મારા ઇષ્ટદેવ તો સૂર છે, એમને મારે ઉપર સુવડાવવા જોઈએ

04 May, 2022 04:47 PM IST  |  Mumbai | Morari Bapu

સાવ અનાયાસ જ હતો, પણ કેટલીક વખત અનાયાસ પણ જીવનમાં કેવા નાયાસ ઊભા કરે છે એ જોવા જેવું હોય છે.

મિડ-ડે લોગો

આપણે હવે વાત કરવાના છીએ સાધના અને સાધકની. જોકે એ વાતનો આરંભ કરતાં પહેલાં વાત કરવાની છે એક પ્રસંગની.
સિતારના પરમ પ્રકાંડ વિદ્વાન ઉસ્તાદ ફૈયાઝખાં મુંબઈથી વૃંદાવન જઈ રહ્યા હતા. અમારા એક મહાત્મા તેમની સાથે મુસાફરી કરતા હતા. તેમના જીવનમાં બનેલી આ સત્ય ઘટના છે. ફૈયાઝખાં સાહેબ અને અમારા એ મહાત્મા બન્ને એક ટ્રેનના એક જ ડબ્બામાં મુસાફરી કરે. સાવ અનાયાસ જ હતો, પણ કેટલીક વખત અનાયાસ પણ જીવનમાં કેવા નાયાસ ઊભા કરે છે એ જોવા જેવું હોય છે.
મહાત્મા એ ઘટના વિશે વાત કરતાં કહે છે, ‘મારી સીટ ઉપર હતી એટલે હું તો ઉપરની સીટ પર જઈને બિછાનું પાથરીને સૂતો. ફૈયાઝખાં સાહેબને હું જાણતો હતો. તેઓ નીચેની સીટ પર હતા. રાતના ૧૦ વાગી ગયા હતા એટલે તેમને વાતોમાં અટકાવી રાખવાને બદલે મેં ધાર્યું કે તે ભલે અત્યારે આરામ કરે. આટલા મોટા સિતારવાદક, આટલા મોટા સંગીતજ્ઞ, આરામ તો મળવો જ જોઈએ. થોડી વાર થઈ ત્યાં તો તેમણે પોતાનો થેલો ખોલ્યો અને થેલામાંથી સરસ મજાનો ગાલીચો કાઢીને તેમણે પોતાની સૂવાની સીટ પર એ ગાલીચો બિછાવ્યો. એકદમ વ્યવસ્થિત ગાલીચો પાથરી લીધા પછી ખાંસાહેબે ગાલીચા પર થોડું અત્તર છાંટ્યું અને પછી ધીમે રહીને પોતાની સિતાર કાઢી. સિતારને બહાર કાઢવાની તેમની જે રીત હતી એ તમે જુઓ તો આભા જ રહી જાઓ. જાણે કે ભગવાનને બહાર કાઢતા હોય એવા સ્નેહ સાથે, જાણે કે નાના બાળકને બહાર કાઢતા હોય એવી કાળજી સાથે તેમણે સિતાર બહાર કાઢી અને પછી એ સિતારને ગાલીચા પર સૂવડાવી. એવી જ રીતે જાણે કોઈ વૈષ્ણવ ઠાકોરજીને શયન કરાવે છે.’
મહાત્મા વાત કરતાં-કરતાં પણ ગળગળા થતા જતા હતા. તેમણે વાત આગળ વધારી અને કહ્યું, ‘ખાંસાહેબને મુંબઈના કોઈ કાર્યક્રમમાં પશ્મિના શાલ ભેટમાં મળી હતી. એ કીમતી શાલ તેમણે એ સિતારને ઓઢાડી. ગુલાબનાં ફૂલ મુંબઈથી સાથે લીધાં હતાં. એ ફૂલની પાંદડીઓ તોડીને તેમણે સિતાર પર અને ગાલીચા પર નાખી અને પછી જાણે કે આખી વિધિ પૂરી થઈ હોય એમ સિતારને નમન કરી તેમણે પોતે એક ચટાઈ જમીન પર પાથરી અને પછી તે એ ચટાઈ પર સૂઈ ગયા.’
‘આવું શું કામ ખાંસાહેબ?’ 
ફૈયાઝખાં સાહેબે જવાબ આપ્યો, ‘મારા ઇષ્ટદેવ તો સૂર છે. આ જ તો પરમાત્મા છે. એને સીટ પર સુવડાવવા જોઈએ. હું તો એનો દાસ છું. મારી જગ્યા જમીન પર છે.’
જરા વિચારો, જો સંગીત માટે આવડી ઉપાસના હોય તો સમગ્ર જીવન માટેની સાધના કેવી હોવી જોઈએ?

astrology columnists Morari Bapu