પ્રેમનો પુત્ર ત્યાગ, દીકરી કરુણા અને કરુણાની પુત્રી અહિંસા

02 September, 2021 12:47 PM IST  |  Mumbai | Morari Bapu

પ્રેમ પરમ શાંતિ છે અને પ્રેમ પરમ સુખ છે, પ્રેમમાં ક્ષુધા નથી રહેતી. પ્રેમ પરમ જ્ઞાન છે અને પ્રેમ પરમ વૈરાગ્ય છે. પ્રેમ પરમ શક્તિ છે અને પ્રેમ ત્યાગનો પર્યાય છે.

મિડ-ડે લોગો

પ્રેમ. 
આ જગતમાં કોઈનો મહિમા કરવા જેવો હોય તો એ છે પ્રેમ. ગઈ કાલે કહ્યું એમ, પ્રેમનો જેટલો સદુપયોગ થાય એટલો કરી લેજો. શુભ હેતુ માટે પૈસા કે પછી પ્રતિષ્ઠા બેશક ઉપયોગી છે, જરૂરી પણ છે, પણ મહિમાવંત વિષય તો કેવળ પ્રેમ જ છે. પ્રભુ કરતાં પણ પ્રભુનો પ્રેમ શ્રેષ્ઠ છે, જે પ્રભુને પ્રગટ કરે છે, પણ મુદ્દો એ છે આ પ્રેમ હકીકતમાં શું છે? પ્રેમનો અર્થ, પ્રેમનો ભાવાર્થ સમજવા જેવો છે. 
પ્રેમ પરમ યોગ છે. પ્રેમમાં વિયોગ હોય. વિયોગ એટલે વિશેષ પ્રકારનો યોગ, વિયોગ એટલે ક્યારેય એવું ધારવું નહીં કે અલગ થવું. ના, પ્રેમના વિયોગનો અર્થ છે વિશેષ પ્રકારનો યોગ. પ્રેમ પરમ ભોગ છે. ભગવાનને, ઈશ્વરને ભોગવવાનો ભોગ એ અર્થમાં પ્રેમ એ ભક્તિનો પરમ ભોગ છે, જેને ભોગવવાનો છે. પ્રેમ પરમ શાંતિ છે અને પ્રેમ પરમ સુખ છે, પ્રેમમાં ક્ષુધા નથી રહેતી. પ્રેમ પરમ જ્ઞાન છે અને પ્રેમ પરમ વૈરાગ્ય છે. પ્રેમ પરમ શક્તિ છે અને પ્રેમ ત્યાગનો પર્યાય છે.
તુલસીદાસજી પ્રેમનો અર્થ બહુ સરસ રૂપક દ્વારા વ્યક્ત કરે છે.
કીરતી બિધુ તુમ્હે કીન્હ અનૂપા। 
જર્હં બસ રામ પ્રેમ મૃગરૂપ।।
કેમ માત્ર મૃગ? બીજાં કોઈ પ્રતીક કેમ ન આપ્યાં તુલસીએ? કારણ એ જ કે પ્રેમવશ થયેલો મૃગ નૃત્ય કરી જાણે છે. હાથીને મદ ઝરે, પણ એ નૃત્ય ન કરી 
શકે. જેની નાભિમાં કસ્તૂરી પાકે એ પ્રેમ. મૃગની નાભિમાં કસ્તૂરી પાકે છે. તુલસીજી પ્રેમને મૃગની સાથે સરખાવે છે, કારણ એની ગતિ જ નૃત્ય છે અને પ્રેમનું એ પહેલું લક્ષણ છે. પ્રેમ માણસને નૃત્ય કરાવી દે, ઠૂમકું લગાવી દે. ચૈતન્ય આટલા મોટા પંડિત હતા. ગૌરાંગે ચૈતન્યને પ્રેમાવતાર કહ્યો છે. પ્રેમ માણસને નચાવી જાણે છે. બાપને દીકરામાં પ્રેમ હોય છે એટલે દીકરો જેમ કહે એમ બાપ નાચે. 
‘બાપા ઘોડો થઈ જાઓ’ તો બાપા ઘોડો થઈ જાય. 
પુરુષને પત્નીમાં પ્રેમ હોય છે, પણ પ્રેમ કદી વ્યક્તિને બાંધે નહીં. જે પ્રેમ જેલમાં પૂરે એ જેલમાં કૃષ્ણ ન જન્મે. એ કૃષ્ણ પૂર્ણતાનું પ્રતીક છે. વ્યક્તિ જ્યારે કૃષ્ણને, પૂર્ણને જાણી લે ત્યારે જ્ઞાન પ્રગટે છે. આ જ્ઞાન જ પ્રેમને પ્રગટાવે છે.
પ્રેમનાં મૂળિયાં દેખાતાં નથી, એટલે એને જોવાની કે પછી શોધવાની કોશિશ ન કરશો. મૂળિયાં એનાં ઊંડાં છે. જો પ્રેમ હોય તો ક્ષમા હોવી જોઈએ, ત્યાગ હોવો જોઈએ, નહીંતર એ પ્રેમ નથી, વહેમ છે. દ્વેષથી કરેલો પ્રેમ એ હિંસા છે. 
પ્રેમનો પુત્ર ત્યાગ, દીકરી કરુણા અને કરુણાની પુત્રી અહિંસા. આ ત્રણ જ્યાં હોય ત્યાં પ્રેમની શક્તિ અકબંધ રહે.

astrology columnists