12 October, 2024 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અસુર વિમિર્દિની મા જગદંબા
આજે વિજયાદશમી. વર્તમાન સમયમાં દશેરાને રાવણ સાથે સાંકળીને તહેવાર મનાવવામાં આવે છે. આજે દશાનનનો વધ કરીને ભગવાન શ્રીરામે જીત મેળવી હતી, જે વાત મહદંશે સૌ જાણે છે. જોકે શુક્લ અશ્વિની દશમીનું મહત્ત્વ એનાથી ઘણું અદકેરું છે. વિજયાદશમીના દિવસે અપરાજિતાદેવીની પૂજા કરવામાં આવે છે. મા અપરાજિતા વિજય અને સફળતા અપાવનાર દેવી છે એથી જ ક્ષત્રિયો આજના દિવસે શસ્ત્રપૂજા કરે છે, તો ઠેર ઠેર યજ્ઞોનું પણ આયોજન થાય છે.
તિથિઓ પાંચ પ્રકારની છે; નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણા. એમાંથી આ દશમી તિથિ પૂર્ણાતિથિના જૂથમાં આવે છે. તિથિ અનુસાર કરવામાં આવેલા કાર્યનાં અલગ-અલગ ફળ છે. પૂર્ણાતિથિએ કરવામાં આવેલા કાર્યની ઇચ્છિત સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે દરેક તિથિના અલગ-અલગ સ્વામી હોય છે. દશમી તિથિના સ્વામી ‘કાળ’ પોતે છે. આથી જ મા જગદંબાએ મહાશક્તિશાળી મહિષાસુરના વધ માટે આજનો દિવસ પસંદ કર્યો હતો. મહિષાસુરના વધ માટે ૯ દિવસ ચાલેલા મહાભયંકર યુદ્ધમાં આદ્યશક્તિનાં વિવિધ રૂપોએ અનેક બળવાન રાક્ષસોનો ક્રમબદ્ધ વધ કર્યો. સૌપ્રથમ બાષ્કલ હણાયો, ત્યાર બાદ મહાબાહુ, ચિક્ષુર, તામ્ર, અસિલોમા, બિડાલાખનો વધ થયો હતો.
પોતાની સેનાના આ મહાવીરોનાં મૃત્યુના સમાચારથી વિસ્મય સાથે ક્રોધિત થયેલો મહિષાસુર સ્વયં યુદ્ધ કરવા આવ્યો. મહિષાસુરનો વિશાળ રથ ઘોડાઓથી નહીં પરંતુ ગર્દભથી ચાલતો, એ રથમાં ૧૦૦૦ ગર્દભ જોડવામાં આવ્યા હતા. મહિષાસુરને રણમેદાનમાં આવતો જોઈને મા જગદંબાએ શંખનાદ કર્યો, જેનો અવાજ એટલો તીક્ષ્ણ અને ભયાનક હતો કે રાક્ષસોની પત્નીઓના ગર્ભ પડી ગયા. શંખનાદથી અસુર સેનામાં નાસભાગ મચી ગઈ અને યુદ્ધ શરૂ થયું. શાસ્ત્રોમાં કહ્યું છે કે એ સમયે બાણની જે વર્ષા થઈ એનાથી સૂર્ય ઢંકાઈ ગયો હતો. યુદ્ધ દરમ્યાન દેવીને વિક્ષેપિત કરવા દુર્ધર, ત્રિનેત્ર અને અન્ધક જેવા અસુરોએ પ્રહાર કર્યા, જેમનો દેવીએ વધ કર્યો. મા જગદંબાએ મહિષાસુરની છાતી પર ગદાથી પ્રહાર કર્યો, જેનાથી તે મૂર્છિત થયો.
