06 October, 2024 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાલખી
નવરાત્રિના શક્તિપર્વમાં મા દુર્ગાનાં નવ સ્વરૂપોની પૂજા-આરાધના કરવામાં આવે છે અને દર શારદીય નવરાત્રિમાં માતાજી આસો સુદ એકમે પૃથ્વી પર પધારે છે અને નવમીના દિવસે પાછાં જાય છે. નવરાત્રિનો પહેલો દિવસ કયા વારે આવે છે એના આધારે તેઓ કયા વાહન પર બેસીને આવશે અને પાછા જશે એ નક્કી થતું હોય છે. સામાન્ય રીતે સિંહ પર સવારી કરતાં માતાજી પૃથ્વી પર આવવાનું હોય ત્યારે હાથી, ઘોડો, પાલખી અને બોટ પર સવારી કરે છે. આ વાહન એ આવનારા સમયનો સંકેત ગણાતો હોવાથી માતાજી કયા વાહન પર પધારશે એના આધારે જ્યોતિષીઓ અને આચાર્યો આવનારા સમયના શુભ અને અશુભ સંકેતોને ઉકેલે છે.
આ વર્ષે માતાજી ગુરુવારે પધાર્યાં હતાં એટલે તેમનું વાહન પાલખી હતું. કહેવાય છે કે પાલખીનું વાહન આવનારા સમય માટે અશુભ સંકેતોનો નિર્દેશ કરે છે. પાલખી એટલે કે ડોલી હંમેશાં ચાર લોકો ઊંચકીને ચાલે તો જ એની મૂવમેન્ટ શક્ય છે. એની ગતિ પણ ખૂબ ધીમી હોય છે. દેવીપુરાણમાં થયેલા ઉલ્લેખ મુજબ જો મા દુર્ગા પાલખીનું વાહન લઈને આવે તો એનાથી આવનારા સમયમાં આર્થિક મંદી, રોગચાળો આવી શકે છે; સામાજિક અશાંતિ અને રાજકીય ઊથલપાથલ થઈ શકે છે.
મા દુર્ગાનું વાહન કઈ રીતે નક્કી થાય?
જો નવરાત્રિનો પ્રારંભ રવિ અને સોમવારે થતો હોય તો મા દુર્ગા હાથી પર સવાર થઈને પધારે છે.
જો શનિવારે કે મંગળવારે નવરાત્રિ પ્રારંભ થતી હોય તો માતાજી ઘોડા પર સવાર થઈને આવે.
જો ગુરુવાર અને શુક્રવારે નોરતાંની શરૂઆત થાય તો માતાજી પાલખીનું વાહન લઈને આવે.
બુધવારે નવરાત્રિ શરૂ થાય તો માતાજી બોટમાં સવાર થઈને આવે.
વિવિધ વાહનોનું અર્થઘટન શું?
હાથી : માતાજીનું આ વાહન શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. હાથીના વાહન પર આગમન કરનારાં માતાજી હૅપીનેસ લઈને આવે છે અને ખૂબ જ શુભ મનાય છે. એ વર્ષે ખૂબ સારો વરસાદ અને પાક થાય છે.
બોટ : નાવડી એ પાણીનું વાહન છે. એ બતાવે છે કે આવનારા વર્ષે પૂર પણ આવી શકે છે અને સારો પાક પણ થઈ શકે છે. આ વાહન પર સવાર માતાજી તમને તમારા ધ્યેયની પ્રાપ્તિનો આશીર્વાદ આપે છે.
પાલખી : દેવીપુરાણ મુજબ પાલખી પર આવનારાં દેવી રોગચાળો અને કટોકટીનો સંકેત કરે છે. ચાર લોકોના ખભે ઊંચકાતી પાલખી દર્શાવે છે કે આગામી વર્ષે એવા સંજોગો ઊભા થશે જેમાં એકતા અને સંવાદિતાથી કામ કરશો તો જ ધીમી ગતિએ કામો આગળ ધપશે.
ઘોડો : મા દુર્ગા ઘોડા પર બેસીને આવે એ ખૂબ જ અશુભ સંકેત છે. પૌરાણિક કથાઓમાં કહેવાય છે કે આ વાહન મોટા દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાનો સંદેશ આપે છે.