સ્ત્રીની વેદના સ્ત્રી સિવાય કોઈ જાણી કે અનુભવી શકતું નથી

13 December, 2021 01:44 PM IST  |  Mumbai | Swami Sachidanand

હજારો પરાશ્રિત અને નિરાશ્રિત સ્ત્રીઓને સ્વાશ્રયી બનાવવાનું કામ પણ કરવાનું છે અને આ કામ પણ સ્ત્રીઓએ જ કરવાનું છે.

પ્રતીકાત્મક તસવીર

જો વેદનાભર્યા જીવનથી દૂર રહેવું હોય તો એનું આચરણ પણ એ જ પ્રકારે થવું જોઈએ કે પછી હોવું જોઈએ. દરેક વખતે આશ્રિત, નિરાશ્રિત કે તિરસ્કૃત જીવન માટે પુરુષ કે સમાજ જ જવાબદાર નથી હોતો. કોઈ-કોઈ વાર એ પ્રકારનું જીવન સ્ત્રીના સ્વભાવને કારણે પણ ઊભું થતું હોય છે. જોકે એવું ન બને અને એ વેદનાભર્યા જીવનથી તે હંમેશાં દૂર રહે અને સુખભર્યું સફળ જીવન પામે એવી આશા સૌકોઈએ રાખવી જોઈએ. પણ, પણ, પણ વાત માત્ર આટલેથી અટકી નથી જતી. હજારો પરાશ્રિત અને નિરાશ્રિત સ્ત્રીઓને સ્વાશ્રયી બનાવવાનું કામ પણ કરવાનું છે અને આ કામ પણ સ્ત્રીઓએ જ કરવાનું છે. સ્ત્રીની દુશ્મન સ્ત્રી છે એવી જ રીતે સ્ત્રીની વેદનાને પણ સ્ત્રી જ જાણી શકે છે તો હવે આગળ આવો અને એ દિશામાં નક્કર કામ કરીને એ પરાશ્રિત-નિરાશ્રિત મહિલાઓને કાજ કામ કરો. જ્યાં પણ હો, જ્યાંથી પણ કરવા ધારતાં હો કે પછી જેવું પણ કંઈ કરવા માગતાં હો એ તેમના માટે કરજો. તમને આશીર્વાદ મળશે. કોઈના કરમાયેલા જીવનને ખીલવી આપવું એથી વધારે મોટું કોઈ પુણ્ય નથી. આ જ વાત સાથે મારે એક બીજી પણ વાત કહેવી છે, પૂછવી છે કે કલંકિત થઈને તિરસ્કૃત થયેલી સ્ત્રીઓ માટે સમાજ શું કરશે?
મોઢું ફેરવી લેશે? 
ના, જરા પણ નહીં અને ક્યારેય નહીં. કબૂલ, સ્વીકાર્ય કે તમે રામ નથી કે અહલ્યાનો ઉદ્ધાર કરી શકો, પણ હું કહીશ કે નિર્દોષ સીતાને કલંક લગાડીને રોતી-કકળતી વન મોકલાતી અટકાવી શકો તોય ઘણું છે. 
માનવીય પ્રશ્નોને પોતાના સંદર્ભમાં મૂલવજો. તેના સાચા ઉકેલ માટે તમે એટલી જૂની અને જડાઈ ગયેલી રૂઢિઓને જરૂર પડે તો પડકારજો, ઉખાડીને ફેંકી દેજો. કાયર કે દિશાશૂન્ય ન બનશો. હજારો જીવન તમારા તરફ આશાભરી નજરે જોઈ રહ્યાં છે. એમને નિરાશ ન કરશો. નિરાશા આપવી એ અપમૃત્યુ આપવા જેવું જ કદરૂપું કામ છે માટે એવું કરવાને બદલે બહેતર છે કે તેમના મનમાં જન્મેલી આશાને બળવત્તર બનાવજો અને તમે કશું ન કરી શકો તો જે કરી શકે એમ છે એ તરફનો માર્ગ બતાવજો; પણ કહ્યું એમ નિરાશ નહીં કરતાં કે પછી નિરાશાની દિશા નહીં ખોલી આપતાં. 
સ્ત્રીઓની એક સામાન્ય ખાસિયત છે. તે આશાવાદી પણ તરત બને છે અને નિરાશાવાદ પણ તેનામાં ઝડપથી પ્રસરે છે. સ્વભાવગત આ ખાસિયતને સાચવી રાખવી એ સમાજની નૈતિક જવાબદારી છે. જવાબદારીનો સ્વીકાર ત્યારે થયો ગણાય, કહેવાય જ્યારે એનો સકારાત્મક અમલ થયો હોય. આજે દિવસ દરમ્યાન તમારી જાતને પૂછજો, આ જવાબદારીનું વહન તમે સકારાત્મકપણે કર્યું છે ખરું?

astrology columnists swami sachchidananda