મારું સત્ય, તમારું સત્ય અને એક આપણું સત્ય

27 May, 2021 11:42 AM IST  |  Mumbai | Morari Bapu

ધન્ય છે પક્ષીને જે પોતાની વાણી નથી બદલતું અને પોતાનો આહાર પણ ક્યારેય બદલતું નથી. આપણે ભણેલા-ગણેલા થઈને આપણો આહાર બદલતા રહીએ છીએ

GMD Logo

આપણે વાત કરીએ છીએ સત્યની મહાનતાની. શ્રુતિમાં પાઠ છે... 
‘એકમ સદ વિપ્રા બહુધા વદન્તિ.’
ગઈ કાલે તમને કહ્યું એમ કૃષ્ણશંકરદાદા કહેતા કે વાણી સત્યાત્મક, સ્નેહાતીક, શાસ્ત્રાતીક સૂત્રાત્મક હોવી જોઈએ. મમસ્ત્ય યુદ્ધનું કારણ બને છે. અમે જ સાચા - એમાંથી જ સંઘર્ષો પેદા થાય છે. સત્ય વિશેની મારી એવી સમજ છે કે એક મારું સત્ય હોય, એક તમારું સત્ય હોય અને એક આપણું સત્ય હોય છે. મારી પાસે મારી અવસ્થા પ્રમાણે મીણબત્તીનો દીવો હોય એ મારું સત્ય છે, તમારી પાસે ઘીનો દીવો હોય તો એ તમારું સત્ય છે; પણ સૂર્ય એ આપણા બધાનું સત્ય છે.
એક જ સત્યને ઘણા ઍન્ગલથી જોવામાં આવે છે. સત્યને ત્યારે જ સત્ય માનવામાં આવે છે જ્યારે છ વાતનું પાલન થાય. ધર્મરાજે સાચું જ કહ્યું હતું કે અશ્વત્થામા હણાયો છે. સાચું જ હતું, પરંતુ કયો અશ્વત્થામા? દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા કે પછી હાથી અશ્વત્થામા એની સ્પષ્ટતા નહોતી. બોલવામાં તો એ વાત સાચી જ હતી, પરંતુ આ સત્યને પૂર્ણ સત્ય માનવામાં ન આવ્યું. સત્યનો અર્થ સાચું બોલવા પૂરતો જ મર્યાદિત નથી. સાચું બોલવું સારી વાત છે, પરંતુ માત્ર વાણીથી સાચું બોલવાવાળાનું સત્ય અહંકારી થઈ જાય છે. તે અસત્ય બોલવાવાળા પર ક્રોધ કરશે, લડવા માટે તૈયાર થઈ જશે. 
ધરતીનો ધર્મ છે ફરવું, વાયુનો ધર્મ છે વહેવું અને એવી જ રીતે ધર્મનો સ્વભાવ સત્ય છે. એટલે જ સત્ય છ નીતિના પાલન દ્વારા પૂર્ણ થાય છે. આ છ વસ્તુઓનો મેળ મળે ત્યારે વાણી આકાશવાણી બની જાય છે. સત્ય માટે આ છ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, જેમાં પહેલા નંબરે આવે છે આહાર.
મારો અને તમારો આહાર શાસ્ત્ર-સંમત, શુદ્ધ અને સાત્ત્વિક હોવો જોઈએ. હવે તમારા મનને જ પૂછી જુઓ કે શું તમારો આહાર સાચો છે? ધન્ય છે પક્ષીને જે પોતાની વાણી નથી બદલતું અને પોતાનો આહાર પણ ક્યારેય બદલતું નથી. આપણે ભણેલા-ગણેલા થઈને આપણો આહાર બદલતા રહીએ છીએ. ઘણી વાર મેં જોયું છે કે લોકો પણ ખાવા જેવી વસ્તુઓ બનાવીને નાના-મોટા પ્રસંગો પર પીરસવામાં પોતાનું ગૌરવ માને છે. મોટા-મોટા રિસેપ્શનમાં, બાળકોના જન્મદિવસે દારૂ પીવડાવવો, અખાદ્ય ભોજન આપવું એવું ધનવાન અને શ્રીમંત લોકો કરે છે અને પોતાને સદ્ગૃહસ્થ સમજે છે. કેટલાક લોકો એવું વિચારે છે કે આવું ખાઈએ તો થોડી શક્તિ આવે. શક્તિ વિશ્વાસની હોય, શક્તિ નિષ્ઠાની હોય.

 ધન્ય છે પક્ષીને જે પોતાની વાણી નથી બદલતું અને પોતાનો આહાર પણ ક્યારેય બદલતું નથી. આપણે ભણેલા-ગણેલા થઈને આપણો આહાર બદલતા રહીએ છીએ

columnists astrology morari bapu