સ્વસ્થ થતાં મહિષાસુરે સિંહનું રૂપ લઈ માતાના સિંહ પર હુમલો કર્યો, ક્રોધિત માતાએ એ સિંહરૂપી મહિષાસુર પર બાણ ચલાવ્યાં તો મહિષાસુરે વિશાળકાય હાથીનું રૂપ લીધું અને સૂંઢમાં પર્વત ઊંચકી મા પર પ્રહાર કર્યો. માતાએ કરેલા તીરના એકમાત્ર પ્રક્ષેપણથી એ પહાડના રાઈના દાણા જેવા ટુકડા થઈ ગયા. હાથીનું રૂપ ધારણ કરેલા મહિષાસુરના માથા પર માતાના સિંહે હુમલો કર્યો કે તરત મહિષાસુરે ૮ પગવાળા સાંઢનું રૂપ લીધું અને મા પર એના શીંગડાથી ઘાત કર્યો. આમ વિવિધ રૂપ લઈ તે માતાને રંજાડવા લાગ્યો. મા ચંડીએ પોતાના ત્રિશૂળથી મહિષાસુરની છાતીમાં ઘા કર્યો. તે મૂર્છિત થયો, પણ પછી ભાનમાં આવીને તે ફરી યુદ્ધ કરવા તત્પર થયો. અંતે ક્રોધિત મા જગદંબાએ હજાર આંકાવાળા દિવ્યચક્રથી પ્રહાર કર્યો જેનાથી મહિષાસુરનું મસ્તક કપાયું અને દેવોએ માતાના વિજયઘોષ સાથે સ્તુતિ કરી.
નવરાત્રિ દરમ્યાન સાધક પણ વ્રત, તપ, દાન થકી પોતાનામાં રહેલાં કામ, ક્રોધ, લોભ, મોહ, અદેખાઈ, અહંકાર, લાલચ જેવા મહિષાસુર અને રાવણનો વધ કરતા હોય છે. વર્તમાનકાળમાં રાવણને અતિશય ભારાડી માનવામાં આવે છે, પણ એક હજાર રાવણ કરતાં પણ વધારે તાકાતવાન અને ભયાનક મહિષાસુર હતો એ શાસ્ત્ર-અભ્યાસુઓ જાણે છે.
આજનું દાન
વિજયાદશમી નિમિત્તે સાવરણીનું દાન કરવું ખૂબ શુભપ્રદ છે. સવારે આઠથી સાડાઆઠ વચ્ચે નજીકના લક્ષ્મી મંદિરમાં સાવરણીનું દાન કરવું. અન્ય કોઈ મંદિર હોય ત્યાં ત્રણ સાવરણીનું એકસાથે દાન કરવું. એનાથી લક્ષ્મીપ્રાપ્તિ અને સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત થશે. ઘરમાં ક્યારેય એકથી વધુ સાવરણી ન રાખવી. સાવરણી દેખાય એ રીતે કે એને ઊભી પણ ન રાખો. સાવરણી હંમેશાં આડી રાખવી જોઈએ. લક્ષ્મીની સ્થિરતા માટે આ વાત ચોક્કસ પાળવા જેવી છે.
આજનો ઉપાય
ઉછીનાં આપેલાં નાણાં ફસાઈ જવાં એ લગભગ દરેક વ્યક્તિનો અનુભવ રહ્યો છે. ફસાયેલાં નાણાં પાછાં મેળવવા માટે આજે આસોપાલવના ઝાડની દસ વાર પ્રદક્ષિણા કરવી અને પ્રદક્ષિણા દરમ્યાન લક્ષ્મીજીનો બીજ મંત્ર બોલવો. આ પ્રયોગ દર વીકે એક વાર અવશ્ય કરવો અને ઉઘરાણી પણ કરતા રહેવું. ઉઘરાણી આવ્યા પછી પાછી આવેલી રકમમાંથી યથાશક્તિ અબોલ જીવની સેવા કરવી.
આજનો કલર છે બ્લૅક
હકીકતમાં બ્લૅક એ કોઈ કલર છે જ નહીં, પણ જ્યાંથી પ્રકાશ પરિવર્તિત નથી થતો એ જગ્યાને આંખ અંધકાર તરીકે જુએ છે. કાળા રંગને સર્જનાત્મકતાનો રંગ માનવામાં આવ્યો છે. બ્લૅક કલર જેને સૌથી વધુ પસંદ હોય તેઓ મોટા ભાગે ક્રીએટિવ કે ક્રીએટિવ ફીલ્ડ સાથે સંકળાયેલા હોય છે. કાળા કલરને હિન્દુ શાસ્ત્રમાં અશુભ કહ્યો છે જ્યારે ઇજિપ્તમાં કાળા કલરને આશાવાદનું પ્રતીક ગણ્યો છે.
_ ધર્મેશ રાજદીપ