તમારી રાશિનું ચિહ્‍ન તમારા વ્યક્તિત્વને દર્શાવતું હોય છે

08 February, 2026 04:56 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

અગાઉ છ રાશિનાં ચિહ્‍નો વિશે વાત કરી છે, હવે બાકી રહેતી છ રાશિનાં ચિહ્‍નોની ચર્ચા અહીં કરી છે

રાશિનાં ચિહ્‍નો

મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિનાં ચિહ્‍નો વ્યક્તિના સ્વભાવ અને તેની કઈ લાક્ષણિકતા સૂચવે છે એ વિશે આપણે ગયા રવિવારે વાત કરી. હવે વાત કરવાની છે અન્ય છ રાશિઓનાં ચિહ્‍નો અને એમના અંગુલીનિર્દેશની. સાતમી રાશિ આવે છે તુલા.

તુલા (ચિહ્‍ન ત્રાજવું)

શાંતિપ્રિય, ન્યાયી અને કલાપ્રેમી સ્વભાવ એ તુલા રાશિનો સ્વભાવ છે તો શિસ્તબદ્ધ રહેવું એ તેમની સૌથી મોટી ખાસિયત છે. તે ઈ-મેઇલ કરશે તો પણ એમાં તમને ડિસિપ્લિન દેખાશે. સંબંધોમાં સંતુલન રાખવામાં તે માહિર છે. ઝઘડાથી તેમનું સ્ટ્રેસ વધે છે અને એટલે જ તે પૉલિટિકલ પ્રકારના ઇશ્યુથી દૂર રહે છે જેમાં સ્ટ્રેસ આવે. ત્રાજવાનું કામ બૅલૅન્સ કરવાનું છે અને તુલા રાશિના લોકો પણ સંબંધોમાં એ જ ધ્યાન રાખે છે અને બૅલૅન્સ રહેવાની કોશિશ કરે છે. ન્યાયની બાબતમાં તેઓ એટલે જ એક્સપર્ટ ગણાય છે.

મધ્યસ્થી બનવું તેમને સૌથી વધારે ગમે, જેને લીધે તેઓ ઘણી વાર ઊડતી ઉપાધિ પણ વહોરી લેતા હોય છે.

વૃશ્ચિક (ચિહ્‍ન વીંછી)

રહસ્યમયી સ્વભાવના આ લોકો જીદની બાબતમાં મક્કમ અને જબરદસ્ત પકડ ધરાવે છે. ઇમોશનલ ખરા, પણ મોટા ભાગના કિસ્સામાં તેમનાં ઇમોશન્સને જુદી દિશામાં વાળવાવાળું તેમની બાજુમાં હોય છે એટલે તેઓ જે દેખાડવા માગતા હોય છે એ દેખાડી શકતા નથી.

ઊંડાણપૂર્વક વિચારવું એ તેમની ખાસિયત છે. જો તેઓ કોઈ કામ કરવાનું નક્કી કરે તો એ પૂરું કરીને જ જંપે છે. તેમનો ઇન્ટ્યુશન પાવર જબરદસ્ત છે, પણ તેઓ હંમેશાં બીજા માટે જ એ પાવર વાપરતા હોય છે. આ ચિહ્‍ન ધરાવતા લોકોની પાછળ ચાલવામાં સાર છે, આગળ ચાલનારાઓ તેમને ઓછા ગમે છે.

ધન (ચિહ‍્ન ધનુધારી)

સ્વભાવે એકદમ આશાવાદી અને એટલે કોઈ પણ લડાઈમાં શ્રેષ્ઠ પરિણામ લાવી શકે. સ્વતંત્ર મિજાજના પણ ખરા અને સાચા અર્થમાં જ્ઞાની વ્યક્તિ. ફરવું અને નવું જાણવું એ તેમનો શોખ છે, પણ પોતાના શોખ કરતાં તેઓ બીજાની જરૂરિયાતોનું વધારે ધ્યાન રાખવામાં માને છે.

