બ્રહ્માંડનાં રહસ્યો કરતાં કૂથલીખોરો પાસે મોટું રહસ્ય છે

10 January, 2022 09:07 PM IST  |  Mumbai | Swami Sachidanand

તેમની વિનાશકારી વાણી સાંભળવા તેઓ તત્પર રહે છે. કોઈને લડાવી મારવાની, કાનભંભેરણી કરવાની, નિંદા, ચાડીચુગલી કરતા રહેવાની કુટેવ કેવાં અને કેટલાં ભયંકર પરિણામ લાવતી હોય છે!

મિડ-ડે લોગો

જમવાની રીતભાત પણ શીખવવી પડે એવો સમય આવી ગયો છે. સમજવું પડશે કે કોઈને ત્યાં જમવા જવાનું હોય ત્યારે સ્વસ્થ થઈને જાઓ અને ધીરે-ધીરે શાંતિથી જમો. બને ત્યાં સુધી વાત ન કરો. પોતાની કુટેવોનું ભાન થાય તો તરત જ એને છોડો. બુચકારા બોલાવવા, હાથ તરછોડવો કે વારંવાર ખંખેરવો એ કુટેવ છે. કદાચ કોઈક કારણસર અન્નનળીની જગ્યાએ શ્વાસનળીમાં અન્નકણ ચાલ્યો જાય તો માફી માગીને ઊભા થઈ બાથરૂમમાં જાઓ. ગળું ઠીક થઈ ગયા પછી જ પોતાની જગ્યાએ આવો. પાસે નૅપ્કિન જરૂર રાખો. યાદ રાખો કે જેટલા સ્વચ્છ તથા સુઘડ રહેશો એટલા જ બીજા માટે સુખદાયી થશો. 
બહેનોમાં પણ અમુક નંગ બહેનો હોય છે. જુઓ, આ બહેનની વાત કરીએ. આ બહેન નવરાં છે એટલે આખો દિવસ આ ઘર ને પેલું ઘર ફર્યા કરે છે. તેમને ચારે તરફની વાતો મેળવવામાં ભારે રસ છે, એટલું જ નહીં, મેળવેલી એ વાતોને વધારે મસાલેદાર બનાવીને એકબીજાના વિરોધીઓને પીરસવામાં પણ તેમને મજા પડે છે. મોટા ભાગે તેઓ કાનમાં મોઢું લઈ જઈને વાતો કરે છે તથા જરાક કોઈને જોતાં જ વાતો બંધ કરી દે છે. બ્રહ્માંડનાં રહસ્યો કરતાં પણ તેમની પાસે ભારે રહસ્યો છે. એટલે જ્યાં પણ તેમનું અસ્તિત્વ પહોંચી જાય છે ત્યાં કલહ, કજિયા, વિખવાદ, રાગ-દ્વેષ, ખટપટો એ બધું આપોઆપ ફૂટી નીકળે છે. તેઓ ખરેખર કોઈનાં નથી થઈ શક્યાં, કારણ કે ખટપટમાં તેઓ કોઈને નથી છોડતાં. પોતાનો દીકરો કે દીકરાવહુ હોય તોય શું? પણ તેમનામાં એક કળા છે. તેઓ કોઈનાં ન હોવા છતાં સૌનાં છે એવો દેખાવ સારી રીતે કરી શકે છે. ખાસ કરીને કાચા કાનવાળા તો તેમને ગુરુ જ માને છે. તેમની વિનાશકારી વાણી સાંભળવા તેઓ તત્પર રહે છે. કોઈને લડાવી મારવાની, કાનભંભેરણી કરવાની, નિંદા, ચાડીચુગલી કરતા રહેવાની કુટેવ કેવાં અને કેટલાં ભયંકર પરિણામ લાવતી હોય છે!
ગામડાં, ખડકીઓ અને ઘરો આવી કુટેવોથી ખદબદી રહ્યાં છે. હવે શહેરોમાં પોતપોતાના બંગલામાં રહેનારાઓ આ કુટેવથી મુક્ત થવા લાગ્યા છે. આપણે ભલા અને આપણું ઘર ભલું એવી વૃત્તિ વિકસી છે એટલે સુખી છે, પણ બદીમુક્ત નથી થયા આપણે. હજી પણ આપણે ત્યાં આ કુટેવ છે અને હવે તો આ કુટેવ પુરુષોમાં પણ પ્રવેશી છે. બે પુરુષોની વાતો સાંભળો તો ખબર પડે તમને કે આવી વાતો તો બૈરાંઓ પણ નથી કરતાં, પણ તેઓ કરે છે અને એ આવી વાતોનો આનંદ પણ લે છે. આનંદની આ નીતિ છૂટશે ત્યારે સંસારનો પ્રત્યેક માણસ સુખી અને ઈર્ષામુક્ત થઈ જશે.

swami sachchidananda columnists astrology