01 April, 2026 04:59 PM IST | Mumbai | Morari Bapu
ધન ન હોય તો પ્રેમનું દાન કરો, સ્મિત આપો, હાસ્યનું દાન કરો
જેના જીવનમાં પ્રેમ વધશે તેની અંદરના જીવંત કોષ આપોઆપ ગતિશીલ થઈ જાય છે. એ અનુભવ તો તમે સહુએ કર્યો હશે કે તમે તમારાં માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી, મિત્ર-પાડોશી કે જેને તમે ખૂબ જ પ્રેમ કરતા હો તે જો લાંબા સમયના વિરહ પછી મળે તો તેમના ક્ષેમકુશળ પૂછતાં સાથે જ તમારી આંખોમાં આંસુ આવી જાય છે, ગળું રૂંધાઈ જાય છે. કોણ તમને આ રીતે ગળગળા અને ભાવસભર કરે છે? કોણ ઘૂસી ગયું આ તમારી અંદર જેણે તમને એક ક્ષણમાં ઓગાળી નાખ્યા, પીગળાવી દીધા, સાવ પાણી-પાણી કરી દીધા? એ ચમત્કાર છે પ્રેમનો, જે તમને જોતજોતાંમાં લીલાછમ કરી દે છે અને એટલા માટે જ ગોપીઓ ઇચ્છે છે પ્રેમભિક્ષા.
ગોપીઓએ આ જ વાત પોતાના શબ્દોમાં કહી છે. ગોપીઓ કહે છેઃ હે કૃષ્ણ, હે ગોવિંદ, અમે તારા ગુણ ગાતા રહીએ, ધીરજ ધારણ કરીને રહી શકીએ. અમારી અંદર પ્રેમતત્ત્વનું જળ રહે જેથી જ્યારે તું સામે હો ત્યારે પણ અમે તારા સ્મરણમાં, તારા સ્મરણ માટે જીવી શકીએ. અમે હજાર માળા ફેરવીએ તો પણ એટલું કામ ન થઈ શકે જેટલું તું એક વાર અમને યાદ કરી લે ત્યારે થઈ જાય.
મેં ક્યાંક વાંચ્યો હતો એ કિસ્સો અત્યારે મને યાદ આવે છે, તમને કહું.
એક માણસ ભીખ માગી રહ્યો હતો. બજારમાં કેટલાય લોકો જઈ રહ્યા હતા, કોઈ તેને કંઈ આપે નહીં અને સીધા પસાર થઈ જાય. પેલા ગરીબ માણસને ખૂબ ભૂખ લાગી હતી, તેને કોઈ પાસે માગવાનો અધિકાર હતો કારણ કે ક્ષુધા તેને ભીખ માગવાને યોગ્ય બનાવી ચૂકી હતી, પણ તેને કોઈ કંઈ આપતું નહીં. આખી દુનિયા પોતાનામાં વ્યસ્ત અને મસ્ત. બસ, ત્યાંથી પસાર થાય અને આગળ ધપી જાય.
એક સંત તેની પાસેથી નીકળ્યા પરંતુ એ સંત પણ ભૂખ્યા હતા. એ સંત બોલી સમજી જાય છે. જેમ ઘાયલ કી ગત ઘાયલ જાને એ રીતે તે જાણી જાય છે કે ભૂખ કડકડતી લાગી છે. સંતે વિચાર્યું કે મારી પાસે કાંઈ નથી પરંતુ તેણે તેની પાસે જઈને પ્રેમથી તેને માથે હાથ ફેરવ્યો. ભિખારી રડી પડ્યો, તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા માંડી.
ભિખારીએ સંતને બે હાથ જોડ્યા અને નમ્રતા સાથે કહ્યું,
‘આ દુનિયામાં લોકોએ મને ઘણુંબધું આપ્યું, પણ આટલો પ્રેમ ક્યારેય નથી આપ્યો. બાબા, કાલે અહીંથી નીકળો તો ત્યારે પણ તમે કૃપા કરજો. એટલું કરો, કોઈને પ્રેમ આપો, કરુણા આપો. સહુ પાસે આ સંપદા તો છે જ.’
દાનનો અર્થ બધાને મન એક જ, ધન હોય તો દાન થાય; પણ જરૂરી નથી એ, ધન ન હોય તો પ્રેમનું દાન કરો, સ્મિત આપો, હાસ્યનું દાન કરો. સ્મિતનું દાન શ્રેષ્ઠ દાન છે.