કોઈની સત્તા જોઈને દોસ્તી કરી, પણ એ ક્યાં સુધી નિભાવશો?

14 October, 2021 07:01 PM IST  |  Mumbai | Morari Bapu

પરમ પ્રેમ તો એ છે કે જે તમને તકલીફ આપે તો પણ તમે પ્રેમ કરવાનું છોડો નહીં અને એવું બને ત્યારે એ પ્રેમ આધ્યાત્મિકતા પામવાનો શરૂ થઈ જાય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રેમની એક શરત છે. એ શિકારી ન હોવો જોઈએ, એ વિકારી પણ ન હોવો જોઈએ. પ્રેમસ્વીકારી હોવો જોઈએ અને પ્રેમસ્વીકારી હંમેશાં સાંત્વના આપનારો હોય છે. જો આપણે માનતા હોઈએ કે આપણે પરમ પ્રેમપૂર્ણ સ્થિતિ પામ્યા છીએ તો એનાં લક્ષણો તપાસવાં પડે અને જોવું પડે કે ખરેખર આવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે કે નહીં. નારદજી આ વિષયમાં બહુ સરસ વિવેચન કરે છે. તેમણે તો પ્રેમનાં કેટલાંક લક્ષણો પણ બતાવ્યાં છે. આ લક્ષણો ધ્યાનથી જોવા જેવાં છે.
નારદજીએ સૂચવેલાં એ લક્ષણોમાંથી પહેલું લક્ષણ છે, ગુણરહિતમ.
કોઈના ગુણ વ્યક્તિમાં જોઈને કરેલો પ્રેમ પ્રેમ નથી એવું માનવાની ભૂલ ન કરતા, કારણ કે એ જ વ્યક્તિમાં જ્યારે ગુણ નહીં જણાય ત્યારે તમે તેને નફરત કરવા માંડશો. તમે કોઈને પ્રેમ કરતા હો અને પછી તમને ખબર પડે કે એ તો દારૂ પીએ છે તો તમે તેને નફરત કરવા માંડશો. તમે ગુણોને પ્રેમ કર્યો, ગુણવાનને નહીં. પ્રેમ તો ગુણવાન સાથે કરવામાં આવે છે. ‘ગુણરહિત પ્રેમ.’ તમારી મરજી મુજબ કંઈ ન થયું તો તમને અલગ થવાની વાત કરવામાં કોઈ સંકોચ નથી થતો; એમાં જરાય વાર નથી લાગતી. પ્રેમીઓનું ઉદાહરણ છે કે તેઓ શબ ઉપાડીને ફરે છે, કારણ કે ગુણવાન સાથે મોહબ્બત હતી, ગુણો સાથે નહીં. હા, પ્રેમમાં નારાજ થવું, ફરિયાદ કરવી, મનાવવું જેવાં લક્ષણો આવે છે; પરંતુ આખરે તો માલિકનો માલિક કોણ એ જ વાત આવે છે અને એટલે જ કહેવાયું છે કે પ્રીત ગુણરહિત હોવી જોઈએ. 
કોઈની સત્તા જોઈને તમે તેની સાથે દોસ્તી કરી. ક્યાં સુધી નિભાવી શકશો તેને? જ્યાં સુધી સત્તા હોય ત્યાં સુધી. કોઈનું રૂપ જોઈને તમે તેની સાથે સંબંધ વધારશો, પણ એ ક્યાં સુધી નિભાવી શકશો, જ્યાં સુધી રૂપ છે ત્યાં સુધી. સાવ સાદીસીધી વાત છે. આ ગુણોથી, સત્તાથી, ધનથી, પ્રતિષ્ઠા સાથે પ્રીત થઈ છે. ગુણવાન ક્યાં છે? આત્મા સાથે પ્રીત ક્યાં થાય છે? પરમ પ્રેમ તો એ છે કે જે તમને તકલીફ આપે તો પણ તમે પ્રેમ કરવાનું છોડો નહીં અને એવું બને ત્યારે એ પ્રેમ આધ્યાત્મિકતા પામવાનો શરૂ થઈ જાય છે. નારદજીની વાત પરથી સમજવાનું છે કે પ્રેમ ગુણો સાથે હોય, ગુણવાન સાથે નહીં.
આ ઉપરાંત પણ નારદજીએ પ્રેમનાં લક્ષણો જણાવ્યાં છે, જેમાં કામનારહિતમ, પ્રતિક્ષણ વર્ધમાન, અવિચ્છિન્નમ, સૂક્ષ્મતર અને અનુભવરૂપમ લક્ષણો આપણે જોવા-જાણવાનાં છે, પણ એ લક્ષણો આપણે જાણીશું હવે આવતા બુધવારે.

astrology