આપણી દયા આઇસક્રીમ ન આવે ત્યાં સુધી, આઇસક્રીમ આવે એટલે પત્યું

28 July, 2021 10:26 AM IST  |  Mumbai | Morari Bapu

એક દિવસ એવું બન્યું કે બિલાડીનું એ બચ્ચું માંદું પડ્યું. સાવ અશક્ત, આંખો પણ ખોલે નહીં. છોકરો બહુ ચિતિંત થઈ ગયો. અરે, આ મરી જશે તો શું થશે?

મિડ-ડે લોગો

દયા અને કરુણામાં ફરક છે અને આપણે એ ફરકની વાત કરવાની છે, પણ એ ફરકની વાત કરતાં પહેલાં આ એક બનેલી ઘટના જોઈએ.
ઇટલીના એક પ્રોફેસરનું સંસ્મરણ મેં વાંચ્યું હતું. પ્રોફેસર કૉલેજમાં આપવાનું લેક્ચર તૈયાર કરતા હતા. પ્રોફેસરને એક નાનો દીકરો હતો. એ દીકરાને બિલાડીનું નાનું બચ્ચું બહુ વહાલું. બિલાડીના બચ્ચાને તે આખો દિવસ ઘરમાં રમાડે. સ્કૂલ જાય ત્યારે એને બાય કહીને જાય અને પાછો આવે ત્યારે આવતાની સાથે એ બચ્ચા પાસે દોડીને પહોંચી જાય અને સૌથી પહેલાં એને હાય-હેલો કરે. એવામાં એક દિવસ એવું બન્યું કે બિલાડીનું એ બચ્ચું માંદું પડ્યું. સાવ અશક્ત, આંખો પણ ખોલે નહીં. છોકરો બહુ ચિતિંત થઈ ગયો. અરે, આ મરી જશે તો શું થશે? એ બાપડો તો તેના બાપુજીને કહેવા માંડ્યો કે આ બચ્ચું તો બહુ બીમાર થઈ ગયું છે, આંખો પણ નથી ખોલતું, દૂધ પણ નથી પીતું. આ મરી જશે તો શું થશે?
તેનો બાપ કામમાં વ્યસ્ત હતો એટલે તેના છોકરાને જવાબ આપ્યો, ‘બેટા, ચિંતા નહીં કર! આ બિલાડીનું બચ્ચું જો મરી જશેને તો આપણે એની સ્મશાનયાત્રા કાઢીશું,’ એટલે પેલા છોકરાએ પૂછ્યું, ‘સ્મશાનયાત્રા કાઢ્યા પછી આપણે શું કરીશું.’ પિતાએ જવાબ આપ્યો, ‘આપણે ભેગા થઈને શોકસભા રાખીશું. સોસાયટીના બધા માણસોને બોલાવીશું કે ભાઈ, બિલાડીનું બચ્ચું મરી ગયું છે. આવો સ્મશાનયાત્રામાં, એના અગ્નિ સંસ્કાર કરીશું.’ 
છોકરાએ પૂછ્યું, ‘અગ્નિ સંસ્કાર કર્યા પછી આપણે શું કરીશું?’ એટલું બોલ્યો ત્યાં બિલાડીનું બચ્ચું થોડું હલ્યું. છોકરો પૂછ્યે જાય છે, બાપ એમ ને એમ સ્વાભાવિક જવાબ આપતો જાય છે. ‘તો પછી સ્મશાનયાત્રામાં આપણે શું કરીશું? પછી આપણે પાછા ક્યારે આવીશું અને શોકસભા કરીશું?’ 
દરમ્યાન પેલું બચ્ચું સળવળે છે, પણ છોકરાના સવાલ ચાલુ હતા. ‘બાપુજી, શોકસભા કર્યા પછી શું કરીશું?’ પિતા કહે, ‘કાંઈક તો કરવું પડશેને? બધાને આપણે આઇસક્રીમ ખવડાવીશું.’
એવામાં બિલાડીનું બચ્ચું ઊભું થયું એટલે છોકરાએ કહ્યું, ‘ચાલોને બાપુજી, આ ક્યાંક ભાગી જાય એ પહેલાં આને મારી નાખીએ.’
દયાનું તો આવું હોય છે. આપણી દયા આઇસક્રીમ ન આવે ત્યાં સુધીની છે. આઇસક્રીમ આવે એટલે દયા ક્યાં જતી રહે છે અને પછી એ દયા વાણીવૈભવ પૂરતી સીમિત થઈ જાય છે.

astrology columnists Morari bapu