05 October, 2025 02:14 PM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI
ન્યુમરોલૉજીનો વિષય આમ તો થોડો અટપટો છે પણ આપણે જો એને સરળતા સાથે સમજવો હોય તો માત્ર જન્મતારીખના સરવાળાના આધારે પણ આ વિષયમાં આગળ વધી શકાય. જન્મતારીખ વ્યક્તિના સ્વભાવ અને તેમની પર્સનાલિટીને સ્પષ્ટ કરવાનું કામ કરે છે. જો વ્યક્તિનો સ્વભાવ કે તેમના સ્વભાવમાં રહેલી નબળાઈ-સબળાઈ વિશે પહેલેથી જ ખબર હોય તો સ્વાભાવિક રીતે સંબંધો લાંબો સમય ટકી શકે અને સંબંધોમાં તનાવ પણ ઓછો જન્મે. અહીં (માત્ર) જન્મતારીખ અને એ તારીખે જન્મેલી વ્યક્તિના સ્વભાવ વિશે ટૂંકમાં સમજાવવામાં આવ્યું છે.
નંબર એક : ૧, ૧૦, ૧૯ અને ૨૮ તારીખે જન્મેલા લોકોનો સીધો સિદ્ધાંત છે, માય વે ઓર નો વે. લીડરશિપની જન્મજાત ક્વૉલિટી ધરાવતી આ વ્યક્તિ સામાન્ય રીતે પોતાના નિર્ણય પર જીવતી હોય છે અને પોતાના નિર્ણયને વળગી રહેવામાં માને છે. ક્યારેક તેમનામાં અહંકાર જોવા મળી શકે છે પણ અનિવાર્ય સંજોગોમાં તે અહંકાર છોડી શકે છે.
આ નંબરને ૨, ૩ અને પ મૂળાંક ધરાવતી વ્યક્તિ સાથે સારું બને.
નંબર બે : ૨, ૧૩, ૨૦ અને ૨૯મી તારીખે જન્મેલા લોકોની રિલેશનશિપમાં માનનારા અને રિલેશન માટે કંઈ પણ છોડી શકવાની ક્ષમતા ધરાવે છે. આ વ્યક્તિમાં મૂડ સ્વિંગ્સની અસર વધુ જોવા મળતી હોય છે પણ એ મૂડ સ્વિંગ્સ પછી તે ફરીથી નૉર્મલ રિલેશનમાં સામે ચાલીને આવે છે. બે નંબરની જન્મતારીખ ધરાવનારા આર્ટમાં શ્રેષ્ઠ સર્જન કરી શકે છે.
આ નંબરને ૧, ૪ અને ૮ મૂળાંક ધરાવતી વ્યક્તિ સાથે ટ્યુનિંગ રહે.
નંબર ત્રણ : ૩, ૧૨, ૨૧, ૩૦ તારીખે જન્મેલા લોકો ખૂબ સારા ઓરેટર હોય છે. તેમને જ્ઞાન આપવું ખૂબ ગમે છે અને પોતાના આ સ્વભાવના કારણે તે ઘણી વખત વધારે પડતી વાતો કરનારા લાગે છે. ત્રણ નંબરની જન્મતારીખ ધરાવતી વ્યક્તિમાં પણ સર્જનાત્મકતા જોવા મળી શકે છે પણ શક્ય છે કે સતત બોલતા રહેવાના સ્વભાવના કારણે તે પોતાના માસ્ટરપીસ સુધી પહોંચવામાં ઘણું મોડું કરે છે.
આ નંબરને ૧, પ અને ૬ નંબર સાથે હાર્મની રહે.
નંબર ચાર : ૪, ૧૩, ૨૨ અને ૩૧ તારીખે જન્મેલા સારા સલાહકાર હોઈ શકે. તે પ્રૅક્ટિકલ છે તો સાથોસાથ ડિસિપ્લિનમાં પણ માનનારા છે. ભૂતકાળની તકલીફોને કારણે તેનામાં જડતા આવી ગયેલી પણ જોવા મળી શકે. ચાર નંબરનો મૂળાંક ધરાવતી વ્યક્તિ શ્રેષ્ઠ સોલ્જર બનવાની લાયકાત ધરાવે છે, જેને લીધે અન્યની સફળતામાં તેનો મોટો ફાળો હોઈ શકે છે.
