |  Mumbai | Morari Bapu

ભક્તિ કરવા માટે ચિત્ત ખાલીખમ હોવું જોઈએ, કોરું હોવું જોઈએ. કોરા ચિત્ત સાથે થયેલી ભક્તિ ઈશ્વર સાથે સીધું અનુસંધાન જોડે છે.

મિડડે લોગો

જેના વિના ક્યાંય, ક્યારેય, કોઈ પણ રીતે ન ગમે એનું નામ ભક્તિ.

ભક્તિ દીવાલ નથી, દ્વાર છે. પ્રેમ દીવાલ નથી, મહાદ્વાર છે. જગતમાં જેણે એવું વિચાર્યું કે પ્રેમ મારા માટે બંધન બની ગયો છે તેણે પ્રેમદેવતાના મંદિરમાં પ્રવેશ જ ન કર્યો. જો પ્રેમ પ્રેમ હોય તો એ દીવાલ હોઈ જ ન શકે. દીવાલમાં ઘણીબધી વસ્તુઓની જરૂર પડે. સ્થૂળરૂપે પણ જુઓ તો લોખંડ, સિમેન્ટ, ઈંટ, પાણી, મજૂર, જાણકાર, જમીન... પરંતુ દ્વાર માટે શું જોઈએ? 
હા, સરળ બનાવવા માટે સિમેન્ટ અને લાકડું જરૂર જોઈએ. દ્વાર એ છે કે જ્યાં કંઈ નથી. સાવ ખાલી, ખાલીપણું. એ માટે કંઈ ન જોઈએ, એ છે ભક્તિ. 

ભક્તિ છે દ્વાર. હર દ્વારને નામ આપવામાં આવે છે એ સીમિત કરવાની ચેષ્ટા છે. એ વ્યવહાર-જગતનું સત્ય છે, પરમાર્થ-જગતનું નહીં. સાંકડું કરશો તો દ્વાર પણ દીવાલ બની જશે. જેનામાં ભક્તિ આવી તેમણે દીવાલ નથી ચણી. ભક્તિ ક્યારેય રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, સાંપ્રદાયિક દીવાલો નહીં ચણે.

લોકો કહે છે કે ભજન કરવું છે એ માટે આ જોઈએ. તો દીવાલ ઊભી કરી દીધી. ભક્તિ કરવા માટે કંઈ જોઈએ? અરે, અરે! કોઈ કહે છે કે માળા જોઈએ, પૂજાની ઓરડી જોઈએ, સમય હોય, સમજણ હોય તો આપણે ભક્તિ કરીએ; નહીં આ અવલંબનો ઊભાં કરવામાં આવ્યાં છે. હું બોલું છું, વિચારું છું. શું એ બોલવાની જરૂર છે? બોલવાથી શું ભક્તિ ફળશે? ભક્તિ બોલવાથી ફળતી હોય તો એ મામૂલી છે. ભક્તિ તો ચિંતામણિ છે. ભક્તિ કરવા માટે ચિત્ત ખાલીખમ હોવું જોઈએ, કોરું હોવું જોઈએ. કોરા ચિત્ત સાથે થયેલી ભક્તિ ઈશ્વર સાથે સીધું અનુસંધાન જોડે છે.
જપ, તપ, વ્રત, નિયમ, સંયમ. 

આ યંત્રવત્ નહીં પરંતુ ભાવથી થાય તો જ ભક્તિની દૃઢતા આવશે. જે આપણા જીવનમાં નિરપેક્ષ છે, મૌન છે, પરમ શાંત છે એ સમતા જુએ છે. પ્રેરણા, પાલન અને ફળ ત્રણેય ઈશ્વર પાસેથી આવે છે. ભક્તિ કરવી હોય તેણે કોઈની સાથે દુશ્મની ન રાખવી જોઈએ. કોઈ તમારાં વખાણ કરે તો શરમાવું અને નિંદા કરે તો સાવધ થઈ જવું. જે કોઈનો દ્વેષ ન કરે તે હંમેશાં સંન્યાસી છે. એવા સાધુ બનીએ. દ્વેષમુક્ત જીવન સાથે સૌને જીવનમાં પ્રેમપૂર્વક આવકારીએ, જેથી મળનારાને પણ એવું જ લાગે કે જાણે તે મંદિરની શીતળતાનો અનુભવ કરે છે.

columnists Morari Bapu astrology life and style