ખૂબ જ સ્પષ્ટવક્તા હોય છે અને હંમેશાં જીવનનાં મોટાં ધ્યેયો તરફ નજર રાખે છે. એમ છતાં તેઓ ક્યારેય પોતાના પરિવારના ભોગે આગળ વધશે નહીં. તેમનાથી નાના માટે તેઓ દાની છે તો પોતાનાથી મોટી ઉંમર ધરાવતી વ્યક્તિ માટે દયાળુ છે.

મકર (ચિહ્‍ન ઘેટું/બકરી)

શિસ્તબદ્ધતા તો ખરી જ, પણ એ શિસ્તબદ્ધતા તેમનામાં ગંભીરતા લાવનારી છે. આ ચિહ્‍નની વ્યક્તિ વિચારસીમાથી પણ વધારે પ્રૅક્ટિકલ હોય છે અને એટલે તે સંબંધોમાં મોટા ભાગે કડવાશ છોડતી હોય છે. મકર ચિહ્‍ન ધરાવતી વ્યક્તિને સંબંધો છૂટ્યા કે તૂટ્યાનો અફસોસ નથી થતો જે ખેદજનક ગણી શકાય.

સફળતા મેળવવા માટે લાંબી રાહ જોવાની તેમનામાં ખાસિયત છે તો સાથોસાથ તેઓ પોતાની જવાબદારીઓ પૂરી કરવામાં પણ ક્યાંય કચાશ નથી છોડતા. તેમને ખરાબ લાગે એ પછી ફરીથી સંબંધો સુધારવામાં તેઓ પહેલ કરવામાં ભાગ્યે જ માને છે.

કુંભ (ચિહ્‍ન ઘડો ધારણ કરનાર)

માનવતાવાદી, ક્રાન્તિકારી અને સ્વતંત્ર વિચારધારા ધરાવવી એ તેમનો સ્વભાવ છે. દુનિયાથી તેઓ અલગ રહી શકે છે અને પોતાના વિચારોને વળગી રહી શકે છે. સમાજમાં પરિવર્તન લાવવું તેમને ગમે છે. તેઓ મિત્રતાને ખૂબ મહત્ત્વ આપે છે, પણ અંગત જીવનમાં થોડા અલિપ્ત રહી શકે છે. આપવું એ તેમના માટે ધર્મ છે અને એ ધર્મ નિભાવવામાં ઘણી વાર પોતાના લોકોને જ નુકસાન પહોંચાડી બેસે છે.

જીવન ઢળે એવા સમયે આ ચિહ્‍નના લોકો બીજી માથાકૂટ છોડીને પોતાનામાં મસ્ત રહેવાનું વધારે પસંદ કરે છે. દુનિયાને એ એકલતા લાગે, પણ તેઓ ખરા અર્થમાં એકાંતને માણતા હોય છે.

મીન (ચિહ્‍ન માછલીની જોડી)

માછલી અત્યંત ઋજુ હૃદયની હોય છે. એવું જ આ ચિહ્‍નના લોકોનું છે. આ ચિહ્‍ન ધરાવતા લોકો દયાળુ, આધ્યાત્મિક અને કલ્પનાશીલ હોય છે. બીજાની લાગણીને તેઓ સમજી શકે છે અને એ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ શકે છે.

કલા અને સંગીતમાં તેમને ખાસ રુચિ છે, પણ તેઓ પ્રૅક્ટિકલ પણ થઈ શકે છે એટલે જરૂર પડે તો પોતાનું ફીલ્ડ બદલીને સાવ નવી જ દુનિયામાં દાખલ થઈ શકે છે. તેમને ખબર છે કે સારું જીવન હોવું જોઈએ, જો એ હશે તો પોતે પોતાની રુચિને સાચવી શકશે.

astrology columnists gujarati mid day mid day decodes zodiac libra scorpio sagittarius aquarius pisces