કુદરત પણ ઇચ્છે છે કે સ્ત્રી-પુરુષ એકબીજામાં મળીને અભિન્ન બને

18 October, 2021 10:47 AM IST  |  Mumbai | Swami Sachidanand

નક્કી કરી આપેલી સાચી કે ખોટી રૂઢિઓનો મોટો રક્ષક વર્ગ પણ સ્ત્રીઓ પોતે જ થઈ અને એને લીધે લગભગ બધા જ સમાજસુધારકો પુરુષો થયા.

પ્રતીકાત્મક તસવીર

પોતાના પ્રશ્નોનો નિકાલ કરતાં પુરુષોએ જાતે જ નક્કી કરી લીધું છે કે સ્ત્રીઓના પ્રશ્નોનો નિકાલ પણ તે પોતે જ કરશે. સ્ત્રીના તમામ પ્રશ્નોનો નિકાલ કરવાનો ભાર પુરુષે પોતાના પર રાખ્યો હોવાથી તેણે સ્ત્રી માટે જે સમાધાનો નક્કી કર્યાં તે તેના પોતાના દૃષ્ટિકોણથી કર્યાં. સ્ત્રી સ્વયં આ બાબત પર શું દૃષ્ટિ ધરાવે છે એની ભાગ્યે જ પરવા કરવામાં આવી છે. સ્ત્રીએ ક્યાં પરણવું, ક્યાં રહેવું, કેમ બોલવું, કેમ ચાલવું, કેમ ખાવું, કેમ કપડાં પહેરવાં, કોને ત્યાં જવું, કોને ત્યાં ન જવું, કોની સાથે વાત ન કરવી, ક્યારે સૂવું તથા ક્યારે જાગવું, કેટલાં બાળકો પેદા કરવાં અને આવી જ સેંકડો વાતોમાં બધું જ પુરુષોએ નક્કી કર્યું હોય એ પ્રમાણે કરવાનું. વિધવા થયા પછી સતી થવું કે મુંડન કરાવીને ભૂંડા વેશે આર્થિક લાચારી સાથે જીવવાના ઢસરડા કર્યા કરવા એ પણ પુરુષો નક્કી કરે. પુરુષપ્રધાન સમાજની આ કરુણતા છે, પણ આ કરુણતાને સ્ત્રીએ સ્વીકારી એ મોટી કરુણતા છે.
નક્કી કરી આપેલી સાચી કે ખોટી રૂઢિઓનો મોટો રક્ષક વર્ગ પણ સ્ત્રીઓ પોતે જ થઈ અને એને લીધે લગભગ બધા જ સમાજસુધારકો પુરુષો થયા. સ્ત્રીઓમાંથી ભાગ્યે જ કોઈ સમાજસુધારક થઈ હોય. કહ્યું એમ, એનું કારણ તે પોતે જ હોય. જે હોય તે, પણ સ્ત્રીજાગૃતિ તથા સ્ત્રીવિકાસમાં મહત્ત્વનો ફાળો પુરુષોનો જ રહ્યો છે એ વાત પણ અવગણી ન શકાય. મને લાગે છે કે એનું એક કારણ પુરુષમાં સમાઈ જવાની અને પોતાના અસ્તિત્વને પુરુષમાં વિલીન કરી દેવાની સ્ત્રીની કુદરતી સહજ વૃત્તિ હોય. થોડાક અપવાદો સિવાય લગભગ બધી જ સ્ત્રીઓમાં આ વૃત્તિ જોઈ શકાય છે અને આ વૃત્તિ જ સ્ત્રીઓનો સમર્પણભાવ પ્રજ્વલ્લિત કરે છે.
આ વૃત્તિ માત્ર માણસમાં નહીં, પશુ-પક્ષી-કીટ જેવી તમામ યોનિઓમાં પણ હોય છે. લગભગ બધી જ માદાઓ નરને આધીન થઈને જીવન જીવે છે. આ આધીનતા મોટા ભાગે સુખાકારી આપનારી પુરવાર થઈ છે. આવી આધીનતાને તે સ્વયં ઇચ્છે છે અને ન મેળવી શકનાર પોતાને હતભાગી માને છે. 
કુદરતી વ્યવસ્થા જ એવી છે કે સ્ત્રીઓ પુરુષોથી તથા પુરુષો સ્ત્રીઓથી કદી સ્વતંત્ર કે નિરપેક્ષ થઈ શકે નહીં. બન્નેને એકબીજાનાં પરાધીન બનાવાયાં છે. 
આ પરાધીનતામાંથી તો દામ્પત્યજીવન પ્રકટ્યું છે. જો દ્વૈત સ્વાધીન અને સુખાકારી હોય તો દામ્પત્યનું અદ્વૈત ખીલી શક્યું ન હોત. કુદરત પણ ઇચ્છે છે કે સ્ત્રી-પુરુષનાં બે જુદાં-જુદાં વ્યક્તિત્વો એકબીજામાં મળીને અભિન્ન બને.

columnists astrology swami sachchidananda