આ નંબરને ૨, ૬ અને ૮ નંબર સાથે સારું બને.
નંબર પાંચ : પ, ૧૪ અને ૨૩ તારીખે જન્મેલા લોકોમાં ચેન્જ સ્વીકારવાની પૂરેપૂરી તૈયારી હોય છે, જેને લીધે કેટલીક વાર તે પોતે સામે ચાલીને ચેન્જ શોધવાની દિશામાં મચી પડે છે. શીખવાની બાબતમાં તે ખાસ્સા ઝડપી છે. સાહસ તેમનો સ્વભાવ છે અને નવું શીખવાની તેમને તાલાવેલી રહે છે. જોકે તે સતત ફરિયાદી માનસિકતા પણ ધરાવતા હોય છે.
આ નંબરને ૧, ૩ અને ૭ સાથે સારું ટ્યુનિંગ રહે.
નંબર છ : ૬, ૧પ અને ૨૪મી તારીખે જન્મેલા લોકોમાં આત્મવિશ્વાસ ભરપૂર છે, જેને લીધે ક્યારેક તે ઓવર-કૉન્ફિડન્સનો ભોગ બની શકે છે. વ્યક્તિ કે ઑર્ગેનાઇઝેશનને ડ્રાઇવ કરવાનો તેમનો સ્વભાવ છે, જે એ સ્વભાવ સ્વીકારે તેના માટે તે રાત-દિવસ ભૂલી શકવાને પણ સમર્થ છે. આ નંબર ધરાવતી વ્યક્તિ એક ને એક કામ કરીને ઘણી વાર કંટાળી જાય છે.
આ નંબરની મૂળાંક ૩, ૪ અને ૯ નંબર સાથે હાર્મની જોડાયેલી રહે.
નંબર સાત : ૭, ૧૬ અને ૨પમી તારીખે જન્મેલા લોકોમાં આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધારે જોવા મળી શકે છે. સ્પિરિચ્યુઅલ માઇન્ડસેટ ધરાવતા આ લોકો કેટલીક વખત સમજવા થોડા અઘરા પણ લાગી શકે પણ તેઓ બહુ સરળ હોય છે. જો તમે તેમની લાગણી જીતી શકો તો તેઓ તમારી પાસે મન ખોલીને વાત કરે અને મુશ્કેલીમાં તમારા પડખે પણ ઊભા રહે.
આ નંબરને પ, ૭ અને ૯ નંબર સાથે સારો સંબંધ રહે.
નંબર આઠ : ૮, ૧૭ અને ૨૬ જન્મતારીખ ધરાવતા લોકો સ્વભાવે ડૉમિનેટિંગ લાગે પણ હકીકતમાં તે તેના પર જ કન્ટ્રોલ કરે છે જે તેમને પોતાના લાગે છે. આઠ મૂળાંકની વ્યક્તિની ખાસિયત છે કે તે સાચું જાણતી હોવા છતાં પણ તેને પૂછવામાં ન આવે ત્યાં સુધી સત્ય કહેવાનું ટાળે છે. જીવનમાં આવતા ઉતાર-ચડાવ તેને અંતર્મુખી બનાવે છે.
આ નંબરને ૨, ૪ અને ૬ જન્મતારીખ મૂળાંક ધરાવતા સાથે ટ્યુનિંગ રહે.
નંબર નવ : ૯, ૧૮ અને ૨૭ જન્મતારીખ ધરાવતા લોકોને ગુસ્સો જેટલો ઝડપથી આવે એનાથી પણ વધારે ઝડપથી એ ઓસરી જાય પણ ગુસ્સાને લીધે તેમણે ઘણી વાર નુકસાન જોવાનો વારો આવે. નવ મૂળાંક ધરાવતા લોકો સોસાયટી પ્રત્યે વધારે જાગૃત હોય છે, જેને લીધે તેમનામાં લીડરશિપ ક્વૉલિટી પણ ડેવલપ કરો તો તે સારા નેતા બની શકે છે.
આ નંબરને ૩, ૬ અને ૯ મૂળાંકના લોકો સાથે હાર્મની જળવાયેલી રહે.