બધી અહલ્યાઓને રામ નથી મળતા, ધોબી જોઈએ એટલા મળે

28 November, 2021 09:44 AM IST  |  Mumbai | Swami Sachidanand

આ રીતે આપણે પ્રજાના એક પ્રશ્નનું સમાધાન કરવા સદીઓથી મથી રહ્યા છીએ. જ્યાં સુધી કોઈ બીજો ઉત્તમ માર્ગ ન નીકળે ત્યાં સુધી આ માર્ગ ખોટો નથી.    

ફાઇલ તસવીર

પ્રત્યેક ગુરુને શિષ્યોનું મોટું ટોળું જોઈએ. વૈરાગ્યના - સમજણપૂર્વક વૈરાગ્યના - ક્ષેત્રમાં આવનારનું ટોળું ન હોય. તે તો બહુ જ થોડા હોય. તો હવે ટોળું કરવું ક્યાંથી? એના માટેનું ક્ષેત્ર છે નિરાધારતા, અર્ધનિરાધારતા કે પછી દિશાશૂન્યતા. આ રીતે આપણે પ્રજાના એક પ્રશ્નનું સમાધાન કરવા સદીઓથી મથી રહ્યા છીએ. જ્યાં સુધી કોઈ બીજો ઉત્તમ માર્ગ ન નીકળે ત્યાં સુધી આ માર્ગ ખોટો નથી.    
જે જ્ઞાતિઓમાં પુનર્લગ્નો થાય છે, કન્યાને યોગ્ય ઉંમરે પરણાવી દેવાય છે તથા કામકાજ કરવામાં લાજમહેણું નથી મનાતું ત્યાં નિરાશ્રિત સ્ત્રીઓ ઓછી હોય છે; પણ જ્યાં પુનર્લગ્નો નથી, મોટી ઉંમરે પણ જ્યાં લગ્નજીવન નથી, કામકાજ કરવામાં નાનમ મનાય છે ત્યાં નિરાશ્રિત કે અર્ધનિરાશ્રિત સ્ત્રીઓનું પ્રમાણ વધુ હોય છે. 
જો સામાજિક તથા ધાર્મિક દૃષ્ટિકોણને બદલવામાં આવે તો નિરાશ્રિત સ્ત્રીઓનું પ્રમાણ ઓછું કરી શકાય છે. એ મહિલાઓને આર્થિક રીતે સ્વાશ્રયી કરવાની સાથેે તેમને લાગણી તથા હૂંફ મળે એવી સમાજવ્યવસ્થા કરવી એ પણ મહત્ત્વનું કાર્ય છે.
નિરાશ્રિત સ્ત્રી પછી આવે છે તિરસ્કૃત સ્ત્રી. સ્ત્રીઓનો સૌથી છેલ્લો તથા દયનીય પ્રકાર જો કોઈ હોય તો તિરસ્કૃત સ્ત્રી. પોતાની ભૂલોથી કે બીજાની ભૂલોથી ઘણી સ્ત્રીઓએ જીવનભર તિરસ્કૃત થઈને રહેવું પડતું હોય છે. સમાજે નિશ્ચિત કરેલાં મૂલ્યોથી જો પુરુષ વિચલિત થઈને ચાલે તો બહુ વાંધો ન આવે, પણ કોઈ સ્ત્રી જરાક પણ વિચલિત થઈ જાય તો તે તિરસ્કારને પાત્ર બની જાય. તિરસ્કૃત થવાનાં કારણો તો અનેક છે, પણ સૌથી પ્રબળ કારણ યૌનસંબંધ છે. પુરુષના આવા અઘટિત સંબંધને લોકો ચલાવી કે નિભાવી લે છે. સ્વયં પત્ની પોતાના પતિના આવા સંબંધને ચલાવી લે છે, પણ જો સ્ત્રી આવો સંબંધ ધરાવે તો તેના માટે આકાશ જ તૂટી પડે. 
વર્ષો સુધી અહલ્યાને તિરસ્કૃત રહેવું પડ્યું. એ તો રામ મળ્યા અને સમાજ-સ્વીકૃતિ મળી. જો રામ ન હોત તો અહલ્યાનું નામ પાંચ સતીઓમાં નહીં પણ તિરસ્કૃત સ્થાને હોત. જોકે બધી અહલ્યાઓને રામ મળતા નથી. હા, ધોબી જોઈએ એટલા મળે, જે સીતા જેવી સીતાને પણ તિરસ્કૃત કરાવી મૂકે. જે રામે દૂષિત થયેલી અહલ્યાને પણ તેના ગૌરવભર્યા મૂળ સ્થાને સ્થાપી દીધી તે રામ અગ્નિપરીક્ષામાં શુદ્ધ સિદ્ધ થયેલી સીતાને તિરસ્કૃત થતા રોકી ન શક્યા. અહલ્યાના પક્ષમાં પ્રતિકૂળ લોકમત હતો એને અનુકૂળ કરી શકાયો તો સીતાજીના પક્ષમાં એવું કેમ ન કરાયું? વિદ્વાનો પાસે અનેક ઉત્તરો છે, પણ એ શ્રીરામની મહત્તાને રક્ષવા માટેના છે. સીતાજીની હૃદયવેદનાને વાચા આપનારા ઉત્તરો ક્યાં? 

astrology columnists swami sachchidananda